મમતા સરકારનો નવો હુકમ, મોહરમના દિવસે મૂર્તિ વિસર્જન માટે પોલીસ પાસેથી લેવી પડશે મંજુરી

કોલકાતા, દેશગુજરાત: પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિના વિસર્જન મુદ્દે શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના સચિવ, ડીજીપી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, રાજ્યમાં મૂર્તિ વિસર્જન માટેનો નિર્ણય પોલીસ વિભાગ કરશે. આ સાથે જ તૃણમૂલ નેતા કલ્યાણ બેનરજીએ કહ્યું કે, વિસર્જનની તારીખ ટાળવા માટે પશ્ચિમ બંગાળ સરકાર હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે નહીં.

દુર્ગા મૂર્તિ વિસર્જન પર રાજ્ય સરકારના પ્રતિબંધને લઈને ગુરુવારે કોલકાતા હાઈકોર્ટે ચુકાદો આપી મમતા સરકારના આદેશને રદ કરી દીધો હતો. હાઈકોર્ટે મોહરમના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી મૂર્તિ વિસર્જન ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટના ચુકાદા બાદ મમતા બેનરજીએ કહ્યું કે, શાંતિ જાળવી રાખવા માટે જે કરવું જોઈએ તે હું કરીશ.

મોહરમના દિવસે મૂર્તિ વિસર્જન ચાલુ રાખવાનો ચુકાદો આપ્યા બાદ હાઈકોર્ટે કહ્યું કે, પોલીસ મોહરમ અને વિસર્જન માટે રૂટ નક્કી કરે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મમતા સરકારે હુકમ કર્યો હતો કે, 30 સપ્ટેમ્બરે વિજયાદશમીના દિવસે સાંજે 6 વાગ્યા સુધી જ દુર્ગા મૂર્તિનું વિસર્જન કરી શકાશે તેમજ 1 ઓક્ટોબર એટલે કે મોહરમના દિવસે મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, 2 ઓક્ટોબરથી ફરી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, મમતા સરકારના આદેશને હાઈકોર્ટે રદ કરી દેતા હવે ભક્તો માતાજીની મૂર્તિનું ઈચ્છે ત્યારે વિસર્જન કરી શકશે. પરંતુ મૂર્તિઓનું  વિસર્જન કરતા પહેલા પોલીસ પાસેથી પરવાનગી મેળવવાની રહેશે.

error: Content is protected !!