મન કી બાત: યોગની વિરાસતને આગળ વધારવા માટે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કરી અપીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા 44મી વખત દેશની જનતાનું સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ રમત-ગમત અને એડવેન્ચર જેવી બાબતોનું મહત્વ આંકતા તેમાં સિદ્ધિ મેળવનારને શુભકામના પાઠવી હતી. સમુદ્રથી દુનિયાની સફર કરી 8 માસમાં પરત ફરેલી મહિલા નેવી ટીમ તારિણીને પણ વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.

મહિલા નેવી ટીમ તારિણીની ‘નાવિકા સાગર પરિક્રમા’ અંગે વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે,  “ભારતની આ છ દીકરીઓએ, તેમની આ ટીમે બસ્સો ચોપન દિવસોથી વધુ દિવસો સમુદ્રના માધ્યમથી આઈએનએસવી તારિણીમાં આખી દુનિયાની યાત્રા કરી 21 મેએ ભારત પાછી ફરી છે અને સમગ્ર દેશે તેમનું ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કર્યું. તેમણે વિભિન્ન મહાસાગરો, અને અનેક સમુદ્રમાં યાત્રા કરતા, લગભગ બાવીસ હજાર નૉટિકલ માઇલનું અંતર કાપ્યું. વિશ્વમાં આ પ્રકારની આ પહેલી ઘટના હતી.” તેમણે ઉમેર્યું કે, “ગત બુધવારે મને આ બધી દીકરીઓને મળવાનો, તેમના અનુભવો સાંભળવાનો અવસર મળ્યો. હું ફરી એક વાર આ દીકરીઓને, તેમના ઍડ્વેન્ચરને, નેવીની પ્રતિષ્ઠાને વધારવા માટે, ભારતનું માન-સન્માન વધારવા માટે અને ખાસ કરીને વિશ્વને પણ લાગે કે ભારતની દીકરીઓ પણ કમ નથી- આ સંદેશ પહોંચાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.” તેમણે કહ્યું કે,  “સેન્સ ઓફ એડવેન્ચર  કોણ નથી જાણતું. જો આપણે માનવ જાતિની વિકાસ યાત્રા જોઈએ તો કોઈ ને કોઈ એડવેન્ચરની કોખમાંથી જ પ્રગતિનો જન્મ થયો છે. વિકાસ, એડવેન્ચરની ગોદમાંથી જ તો જન્મ લે છે. કંઈક કરવાનો ઈરાદો, પરંપરાથી હટીને કંઈક કરવાનો સંકલ્પ, કંઈક અસાધારણ કરવાની વાત, હું પણ કંઈક કરી શકું છું- આવી ધગશ રાખનારા ભલે ઓછા હોય, પરંતુ યુગો સુધી, કોટિકોટિ લોકોને પ્રેરણા મળી રહે છે.

વડાપ્રધાન મોદીએ માઉન્ટ ઍવરેસ્ટ પર ચડનારાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, “16 મે એ મહારાષ્ટ્રના ચંદ્રપુરની એક આશ્રમ શાળાનાં પાંચ આદિવાસી બાળકો-મનીષા ધુર્વે, પ્રમેશ આલે, ઉમાકાન્ત મડવી, કવિદાસ કાતમોડે, વિકાસ સોયામ- આ આપણાં આદિવાસી બાળકોના એક દળે દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચડાઈ કરી. આશ્રમ શાળાના આ વિદ્યાર્થીઓએ ઑગસ્ટ 2017માં ટ્રેનિંગ શરૂ કરી હતી. વર્ધા, હૈદરાબાદ, દાર્જિલિંગ, લેહ, લદ્દાખ- ત્યાં તેમની ટ્રેનિંગ થઈ. આ યુવાઓને ‘મિશન શૌર્ય’ હેઠળ પસંદ કરવામાં આવ્યા અને નામને અનુરૂપ એવરેસ્ટ સર કરીને, તેમણે સમગ્ર દેશને ગૌરવાન્વિત કર્યો છે. હાલમાં જ 16 વર્ષીય શિવાંગી પાઠક, નેપાળની તરફથી એવરેસ્ટ સર કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા બની.”

તેમણે ઉમેર્યું કે “અજિત બજાજ અને તેમની પુત્રી દીયા એવરેસ્ટ સર કરનારી પહેલી ભારતીય પિતા-પુત્રની જોડી બની ગઈ. એવું નથી કે માત્ર યુવાનો જ એવરેસ્ટની ચડાઈ કરી રહ્યા છે. સંગીતા બહેલે 19 મેએ એવરેસ્ટની ચડાઈ કરી અને સંગીતા બહલની ઉંમર 50થી પણ વધુ છે. એવરેસ્ટ પર ચડાઈ કરનારા કેટલાક એવા પણ છે જેમણે દેખાડ્યું કે તેમની પાસે ન માત્ર કૌશલ્ય છે, પરંતુ સાથે તેઓ સંવેદનશીલ પણ છે. હમણાં ગત દિવસોમાં જ ‘સ્વચ્છ ગંગા અભિયાન’ હેઠળ બીએસએફના એક જૂથે એવરેસ્ટની ચડાઈ કરી, આ સમગ્ર ટીમ એવરેસ્ટનો ઘણો બધો કચરો નીચે ઉતારી લાવી છે. આ કાર્ય પ્રશંસનીય તો છે જ પરંતુ સાથેસાથે તે સ્વચ્છતા પ્રત્યે પર્યાવરણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. વર્ષોથી લોકો એવરેસ્ટની ચડાઈ કરતા રહ્યા છે અને એવા અનેક લોકો છે જેમણે સફળતાપૂર્વક તે પૂરી કરી છે. હું આ બધા સાહસવીરોને, ખાસ કરીને દીકરીઓને, હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.”

ફીટ ઇન્ડિયા (સ્વસ્થ ભારત) વિષે વડાપ્રધાને કહ્યું કે, “સૉશિયલ મિડિયા પર લોકો ફિટનેસ ચેલેન્જનો વિડિયો શૅર કરી રહ્યા છે, તેમાં એક બીજાને ટૅગ કરીને તેમને ચૅલેન્જ કરી રહ્યા છે. આ અભિયાનમાં આજે દરેક જણ જોડાઈ રહ્યો છે. ચાહે તે ફિલ્મની સાથે જોડાયેલા લોકો, ખેલ જગત સાથે જોડાયેલા લોકો, દેશના સામાન્ય લોકો, સેનાના જવાન કે પછી સ્કૂલના શિક્ષક હોય ચારે તરફ એક જ ગૂંજ સંભળાય છે- ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’. મારા માટે ખુશીની વાત એ છે કે મને પણ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ચેલેન્જ આપી છે અને મેં તે ચૅલેન્જને સ્વીકારી છે. હું માનું છું કે આ ખૂબ સારી વાત છે અને આ પ્રકારની ચૅલેન્જ આપણને ફિટ રાખવામાં અને બીજાને પણ ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરશે.”

આ રેડિયો કાર્યક્રમમાં ફોન કોલ પર નોઇડાના છવિ યાદવે કહ્યું કે, “આજકાલ ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે અને એક માતા હોવાના નાતે હું જોઈ રહી છું કે બાળકો મોટા ભાગે ઇન્ટરનેટ ગેમ્સ રમ્યા રાખે છે. અમે જ્યારે નાનાં હતાં ત્યારે અમે પરંપરાગત રમતો, જે ઘરની બહારની રમતો હતી, તે રમતાં હતાં.  નારગેલ (સાત પથ્થર), ખોખો જેવી કેટલીક મેદાનની રમતો આજકાલ ખોવાઈ ગઈ છે. મારું નિવેદન છે કે તમે આજકાલની પેઢીને પરંપરાગત રમતો વિશે કંઈક જણાવો, જેથી તેમની પણ રૂચિ તે તરફ વધે.”

વડાપ્રધાને તેમને પ્રક્રિયા આપતા કહ્યું કે, “એ વાત સાચી છે કે જે રમતો ક્યારેક ગલી-ગલી, દરેક બાળકના જીવનનો હિસ્સો રહેતો હતો, તે આજે ગૂમ થઈ રહી છે. આ રમતો ખાસ કરીને ઉનાળાના વેકેશનનો વિશેષ હિસ્સો રહેતો હતો. ક્યારેક ભર બપોરે, ક્યારેક રાત્રે જમ્યા પછી, કોઈ ચિંતા વગર, બિલકુલ નિશ્ચિંત થઈને બાળકો કલાકોના કલાકો સુધી રમ્યા કરતા હતા અને કેટલીક રમતો તો એવી પણ છે જે આખો પરિવાર સાથે રમતો હતો- સાતોલીયું હોય કે લખોટી હોય, ખો ખો હોય, ભમરડો હોય કે મોઇ દાંડિયા (ગિલ્લી ડંડા) હોય, ન જાણે…કેટલીય અગણિત રમતો કાશ્મીરથી લઈને કન્યાકુમારી, કચ્છથી લઈને કામરૂપ સુધી હર કોઈ વ્યક્તિના બાળપણનો હિસ્સો રહેતો હતો. હા, એમ બની શકે કે અલગ-અલગ જગ્યાએ તે અલગ-અલગ નામોથી જાણીતી હતી. કોઈ તેને લાગોરી, સાતોલિયા, સાત પથ્થર, ડિકોરી, સતોદિયા, ન જાણે કેટલાંય નામો છે એક જ રમતનાં. પરંપરાગત રમતોમાં બે પ્રકારની રમતો છે. ઘરની બહાર પણ છે અને ઘરની અંદર પણ છે. આપણા દેશની વિવિધતાની પાછળ છુપાયેલી એકતા આ રમતોમાં પણ જોવા મળી શકે છે. હું ગુજરાતનો છું. મને ખબર છે કે ગુજરાતમાં એક રમત છે. તે કોડીઓ અથવા આંબલીના બીજ અથવા પાસા સાથે અને 8X8ના ચોરસ બૉર્ડ સાથે રમાય છે. આ રમત લગભગ દરેક રાજ્યમાં રમાતી હતી. કર્ણાટકમાં તેને ચૌકાબારા કહેવાતી હતી, મધ્ય પ્રદેશમાં અત્તુ. કેરળમાં પકીડાકાલી તો મહારાષ્ટ્રમાં ચંપલ, તો તમિલનાડુમાં દાયામ અને થાયામ, તો રાજસ્થાનમાં ચંગાપો…ન જાણે કેટલાંય નામો હતાં. પરંતુ રમ્યા પછી ખબર પડે છે કે દરેક રાજ્યવાળાની ભાષા ભલે જાણતા ન હોય – અરે વાહ! આ રમત તો અમે પણ રમતા હતા. આપણામાંથી કોણ એવું હશે જેણે બાળપણમાં મોઇ દાંડિયા (ગિલ્લી ડંડા) નહીં રમ્યા હોય? મોઈ દાંડિયા (ગિલ્લી ડંડા) તો ગામડાંથી લઈને શહેરો સુધી રમાતી રમત છે. દેશના અલગ-અલગ ભાગોમાં તેને અલગ-અલગ નામોથી જાણવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં તેને ગોટિબિલ્લા અથવા કર્રાબિલ્લા નામથી ઓળખવામાં આવે છે. ઉડીશામાં તેને ગુલિબાડી કહે છે તો મહારાષ્ટ્રમાં તેને વિત્તિડાલુ કહે છે. કેટલીક રમતોની પોતાની એક ઋતુ રહેતી હતી. જેમ કે પતંગ ચગાવવાની પણ એક ઋતુ હોય છે. જ્યારે બધા જ પતંગ ઉડાડતા હોય જ્યારે આપણે રમીએ છીએ આપણામાં જે અનોખા ગુણો હોય છે તેને આપણે મુક્તમને અભિવ્યક્ત કરી શકીએ છીએ. તમે જોયું હશે કે અનેક બાળકો શરમાળ સ્વભાવના હોય છે પરંતુ રમતી વખતે ખૂબ જ ચંચળ થઈ જાય છે. પોતાને અભિવ્યક્ત કરે છે, મોટા જે ગંભીર દેખાતા હોય છે, રમતી વખતે તેમનામાં જે એક બાળક છુપાયેલું હોય છે તે બહાર આવી જાય છે. પરંપરાગત રમતો કંઈક એવી રીતે બની છે કે શારીરિક ક્ષમતાની સાથેસાથે આપણી તર્કબદ્ધ વિચારસરણી, એકાગ્રતા, સજગતા, સ્ફૂર્તિને પણ વધારે છે. અને રમત માત્ર રમત નથી હોતી, તે જીવનનાં મૂલ્યો પણ શીખવાડે છે. લક્ષ્ય નક્કી કરવું, દૃઢતા કેવી રીતે કેળવવી, સંઘભાવના કેવી રીતે જગાવવી, પરસ્પર સહયોગ કેવી રીતે કરવો. ગત દિવસોમાં હું જોઈ રહ્યો હતો કે બિઝનેસ મેનેજમેન્ટ સાથે જોડાયેલા ટ્રેનિંગ પ્રૉગ્રામોમાં પણ ઑવરઑલ પર્સનાલિટી ડૅવલપમેન્ટ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સમાં સુધારા માટે પણ, આપણી જે પરંપરાગત રમતો હતી તેનો આજકાલ ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી સરળતાથી ઑવરઑલ ડેવલપમેન્ટમાં આપણી રમતો કામમાં આવે છે અને આ રમતો રમવા માટે કોઈ ઉંમરનો બાધ તો નથી જ ને. બાળકોથી લઈને દાદાદાદી, નાનાનાની, જ્યારે બધા રમે છે તો પેલું જે કહેવાય છે ને કે જનરેશન ગેપ, તે તો ક્યાંય છૂમંતર થઈ જાય છે. અનેક રમતો આપણને સમાજ, પર્યાવરણ વગેરે વિશે પણ જાગરુક કરે છે. ક્યારેક ક્યારેક ચિંતા થાય છે કે ક્યાંક આપણી આ રમતો ગૂમ ન થઈ જાય અને માત્ર રમતો જ ગૂમ નહીં થાય, સાથે બાળપણ પણ ક્યાંક ગૂમ થઈ જશે અને પછી આ કવિતાઓને આપણે સાંભળતા હોઈશું-

યે દૌલત ભી લે લો,

યે શૌહરત ભી લે લો,

ભલે છીન લો મુઝસે મેરી જવાની,

મગર મુઝકો લોટા દો બચપન કા સાવન

વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની

આ ગીત આપણે સાંભળતા રહી જઈશું અને આથી જ આ પરંપરાગત રમતો, તેને ખોવી નથી. આજે આવશ્યકતા છે કે શાળા, શેરીઓ, યુવા મંડળ વગેરે આગળ આવીને આ રમતોને પ્રોત્સાહન આપે. ક્રાઉડ સોર્સિંગ દ્વારા આપણે પોતાની પરંપરાગત રમતોનો એક બહુ મોટો સંગ્રહ બનાવી શકીએ છીએ. આ રમતોના વિડિયો બનાવી શકાય. એનિમેશન ફિલ્મો પણ બનાવી શકાય છે જેથી આપણી જે નવી પેઢી છે તેમના માટે આ ગલીઓમાં રમાતી રમતો ક્યારેક આશ્ચર્યનો વિષય હોય છે- તેને તેઓ જોશે, રમશે અને ખિલશે.”

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં આ વખતે ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ની થીમ

વડાપ્રધાને કહ્યું કે, “આગામી પાંચ જૂને આપણો દેશ સત્તાવાર રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન બનશે. ભારત માટે તે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને જળવાયુ પરિવર્તનને ઘટાડવા માટેની દિશામાં વિશ્વમાં ભારતના વધતા નેતૃત્વને પણ સ્વીકૃતિ મળી રહી છે- તેનો આ પુરાવો છે. આ વખતની થીમ છે- ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથો. મારી આપ સહુને અપીલ છે કે આ થીમના ભાવને, તેના મહત્ત્વને સમજીને આપણે બધા એ સુનિશ્ચિત કરીએ કે આપણે પૉલિથિન, લૉ ગ્રેડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને પ્લાસ્ટિક પ્રદૂષણની જે એક નકારાત્મક અસર આપણી પ્રકૃત્તિ પર, આપણા વન્ય જીવન પર અને આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે, તેને ઘટાડવાનો પ્રયાસ કરીએ. વિશ્વ પર્યાવરણ દિવસની વેબસાઇટ wed-india 2018 પર જાવ અને ત્યાં ઘણાં બધાં સૂચનો ખૂબ જ રોચક રીતે આપવામાં આવ્યાં છે- તે જુઓ, જાણો અને તેમને પોતાની રોજિંદી જિંદગીમાં ઉતારવાનો પ્રયાસ કરો”

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

તેમણે કહ્યું કે, “આજકાલ સમાચાર મળી રહ્યા છે કે સમગ્ર દુનિયામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. યોગ ફોર યુનિટી અને હાર્મનીયસ સોસાયટીનો એક સંદેશ છે જે વિશ્વએ ગત કેટલાંક વર્ષોમાં વારંવાર અનુભવ્યો છે.તેમણે ઉમેર્યું કે, સંસ્કૃતના મહાન કવિ ભર્તૃહરિએ હ્યું છે કે નિયમિત યોગ કરવાથી સત્ય આપણું સંતાન, દયા આપણી બહેન, આત્મસંયમ આપણો ભાઈ, સ્વયં ધરતી આપણી પથારી અને જ્ઞાન આપણી ભૂખ મટાડનારું બની જાય છે. જ્યારે આટલા બધા ગુણો કોઈના સાથી બની જાય તો યોગી બધા જ પ્રકારના ભય પર વિજય પ્રાપ્ત કરી લે છે. એક વાર ફરી હું દેશવાસીઓને અનુરોધ કરું છું કે તેઓ યોગની આપણી વિરાસતને આગળ વધારે અને એક સ્વસ્થ, ખુશહાલ અને સદભાવપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કરે.

1857માં જે પણ કંઈ થયું તે કોઈ વિદ્રોહ નહોતો પરંતુ સ્વતંત્રતાની પહેલી લડાઈ જ હતી

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની આજે  (27મી મે) પુણ્યતિથિ છે. વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમને કહ્યું કે, “આ મે મહિનાની યાદ એક બીજી વાત સાથે પણ જોડાયેલી છે અને તે છે વીર સાવરકર. 1857માં આ મેનો જ મહિનો હતો જ્યારે ભારતવાસીઓએ અંગ્રેજોને પોતાની તાકાત દેખાડી હતી. દેશના અનેક હિસ્સાઓમાં આપણા જવાનો અને ખેડૂતો પોતાની બહાદૂરી દેખાડતા અન્યાયના વિરોધમાં કટિબદ્ધ થયા હતા. દુઃખની વાત એ છે કે આપણે બહુ લાંબા સમય સુધી 1857ની ઘટનાઓને માત્ર વિદ્રોહ કે સિપાહી વિદ્રોહ કહેતા રહ્યા. વાસ્તવમાં આ ઘટનાને અવગણનાની રીતે જોવામાં આવી તો ખરી જ પરંતુ તે આપણા સ્વાભિમાનને ધક્કો પહોંચાડવાનો પણ એક પ્રયાસ હતો. તે વીર સાવરકર જ હતા, જેમણે નિર્ભિક થઈને લખ્યું હતું કે 1857માં જે પણ કંઈ થયું તે કોઈ વિદ્રોહ નહોતો પરંતુ સ્વતંત્રતાની પહેલી લડાઈ જ હતી.”

ઇદના પર્વની શુભકામના

અંતમાં વડાપ્રધાને કહ્યું કે, “જૂનના મહિનામાં એટલી બધી ગરમી થાય છે કે લોકો વરસાદની રાહ જુએ છે અને આ આશામાં આકાશમાં વાદળની તરફ ચાતક નજરે જુએ છે. આજથી કેટલાક દિવસો પછી લોકો ચાંદની પણ પ્રતીક્ષા કરશે. ચાંદ દેખાવાનો અર્થ એ છે કે ઈદ મનાવી શકાય છે. રમઝાન દરમિયાન એક મહિનાના ઉપવાસ પછી ઈદનું પર્વ ઉજવણીની શરૂઆતનું પ્રતીક છે. મને વિશ્વાસ છે કે બધા જ લોકો ઈદને પૂરા ઉત્સાહ સાથે મનાવશે. આ અવસર પર ખાસ કરીને બાળકોને સારી ઈદી પણ મળશે. આશા રાખું છું કે ઈદનો તહેવાર આપણા સમાજમાં સદભાવના બંધનને વધુ મજબૂતી પ્રદાન કરશે. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.”

 

Related Stories

error: Content is protected !!