ભરુચનો નર્મદા નદી પરનો પુલ ટેક્સપેયરોના ખર્ચે બન્યો હોવા છતા સરકારની ટોલ ટેક્સ ઉઘરાવવાની પેરવી

ભરૂચ, દેશગુજરાત: ભરૂચમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા કેબલ બ્રિજ પર ટોલ ટે્ક્સ ઉઘરાવવાની તૈયારી ચાલી રહી છે.

ઈ.પી.સી. ધોરણે એટલે કે સંપૂર્ણ પણે ટેક્સ પેયરોના અથવા તો બીજા શબ્દોમાં સરકારના ખર્ચે બાંધવામાં આવેલા આ બ્રીજ માટે ટેકનીકલી ટોલ ટેક્સની ઉઘરાણી કરી શકાય નહીં. આ બાબતે વાહનચાલકોએ વિરોધ નોંધાવ્યો હોવા છતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરીટી – એનએચએઆઇ દ્વારા ઈ-ટેન્ડર પણ બહાર પાડવામાં આવી રહ્યા છે. 75 કરોડ રૂપિયાની સુધીની આ બ્રિજ ટોલની વાર્ષિક લઘુત્તમ આવક પણ નક્કી કરી દેવામાં આવી છે.

ટોલની ઠેકેદારી લેવા માગતી કંપનીઓને 10 ટકા રકમ એટલે કે 7.50 કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે.

ભરૂચમાં સર્જાતા કલાકો સુધીના લાંબા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે નર્મદા નદી પર દેશનો સૌથી લાંબો કેબલ બ્રીજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ માંડવા ગામ નજીક એલ.એન્ડ.ટી કામની દ્વારા ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ કેબલ બ્રીજ નિર્માણમાં મહત્વનો ફાળો ભજવનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ દ્વારા ટોલ પ્લાઝાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કહ્યું કે, આ બ્રીજ ઈ.પી.સી. ધોરણે બનાવવામાં આવ્યો હોવાથી તેના માટે ટોલ ઉઘરાવી શકાય નહીં. કેન્દ્ર સરકારની ટોલ ઉઘરાવવાની નીતિનો વિરોધ કરી અહેમદે પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી ટોલટેક્ષ નહીં નાખવા રજૂઆત કરી હતી.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ માટે વાર્ષિક 75 કરોડથી વધુનું ટેન્ડર ભરનારને કોન્ટ્રાક્ટ સોપવામાં આવશે. જે બાદ કેબલ બ્રીજ પરથી તથા સુરત તરફ જતા ઉપયોગમાં લેવાતા જુના બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનોને ટોલ ચૂકવવો પડશે.

વિરોધના એંધાણ

ટોલ પ્લાઝા શરુ કરવા માટે ચાલતી ગતિવિધિને લઈને વિરોધ ઉઠી રહ્યો છે. આ દરમિયાન જો ટોલ પ્લાઝા શરુ થતા જ રાજકીય પક્ષો તેમજ વિવિધ એસોસિએશન દ્વારા ટોલ પ્લાઝાનો સખ્તાઇથી વિરોધ સાથે આંદોલન ચલાવવામાં આવે તો નવાઈ નહીં. મામલો કોર્ટમાં પણ પડકારાઇ શકે છે.

ભરૂચમાં ફરી સર્જાશે ટ્રાફિક જામના દ્રશ્યો

ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અને પ્રજાને ટોલમાંથી મુક્તિ મળે તે માટે  ઈ.પી.સી. ધોરણે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ ટોલ પ્લાઝા શરુ થવાને કારણે અહીં ફરી ટ્રાફિકની લાંબી કતારો નજરે પડશે કારણ કે, 24 કલાકમાં આશરે 45000 જેટલા વાહનોની અવરજવરવાળા આ બ્રિજના ટોલ પ્લાઝા પર જો એક વાહન અંદાજે 1 મિનીટ ઉભું રહે તો પણ ઘણો સમય વેડફાઈ જશે અને પરિણામે ટ્રાફિકની સમસ્યા ‘જેસે થે વેસે’ની સ્થિતિમાં આવી જશે.

અમદાવાદથી બાય રોડ સુરત અને મુંબઈ જવું પડશે મોંઘું

ભરૂચની નર્મદા નદી ઉપર બનેલા નવ નિર્મિત કેબલ બ્રિજ પરથી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી ટોલ ટેકસ વસૂલવાનું શરૂ કરવામાં આવી શકે છે. જેના કારણે અમદાવાદ કે વડોદરાથી બાય રોડ સુરત અને મુંબઇ જતા વાહનચાલકોએ વધુ એક ટોલ ટેકસ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે, બ્રિજનો ઉપયોગ કરવા માટે સ્થાનિક વાહનચાલકોને પણ મહિને રૂ.245નો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત જીપ અને કારચાલકે રૂ.૩૦ અને માસિક રૂ.૭૧પનો ખર્ચ કરવો પડશે. ટોલટેક્ષના કારણે વાહનચાલકોને વાર્ષિક રૂ.૭પ કરોડનું ભારણ વેઠવાનો વારો આવશે.

370 કરોડના ખર્ચે તૈયાર થયેલા કેબલ સ્ટે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા ટેન્ડરિંગની કાર્યવાહી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટેન્ડરમાં જણાવ્યા મુજબ વાહનચાલકો પાસેથી વન ડે ટ્રિપ માટે રૂ.20થી રૂ.140 અને રિટર્ન ટ્રિપ માટે રૂ.30થી રૂ.200 સુધીની જોગવાઇ કરવામાં આવી છે. નવા ટોલ પ્લાઝામાં 18 લેન બનાવવામાં આવશે, જેમાં નર્મદા બ્રિજ સહીત નહીં સરદાર બ્રિજ ઉપરથી પસાર થનાર વાહનોચાલકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના કારણે ભારે વિરોધ બાદ વર્ષ 2013માં ભરૂચ નજીક ઝાડેશ્વર ટોલ પ્લાઝા બંધ કરવામાં આવ્યું હતું.

ટોલ ટેક્ષના દર

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા નક્કી કરાયેલા ટોલટેક્ષ દર પર નજર કરીએ; કાર, જીપ, એલએનવી વન વે ટ્રિપ માટે રૂ.20 અને રિટર્ન ટ્રિપ માટે રૂ.30  રહેશે. લાઇટ કોમર્શિયલ વિહિકલ માટે રૂ.35 અને 50 વસુલવામાં આવશે. બસ અને ટ્રક ટુ એકસલ માટે રૂ.75 અને રૂ.110 તેમજ થ્રી એકસલ વિહિકલ માટે રૂ.80 અને રૂ.120, હેવી વિહિકલ 115 થી 170  અને ઓવરસાઇઝ વિહિકલ માટે રૂ.140 થી રૂ.210 ઉઘરાવવામાં આવશે.

રેગ્યુલર ટ્રિપ કરતાં વિહિકલના દર 50 ટ્રિપ પ્રમાણે માસિક દર ફિકસ કરાયા છે. જેના હેવી વિહિકલના રૂ.4625 હેવી વિહિકલ ફોર એકસલના રૂ.3800, કોમર્શિયલ વિહિકલના રૂ.2645 અને રૂ.2425, લાઇટ કોમર્શિયલ વિહિકલ રૂ.1155 અને કાર અને જીપ માટે રૂ.715 લેવામાં આવશે.

error: Content is protected !!