ચિંતન શિબિર-2018: શાસન પ્રણાલિમાં સકારાત્મકતા-પારદર્શિતા-ત્વરિતતા માટે સામૂહિક વિચાર મંથન સત્ર યોજવામાં આવ્યું

વડોદરા: વડોદરામાં યોજાયેલ નવમી ચિંતન શિબિરના ત્રીજા દિવસે આજે (શનિવારે) ‘શાસન પ્રણાલિને સકારાત્મક, નિર્ણાયક, પારદર્શી અને સતર્ક બનાવવાના આયામો’ અંગેના ચર્ચા સત્રમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, મંત્રી મંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ચર્ચા સત્રમાં ભાગ લેતાં કહ્યું કે, નાગરિક અધિકારપત્રના અસરકારક અમલ દ્વારા રાજયના નાગરિકોના પ્રશ્નો સમયમર્યાદામાં હલ કરવામાં આવી રહ્યાં છે.

તેમણે સુશાસન માટે ટેકનોલોજીના અસરકારક વિનયોગ દ્વારા અધિકારીઓ સંવેદનશીલતા સાથે લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવે તેવું સુચવ્યું હતું. પટેલે નાગરિકોના રોજિંદા અને સતત ઉદ્દભવતા પ્રશ્નોના નિરાકરણ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવાની
હિમાયત કરી સતત જરૂરિયાતવાળા પ્રશ્નો પરત્વે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. પટેલે ઉમેર્યું કે, આના પરિણામે રાજય સરકારની પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાની પ્રતિતિ સાચા અર્થમાં નાગિરકોને થશે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે રાજયના વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગો તેમજ લશ્કરમાં સેવારત અને નિવૃત્ત કર્મીઓને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવા સુચવ્યું હતું. મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે ચર્ચા સત્રનું સમાપન કરતાં કહ્યું કે, ઇ-ગવર્નન્સ સક્ષમ પ્રશાસન ટૂલ તરીકે પ્રસ્થાપિત કરવાની આવશ્યકતા સૌએ સ્વીકારી છે તે આનંદદાયક છે.

તેમણે દરેક વિભાગમાં હયુમન ઇન્ટર ફેઇસ ઓછો થાય અને બહુધા પધ્ધતિ ઓનલાઇન થાય તો પારદર્શિતા અને સ્વચ્છ પ્રશાસનની નેમ સાકાર થશે તેવો મત દર્શાવ્યો હતો. મુખ્ય સચિવએ દરેક વિભાગોના અદના કર્મયોગીઓને પણ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે સજજ કરવાની દિશામાં જિલ્લા-વિભાગના વડાઓ નેતૃત્વ કરે તેવું પણ પ્રેરક સૂચન કર્યું હતું.

તેમણે વડાપ્રધાન એ ગુડ ગવર્નન્સની વ્યાખ્યામાં સામાન્ય માનવીના ભલા માટે-હિત માટે સૌ સાથે મળીને એક દિશામાં કાર્યરત થાય તેવા મંત્રને સાકાર કરવા પણ અપીલ કરી હતી. મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથને કહ્યું કે, ગુડ ગવર્નન્સ માટે લાંબા સમયથી જનસેવા કેન્દ્રો જેવી સંસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ સંસ્થાઓની કામગીરીની નવેસરથી સમીક્ષા કરીને, નાગરિકોને સેવાઓથી સંતોષ છે, નિર્ધારીત સમયમર્યાદામાં કામો થાય છે, કેવા સુધારા કરવાથી સંસ્થાઓ વધુ સક્ષમ બનશે એવી વિચારણા કરવાની જરૂરીઆત જણાવી હતી.

વિષય નિષ્ણાત અને નિવૃત્ત અગ્રસચિવ વરૂણ માયરાએ કહ્યું હતું કે, ગુજરાતે શરૂ કરેલી ચિંતન શિબિરોએ સુશાસન માટેની, પ્રોએકટીવ ગવર્નન્સ માટેની કવાયત છે. તેમણે સુશાસન માટે માઇન્ડસેટ બદલવા, સકારાત્મક અભિગમ કેળવવા અને લોકલક્ષી બનવાની હિમાયત કરી હતી. અમલદારશાહીમાં બદલાવ, સકારાત્મકતા સાથે કામ કરવાના વલણ પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે, સમગ્ર પ્રશાસન એક ટીમ તરીકે રાજયના હિતમાં કામ કરે, કાર્ય સંતોષ દ્વારા કર્મયોગી બને. તેમણે સીટીઝન્સ ફર્સ્ટના ક્ષેત્ર હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિતની ઇ-ગવર્નન્સ દ્વારા ગુડ ગવર્નન્સની વિભાવનાઓની છણાવટ દ્વારા સકારાત્મક,
રચનાત્મક અને લોકલક્ષી સુશાસનનું માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન ના શબ્દોને ટાંકતા તેમણે કહ્યું કે, સુશાસન એ રાષ્ટ્રની પ્રગતિનો પાયો છે.

સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ મતી સંગીતાસિંઘે પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શીતા અને નિર્ણાયકતાના ચાર સ્તંભોની સુશાસન માટે અગત્યતા સમજાવી હતી. તેમણે કહ્યું કે, એક જ વર્ષમાં ૪૭૫ જેટલાં નિર્ણયો લઇને સરકારે નિર્ણાયક સરકારની પ્રતિતિ કરાવી છે, તો સેવાસેતુ સહિતના કાર્યક્રમો અને પૂરગ્રસ્ત બનાસકાંઠાને બેઠું કરવાની ભગીરથ કામગીરીને સરકારની સંવેદનશીલતાનું પ્રતિક ગણાવી હતી. આઇ.ટી. માધ્યમથી માનવ દખલ વગર સિસ્ટમના સૂચક સંચાલનથી પારદર્શકતા વધશે એવી લાગણી વ્યકત કરી હતી. સ્પીપાના મહાનિયામક ધનંજય દ્વિવેદીએ સરકાર અને નાગરિકોને વધુ સમીપ લાવવામાં ઇ-ગવર્નન્સની અનિવાર્ય વ્યવસ્થાના વિવિધ આયામોની ચર્ચા કરી હતી. તેમણે વ્યકિતથી ઉપર ઉડીને સંસ્થાને મજબૂત કરવા પર ભાર મૂકયો હતો.

આ ચર્ચા સત્રમાં નાગરાજન, કે.કે.નિરાલા, પંકજકુમાર, અરવિંદ અગ્રવાલ, જયંતિ રવી, જે.પી.ગુપ્તા, રૂપવંતસિંઘ, સંધ્યા ભુલ્લર, તુષાર ધોળકિયા, માહિતી નિયામક અશોક કાલરિયાએ સૂચનો કર્યા હતા.

Related Stories

error: Content is protected !!