એક છૂટી ગયેલી સારી આદતને વાગોળતા મોદીએ ગુજરાતને કર્યું યાદ

અમદાવાદ, દેશગુજરાતઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના 33મા એપિસોડમાં દેશને સંબોધિત કરતા બદલાતા મોસમનો ઉલ્લેખ કરવાની સાથે દેશવાસીઓને રથ યાત્રાની શુભકામના પણ પાઠવી હતી. આ કાર્યક્રમમાં દરવખતેની માફક આ વખતે પણ ગુજરાતમાંથી પૂછાયેલા સવાલમાં મોદીએ આપેલો જવાબ કંઈક વિશેષ રહ્યો હતો.

મોદી જયારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓએ કોઈ સ્વાગત સમારોહમાં અપાતા પુષ્પ ગુચ્છના બદલે પુસ્તક આપવાનો ચીલો ચીતર્યો હતો. ગુજરાત સરકારના દરેક વિભાગમાં પણ આ બાબતને પ્રાધાન્ય અપાતું હતું. જોકે, છેલ્લા ઘણા સમયથી આ બાબત વિસરાઈ ગઈ હોય તેવું લાગે છે. ત્યારે આ વખતે ‘મન કી બાત’ કાર્યક્રમમાં અમદાવાદના એક ભાઇએ મોદીને આ અંગે જ સવાલ પૂછી લેતા મોદીએ દિલ્હી આવ્યા બાદ આ આદત છૂટી ગઈ હોવાનું જણાવ્યું હતું.

 

 

અમદાવાદના ડૉ.અનીલ સોનારાએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં સવાલ પૂછ્યો હતો કે, હાલમાં જ આપ કેરળ ગયા ત્યારે આપને એમ કહેતા સાંભળ્યા હતા કે વિવિધ કાર્યક્રમોમાં અપાતા પુષ્પગુચ્છના બદલે આપણે સારા પુસ્તકો આપવા જોઈએ. જે બાબતની શરૂઆત ગુજરાતમાં આપના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સમયે આપે કરાવી હતી. પરંતુ, હાલના સમયમાં આ બાબત જોવા મળી રહી નથી. શું આપણે આ અંગે કંઈ કરી ન શકીએ? જેનાથી દેશભરમાં આ બાબતનું અમલીકરણ થઇ શકે?

 

અમદાવાદથી પૂછાયેલા આ સવાલના જવાબમાં શ્રી મોદીએ જણાવ્યું કે, કેરલમાં પી.એન.પનિકર ફાઉન્ડેશન દ્વારા ખુબ જ સારો કાર્યક્રમ યોજાય છે. જે કાર્યક્રમમાં જવાની મને હાલમાં જ તક મળી હતી. આ સંસ્થા દ્વારા લોકો પુસ્તક વાંચન તરફ જાગૃત થાય તે માટે ‘વાંચન દિવસ’ કે ‘વાંચન મહિનો’ ઉજવવાનું નક્કી કરાયું, જેના શુભારંભમાં જવાની મને તક મળી. આ કાર્યક્રમમાં મને કહેવામાં આવ્યું કે અમે પુષ્પગુચ્છ નહીં પણ પુસ્તક આપીએ છીએ. આ સાંભળીને મને સારું લાગ્યું અને જે બાબત મારા ધ્યાનમાંથી નીકળી ગઈ હતી, તે ફરી યાદ આવી ગઈ. કારણ કે, હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે મેં સરકારમાં એ પરંપરા શરુ કરી હતી કે, આપણે પુષ્પગુચ્છ નહીં પરંતુ સારું પુસ્તક અથવા તો ખાદીનો રૂમાલ આપીને સ્વાગત કરીશું. જેના લીધે ખાદીને પણ પ્રોત્સાહન મળે. જ્યાં સુધી ગુજરાતમાં હતો ત્યાં સુધી આ બાબત એક આદત બની ગઈ હતી પરંતુ દિલ્લી આવ્યા બાદ આ આદત છૂટી ગઈ. જોકે, કેરલ ગયા બાદ ફરી આ બાબત ધ્યાન પર આવી અને મેં સરકારમાં સુચના આપવાનું શરુ પણ કરી દીધું છે.

 

 

 

મોદીએ ઉમેર્યું હતું કે, પુષ્પગુચ્છનુ આયુષ્ય ખુબ જ ટૂંકું હોય છે અને એકવાર હાથમાં પકડીને આપણે તેને ટેબલ પર મૂકી દેતા હોઈએ છીએ. જ્યારે પુસ્તક આપીએ તો તે ઘરનો એક હિસ્સો બની જાય છે અને જો ખાદીનો રૂમાલ આપવામાં આવે તો કેટલાય ગરીબ લોકોને મદદ મળે છે. ખર્ચો પણ ઓછો થાય અને સાચી રીતે તેનો ઉપયોગ પણ થઇ શકે છે.

 

આ સાથે જ મોદીએ આ પ્રકારની વસ્તુનું ઐતિહાસિક મુલ્ય જણાવતા કહ્યું કે, હું ગયા વર્ષે જયારે UK ગયો ત્યારે બ્રિટેનની ક્વીન એલિઝાબેથે મને ભોજન પર આમંત્રિત કર્યો હતો અને બાદમાં એક દોરથી ગૂંથેલો ખાદીનો રૂમાલ બતાવ્યો હતો. તેઓએ ભાવનાત્મક સ્વરમાં કહ્યું હતું કે, જયારે તેઓના લગ્ન થયા ત્યારે ગાંધીજીએ આ ખાદીનો રૂમાલ તેઓને ભેટ સ્વરૂપે મોકલ્યો હતો. જે રૂમાલ આજે પણ ક્વીન એલિઝાબેથે સાચવી રાખ્યો છે. આ રૂમાલ બાતાવતી વખતે તેઓએ મને રૂમાલ અડકીને જોવાનો આગ્રહ પણ કર્યો હતો.

 

PM મોદીએ કહ્યું કે, આ આદત રાતોરાત બદલી શકાય નહીં. જયારે પણ આવી બાબત કરીએ ત્યારે આલોચનાના શિકાર થઈએ. તેમ છતાં પણ આવી બાબતમાં પરિવર્તન લાવવાના પ્રયાસ કરતા રહેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, હું કોઈ કાર્યક્રમમાંજાવ ત્યારે ત્યાં કોઈ પુષ્પગુચ્છ લઈને આવે તો હું તેઓને મનાઈ કરી શકું નહીં તો તે બાબતની પણ આલોચના થાય. તેમ છતાં જો બદલાવની વાત કરતા રહીશું તો સુધારો થશે.

 

error: Content is protected !!