હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર, 18 ડીસેમ્બર પહેલા ગુજરાતમાં યોજાશે મતદાન

નવી દિલ્હી, દેશગુજરાત: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતીએ ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની સુનિશ્ચિત તારીખો અંગે જાહેરાત કરી હતી. હિમાચલ માટે મતદાનની તારીખ 9 નવેમ્બર જાહેર કરવામાં આવી અને મતગણતરી 18 ડિસેમ્બરે થશે. ગુજરાતની મતદાનની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મતદાન 18 ડિસેમ્બર પહેલાંપૂર્ણ થશે.

જોતીએ વધુમાં કહ્યું કે, પ્રથમ મતદાનની તારીખથી 46 દિવસ અગાઉ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું  શેડ્યૂલ વહેલા જાહેર કરવામાં આવ્યું કારણ કે, હિમાચલ પ્રદેશની વિધાનસભાની વર્તમાન મુદતની માન્યતા 7મી જાન્યુઆરીએ પૂરી થઈ ગઈ છે. ડિસેમ્બરમાં બરફવર્ષાની શક્યતાને ધ્યાને લઈને મતદારોને મુશ્કેલીઓનો સામનો ન કરવા પડે તે માટે નવેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી કમિશનરે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર કરતાની સાથે જ તાત્કાલિક અસરથી હિમાચલ પ્રદેશમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

ગુજરાતમાં વિધાનસભાની  હાલની મુદતની માન્યતા 22 જાન્યુઆરીના રોજ સમાપ્ત થાય છે. આથી ગુજરાતમાં મતદાનની તારીખોની જાહેરાત બીજી પત્રકાર પરિષદમાં કરવામાં આવશે. એક રાજ્યની મતદાન પદ્ધતિ અન્ય રાજ્યને અસર કરતી નથી તે સુનિશ્ચિત કરવા માટે, ગુજરાતમાં મતદાન 18 ડિસેમ્બર પહેલા પૂર્ણ થશે, જે (18 ડીસેમ્બર)  હિમાચલપ્રદેશની ચૂંટણીની મત ગણતરીની તારીખ છે.

ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકો અને હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 116 બેઠકો મળી હતી. આ રાજ્યમાં 1998 થી ભાજપ સત્તામાં છે. હિમાચલ પ્રદેશમાં વીરભદ્ર સિંહના  નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર છે. છેલ્લી ચૂંટણીમાં,  કોંગ્રેસે 36 બેઠકો જીતી હતી અને ભાજપે 26 બેઠકો જીતી હતી.

હિમાચલની ચૂંટણી સંબંધિત મુખ્ય મુદ્દા

  • હિમાચલ પ્રદેશમાં 16 થી 23 ઓક્ટોબર સુધીમાં નામાંકન દાખલ કરી શકાશે.
  • 9મી નવેમ્બરે સમગ્ર રાજ્યમાં એક તબક્કામાં મતદાન યોજાશે.
  • 18 મી ડિસેમ્બરે મતોની ગણતરી કરવામાં આવશે, આ દિવસે જ ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે.
  • હિમાચલ પ્રદેશમાં વીવીપીએટી મશીનનો ઉપયોગ થશે.
  • હિમાચલમાં 7521 મતદાન મથકો હશે.
  • હિમાચલમાં ફોટો આઈડીનો ઉપયોગ કરવામાં આવશે.
  • જો એફિડેવિટ ભરવામાં ન આવે તો ઉમેદવારોને નોટિસ આપવામાં આવશે.
  • મતદાનની વીડિયોગ્રાફી કરાવવામાં આવશે.
  • ઉમેદવારના પ્રમોશનમાં મહત્તમ 28 લાખનો ખર્ચ કરી શકાશે.

error: Content is protected !!