વડાપ્રધાન મોદી ત્રણ આરબ દેશોની મુલાકાતે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) પેલેસ્ટાઈન, સયુંક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઓમાનના પ્રવાસે જવા રવાના થયા છે. કોઈ ભારતીય વડાપ્રધાનનનો આ પ્રથમ પેલેસ્ટાઈન પ્રવાસ છે. પ્રવ્વાસ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત માટે ખાડી અને પશ્ચિમ એશિયા પ્રમુખ પ્રાથમિકતાવાળા ક્ષેત્ર છે અને તેમના આ પ્રવાસનો હેતુ ક્ષેત્રના સંબંધોને મજબુત બનાવવાનો છે.  વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને આ દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ, સુરક્ષા, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, ઉર્જા સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

ભારતીય વડાપ્રધાનનો પહેલો પેલેસ્ટાઈન પ્રવાસ

9થી 12 ફેબ્રુઆરી સુધી આ દેશોના પ્રવાસે જનારા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, અમારી વૈશ્વિક ગતિવિધિઓમાં આ ક્ષેત્રને ખુબ પ્રાથમિકતા આપવામાં આવી છે. અમારા અહીંના દેશો સાથે મલ્ટી ડાઈમેન્શનલ સંબંધ છે. વડાપ્રધાન મોદીએ ફેસબુક પર લખ્યું કે, હું મારા પ્રવાસ દ્વારા ભારતના પશ્ચિમ એશિયા તથા ખાડી ક્ષેત્ર સાથે વધતા અને મહત્વપૂર્ણ સંબંધને વધુ મજબુત બનાવવાને લઈને પ્રતિબદ્ધ છું. તેમણે કહ્યું કે કોઈ પણ ભારતીય વડાપ્રધાનનો આ પહેલો પેલેસ્ટાઈન પ્રવાસ છે. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્દાસ સાથે વાતચીતને લઈને તેમનો દ્રષ્ટિકોણ સકારાત્મક છે. વડાપ્રધાન મોદીનો પ્રવાસ જોર્ડનના રસ્તે 10 ફેબ્રુઆરીએ પેલેસ્ટાઈનથી શરૂ થશે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 બાદ ખાડી અને પશ્ચિમ એશિયા વિસ્તારનો આ તેમનો પાંચમો પ્રવાસ છે.

12 કરાર પર હસ્તાક્ષર થશે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જોર્ડનથી પસાર થવાની મંજૂરીને લઈને સુલ્તાન અબ્દુલા દ્વિતિયનો હું આભારી છું. હું નવ ફેબ્રુઆરીના રોજ ઓમાનમાં તેમની સાથે થનારી મુલાકાતને લઈને ખુબ ઉત્સાહિત છું. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ભારતનો સંયુક્ત આરબ અમીરાત સાથે અર્થવ્યવસ્થા, ઉર્જા, ટેક્નોલોજી તથા સુરક્ષા સહિત તમામ મોટા ક્ષેત્રોમાં સહયોગ ઝડપથી વધ્યો છે. તેઓ સંયુક્ત આરબ અમીરાતના ઉપ રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન રશીદ શેખ મોહમ્મદ બિન રાશિદ અઆલ મખતૂમ સહિત અન્ય સાથે આ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે, 11 ફેબ્રુઆરીના રોજ તેઓ ઓમાનના સુલ્તાન સાથે બેઠક કરશે અને 12 ફેબ્રુઆરીએ ઓમાનના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુઈએ યાત્રા દરમિયાન બંને પક્ષો વચ્ચે 12 કરાર પર હસ્તાક્ષર થશે.

વૈશ્વિક સરકાર શિખર સંમેલનમાં પણ ભાગ લેશે

વડાપ્રધાન 10-11 ફેબ્રુઆરીએ છઠ્ઠા વૈશ્વિક સરકાર શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. ભારત તેમાં ભાગીદાર દેશ છે. આ વાર્ષિક સંમેલનમાં 26 દેશોની સરકારના મુખિયા, વડાપ્રધાન, મંત્રી અને 2000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદીનો આ બીજો યુએઈ પ્રવાસ છે. આ અગાઉ તેઓ ઓગસ્ટ 2015માં યુએઈ ગયા હતાં.

error: Content is protected !!