વડાપ્રધાન મોદીએ અમુલના 1120 કરોડના નવીન પ્રકલ્પોનું કર્યુ લોકાર્પણ – ખાતમુર્હૂત, મુંજકુવા સૂર્ય ઊર્જા સહકારી મંડળીનો પ્રારંભ

આણંદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારીતાના સશકત મોડલને આધાર બનાવીને અમૂલ અને ગુજરાતના સહકારી સંઘો સ્વીટ રીવોલ્યુએશન અને ગોબરધનના નવા મોડલ પ્રચલિત કરે તેવી ભલામણ કરી હતી.

ચરોતરમાં નવા પ્રયોગો કરવાની તાકાત છે. અમૂલના પ્રોફેશનલ્સ એમનું માર્ગદર્શન કરે એવા અનુરોધ સાથે વડાપ્રધાને જનધન, વનધન અને ગોબરધનનો નવો વિકાસ મંત્ર આપ્યો હતો. તેમણે પશુધનના છાણમાંથી ઊર્જા ઉત્પાદનનું ગોબરધન મોડેલ મિશન મોડમાં વિકસાવવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે, તેનાથી ભારત સ્વચ્છ બનશે, કચરામાંથી કંચન પેદા કરી શકાશે અને કલીન એનર્જી મળશે.
અમરેલી અને બનાસ ડેરીની સફળતાના દાખલા ટાંકીને તેમણે સ્વીટ રીવોલ્યુશન માટે મધમાખી ઉછેર અને મધ ઉત્પાદનની નવી પહેલો અપનાવવા અને વિકસાવવાની હિમાયત કરી હતી.

Image may contain: one or more people

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સન ૨૦૨૨માં ભારતની આઝાદીને અને ૨૦૨૦માં અમુલની સ્થાપનાને ૭૫ વર્ષ પૂરાં થાય છે. અમૂલ તેને અનુલક્ષીને દૂધ ઉત્પાદન સહિત તમામ ક્ષેત્રોમાં સહકારીતાના નવા આયામો પ્રસ્થાપિત કરતાં લક્ષ્યો નિર્ધારીત કરે. ભારત મિલ્ક પ્રોસેસીંગમાં હાલમાં વિશ્વમાં ૧૦મા નંબરે છે, તેને ત્રીજા નંબરે લાવવાનો અમૂલ નિર્ધાર કરે. તેમણે કહ્યું કે, સરદાર સાહેબે અમૂલના માધ્યમથી સહકારીતાનું જે બીજ રોપ્યું એ સમાજવાદ અને મૂડીવાદની પ્રચલિત અર્થ વ્યવસ્થાઓની સામે એક વૈકલ્પિક સશકત અર્થ વ્યવસ્થાનું મોડેલ બની ગયું છે. ગુજરાતની સહકારીતા દેશ માટે નમૂનેદાર મોડેલ બની છે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન મોદીએ આણંદ જિલ્લાના મોગર ખાતે અમૂલ ડેરીના રૂા. ૧૧૨૦ કરોડના નવીન પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યું હતું.
તેમણે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ પાકોના વેલ્યુ એડીશન સહિત વિવિધ નવી પહેલો કરવા પર ભાર મૂકતાં કહ્યું કે આવા નવા પ્રયોગોને પીઠબળ આપવા ભારત સરકારે વડાપ્રધાન કૃષિ સંપદા યોજના શરૂ કરી છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં સહકારીતાના નવા પ્રયોગો કરવાનું દિશાસૂચન કરતાં કહ્યું કે, ભારત સરકાર આવા તમામ પ્રયોગો, પહેલો અને મોડેલ્સને પીઠબળ આપશે.

વડાપ્રધાને કહ્યું કે, અમે શાસનની નિર્ણય પ્રક્રિયા અને કામ કરવાની પધ્ધતિ બદલી છે. એટલે ભૂતકાળમાં જયાં દેશમાં અભાવનો પ્રભાવ હતો તેની સામે આજે દેશ સમક્ષ વિપુલતાનો પડકાર સર્જાયો છે. શ્વેત ક્રાંતિની જેમ કૃષિ ક્રાંતિ થઇ છે. વિપુલ ખેત ઉત્પાદનને લીધે કયારેક કૃષિ પેદાશોના ભાવ ઘટી જાય છે. વેલ્યુ એડીશનથી તેનું નિવારણ કરી શકાશે.

Image may contain: one or more people

 

તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં ગાંધીનગરમાં એવા શાસકો હતાં કે જેમની નીતિઓથી સહકારીતાના વિકાસમાં અવરોધ સર્જાયો હતો. રાજયના મુખ્ય મંત્રી તરીકે મેં આ અવરોધોનું નિવારણ કર્યું જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદન સહકારીતા વ્યાપક બની છે.
અમદાવાદના પ્રિતમનગરનો દાખલો ટાંકીને વડાપ્રધાને સ્વતંત્રતા પહેલા સરદાર વલ્લભ પટેલે ગૃહ નિર્માણમાં સહકારીતાના કરેલા પ્રયોગની વિગતો આપી હતી.

જેમનામાં મારો વિરોધ કરવાની તાકાત ન હતી એવા વિરોધીઓ મારા નવા પ્રયોગોની મજાક ઉડાવતા હતા એવી લાગણી વ્યકત કરતાં વડાપ્રધાને કહ્યું કે, ઉંટડીના દૂધના વેચાણનું મારૂં સૂચન એમણે મજાકને પાત્ર બનાવ્યું હતું. આજે અમૂલ ઉંટડીના દૂધમાંથી પૌષ્ટિક ચોકલેટ બનાવે છે અને ગાયના દૂધ કરતાં બમણા ભાવે ઉંટડીનું દૂધ વેચાય છે. અમૂલે મારૂં સ્વપ્ન સાકાર કર્યું છે. ઉંટના દૂધના માર્કેટીંગથી રણવાસી પશુપાલકોને રોજીરોટી અને બજાર મળશે એવો વિશ્વાસ વ્યકત કરવાની સાથે કચ્છના સફેદ રણમાં રણોત્સવના આયોજનની સફળતાની ભૂમિકા તેમણે આપી હતી.

તેમણે અમૂલની સતત પ્રગતિ, નવા સાહસો અને વર્ક કલ્ચરના જવલંત ઉદાહરણ તરીકે મૂલવણી કરી હતી અને અમૂલના પ્રોફેશનલ્સને સહકારીતા આંદોલનનું નેતૃત્વ આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા હતા. વડાપ્રધાને અમૂલ તેમજ સહકારી સંઘોને પોતાના પરિવહન નેટવર્ક સાથે સાંકળીને અને કુકીંગ પ્લાન્ટસ સ્થાપીને ઇસ્કોનની માફક મધ્યાહન ભોજન યોજનામાં જોડાઇને તેને વધુ મજબૂત કરવા ખાસ
અનુરોધ કર્યો હતો અને આ રીતે બાળ કુપોષણના નિવારણમાં સશકત યોગદાન આપવા કહ્યું હતું.

Image may contain: one or more people and people standing

વડાપ્રધાનએ કહ્યું કે, આજે વિશ્વના ૪૦ જેટલા દેશોમાં અમૂલની ઓળખ પ્રસ્થાપિત થઇ છે અને વિદેશોના પ્રવાસ સમયે લોકો તેમના દેશમાં અમૂલના ઉત્પાદનો મળે એવી વ્યવસ્થા કરવા મને વિનંતી કરે છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. કુરિયને સહકારીતાના આધાર પર ગુજરાતની વિશ્વમાં ઓળખ પ્રસ્થાપિત કરી છે. જેને પરિણામ સ્વરૂપ અમૂલ આજે સમગ્ર વિશ્વમાં સહકારીતાના પ્રતિક તરીકે પ્રખ્યાત છે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે. ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડાપ્રધાન મોદીએ પશુપાલકોની ચિંતા કરી ગુજરાતમાં બંધ પડેલી ડેરીઓને પુન:જીવિત કરી હતી. જિલ્લે જિલ્લે ડેરીઓ દ્વારા દૂધની બનાવટોની વિકાસ યાત્રા આગળ ધપતી રહી જેને કારણે ગુજરાતના ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. મુખ્ય મંત્રીએ કહ્યું કે, રાજય સરકારે ખેડૂતોની ચિંતા કરી શૂન્ય ટકા દરે કૃષિ ધિરાણ, સુજલામ સુફલામ યોજના, સૌની યોજના અને ખેડૂતોને ૧૦ કલાક વીજળી પૂરી પાડી ખેતરે ખેતરે પાણી પહોંચાડયા છે.

ભૂતકાળના શાસકોએ કયારેય ટેકાના ભાવે અનાજનો એક દાણો ખરીદયો નહોતો અને ખેડૂતોની ઉપેક્ષા કરી હતી જેને પરિણામે ખેડૂતોને કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવો મળતા નહોતા તેમ જણાવતાં મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, રાજય સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી ખેડૂતો દ્વારા ઉત્પાદિત રૂા.૫૦૦૦ કરોડની ઉપજોની ટેકાના ભાવે ખરીદી કરી છે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે, રાજયના ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી અને પશુપાલન કરતા થાય તે માટે સરકારે કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને ઘેર બેઠાં આધુનિક ખેત પધ્ધતિઓ અંગેનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. જેને કારણે રાજયમાં કૃષિ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. મુખ્ય મંત્રીએ કહ્યું કે, વિશ્વમાં દૂધના પાવડરના ભાવ ઘટવાને કારણે ગુજરાતની ડેરીઓની સ્થિતિ ચિંતાજનક બની હતી, ત્યારે રાજય સરકારે પાવડરની નિકાસમાં રૂા. ૩૦૦ કરોડની મર્યાદામાં દૂધના પાવડરની જેટલી નિકાસ કરવામાં આવશે તેમાં પ્રતિ કિલો રૂા. ૫૦/-ની રાજય સરકાર તરફથી સહાય કરવામાં આવી રહી છે.

સુપોષિત ગુજરાતના નિર્માણ માટે રાજય સરકારે ડેરીઓના સહકારથી આંદોલન ઉપાડયું છે. ત્યારે અમૂલ દ્વારા નિર્મિત ટેક હોમ રાશન પ્લાન્ટ દ્વારા રાજયના ૧૦ જિલ્લાના ૯૦ તાલુકાની ૧૭૧૪૨ આંગણવાડીઓના ૬.૭૫ લાખ બાળકો અને ૭.૫૬ લાખ સગર્ભા માતાઓ-કિશોરીઓની પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવશે.

પ્રારંભમાં સહુનો આવકાર કરતાં અમૂલના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું કે, સરદાર સાહેબની પ્રેરણાથી ૧૯૪૬માં અમૂલની સ્થાપના થઇ અને સહકારી ક્ષેત્રે ઉત્તમ વહીવટ પ્રદાન કર્યો છે. તેનું સમગ્ર શ્રેય અમૂલના સભાસદોને ફાળે જાય છે. પરમારે કહ્યું કે, કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે રેડી ટુ યુઝ થેરાપ્યુટીક ફુડ (RUTF) પ્રોડકટ વિકસાવી ગુજરાત સરકારની જરૂરિયાત મુજબ પૂરી પાડવાનું કાર્ય હાથ ધર્યું છે. અમૂલ યુનિસેફની મદદથી અન્ય દેશોમાં પણ RUTF નિકાસ કરે છે જે ભારત સરકારની મેઇક ઇન ઇન્ડિયાની
પ્રતિબધ્ધતા દર્શાવે છે.

પરમારે કહ્યું કે, રાજય સરકાર અને અમૂલના સહયોગથી રાજયમાં પશુપાલન વ્યવસાયનો વિકાસ થયો છે. રાજયમાં દૂધ ઉત્પાદનમાં વધારો થતાં અમૂલ દ્વારા દૂધ સંપાદનમાં ૨૦ ટકાનો વધારો થયો છે. પરમારે દૂધના પાવડરના ભાવ ઘટાડા દરમિયાન રાજયની ડેરીઓને આર્થિક મદદ કરવા બદલ તેમણે રાજય સરકારનો આભાર માન્યો હતો.

આ અવસરે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, રાજય મંત્રી મંડળના સદસ્યો, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, સાંસદો, ધારાસભ્યઓ, અમૂલ નિયામક મંડળના સભ્યો, સહકારી આગેવાનો, વિવિધ દૂધ સંઘોના ચેરમેનો, અગ્રણીઓ, પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો અને સભાસદો હાજર રહ્યા હતા.

error: Content is protected !!