કોંગ્રેસની માનસિકતા કોંગ્રેસને મુબારક, હું ભલે નીચ હોઉ, દેશ અને દેશવાસીઓ માટે ઉચ્ચ કામો કરીને જ રહેવાનો છું: મોદી

સુરત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે (ગુરુવારે) સુરતમાં ગુજરાત વિકાસ રેલીને સંબોધતા કહ્યું હતું કે, ૨૦૧૪ પછી દેશભરમાં યોજાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. યુ. પી.ની ચૂંટણીઓના તાજેતરમાં આવેલ પરિણામોમાં તેમની પરંપરાગત બેઠકો અમેઠી-રાયબરેલીમાંથી પણ કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. નિરાશા અને હતાશામાં ડૂબેલી કોંગ્રેસ માન, મર્યાદા ખોઇ ચૂકી છે. લોકતંત્રમાં શોભે નહીં તેવી ભાષા બોલીને કોંગ્રેસના જવાબદાર નેતાઓ દેશને લજવી રહ્યાં છે.
​મોદીએ વધુમાં કહ્યું હતુ કે, અત્યંત વિદ્વાન પરિવારમાંથી આવેલ ઉત્તમ ઉત્તમ યુનિવર્સિટીઓની ડિગ્રીઓ જેમની પાસે છે, જેમણે દેશના રાજદૂત તરીકે ફરજો બજાવેલ છે. કોંગ્રેસના મનમોહનસિંહજીની સરકાર વખતે જવાબદાર મંત્રી રહેલાં છે, તેવું બેકગ્રાઉન્ડ ધરાવનાર શ્રીમાન મણીશંકર ઐયરે આજે એક નિવેદન કર્યું કે, આ મોદી તો નીચ છે. તેમણે એક ગુજરાતી-સમગ્ર ગુજરાત અને ભારતની મહાન પરંપરાનું અપમાન કર્યું છે. કોંગ્રેસે દેશમાં હંમેશા મોગલાઇ સંસ્કાર સંચાર કર્યા છે. ઉંચનીચના કુસંસ્કાર દેશમાં ફેલાવ્યા છે. સારા કપડાં પહેરીને કોઇ નીકળે તો આ મોગલો સહન કરી શકે નહીં તેવી માનસિકતા કોંગ્રેસની ગરીબો પ્રત્યે છે. બીજાને નીચ કહેવા, ગધેડા કહેવા, ગંદી નાલીના કીડા કહેવા, મોતના સોદાગર કહેવા તેવી પરંપરા કોંગ્રેસે ઘણા સમયથી અપનાવી છે.
​મોદીએ વધુમાં કહ્યું હતુ કે, ચૌદ વર્ષના મારા મુખ્યમંત્રીના કાર્યકાળ અને સાડા ત્રણ વર્ષના મારા પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન મેં એક પણ કામ એવું કર્યું નથી કે દેશ કે ગુજરાતના એકપણ નાગરિકને નીચું જોવું પડે. કોઇપણ નીચ કામ કર્યું નથી. ઉંચ અને નીચનો વિચાર કર્યા વગર સતત ગરીબો, દલિતો, પછાતો, આદિવાસીઓ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને બાળકોના હીતને ધ્યાને લઇ વિકાસના કાર્યો કર્યા છે. કોંગ્રેસ તેનું માનસિક સંતુલન ગુમાવે તેનું જરાય દુ:ખ નથી, પરંતુ જેણે પોતાનું સમગ્ર જીવન છેવાડાના માનવી માટે ખપાવી દીધું છે, જે ગરીબો, દુખીયારાઓની વચ્ચે બેસે છે, તેમની વાત કરે છે એ બાબતો જો તેમને નીચ લાગતી હોય તો તે માનસિકતા કોંગ્રેસને જ મુબારક. હું ભલે નીચ હોઉ, ઉચ્ચ કામો કરીને જ રહેવાનો છું.
​મોદીએ દેશભરના ભાજપાના કાર્યકર્તાઓ, નાગરિકોને હાથ જોડીને વિનંતિ કરી હતી કે, આપના દીકરા માટે કોંગ્રેસે જે અપશબ્દોના પ્રયોગો કર્યા છે, તેમના વિરૂધ્ધમાં આપણે સંયમ જાળવીએ અને આપણે ગુસ્સે ભરાઇને ખોટા નિવેદનો ન કરીએ. આ પ્રકારની માનસિકતા સામે રોષ હોય તે સ્વાભાવિક છે, પરંતુ આપણે આપણી જાહેર જીવનની માન મર્યાદાને ન ગુમાવીએ અને આવા સમયે પણ ભાજપાના સંસ્કારોનો પરીચય આપીએ. આપણી પાસે તેમને જવાબ આપવા માટેનો એક સુવર્ણ અવસર ૯ અને ૧૪મી તારીખે ગુજરાતમાં ચૂંટણીઓ છે, ત્યારે કમળના નિશાન પર બટન દબાવીને ઉચ્ચ કામ કરીને જેમણે મને નીચ કહ્યો છે, તેમને લોકશાહી ઢબે જવાબ આપીએ.
​મોદીએ વધુમાં કહ્યું હતું કે, ભૂતકાળમાં મેં અનેક અપમાનો સહન કર્યા છે, મને મોતનો સોદાગર કહેવામાં આવ્યો હતો, મને ખૂન કી દલાલી કરવાવાળો કહેવામાં આવ્યો હતો, મને અને ભાજપાના કાર્યકર્તાઓને જેલમાં પુરવાના ષડયંત્રો કર્યા. જુલ્મ કરવામાં કશું જ બાકી ન રાખ્યું, પરંતુ મેં જાહેર જીવનના મૂલ્યો માટે કામ કરવાનું નક્કી કર્યું છે, અને હું એક પણ ડગલું બદલાની ભાવનાથી ભરવાનો નથી. હું એ માર્ગે જવાનો નથી.

error: Content is protected !!