જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકામાં ચાલી રહી છે તડામાર તૈયારીઓ
August 11, 2017
દ્વારકા, દેશગુજરાત: 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની સાથે જ જન્માષ્ટમીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સવારે 7 વાગ્યે ભગવાન શ્રી દ્વારકાધીશનું પુજન અને ગુરુપુજન, સાંજે 8 વાગ્યે ભજન સંધ્યા તેમજ રાત્રે 12 વાગ્યે નંદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ભક્તજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, આ સમસ્ત કાર્યક્રમને વાજતેગાજતે પાર પાડવા માટે મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.
જગત મંદિરમાં બહારથી આવતા ભક્તજનો માટે ખાસ તારીખ 15ને મંગળવારે સવારે 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી ચા-દૂધ-કોફી તેમજ અલ્પાહારનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓના સહયોગથી સેવાકીય નિ:શુલ્ક વ્યવસ્થાઓ શહેરના શાકમાર્કેટ ચોક, બાંગડ ધર્મશાળા નજીક ગોઠવવામાં આવી છે.
ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના હેઠળ દ્વારકામાં વિકાસકામો ચાલી રહ્યાં છે જે અંતર્ગત ભાતીગળ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા કલા મેળો-2017નું પણ વિશેષ આયોજન કરાયું છે. કલા મેળો-2017 અંતર્ગત 13 તારીખે રવિવારની સવારે 11 વાગ્યે રાજયકક્ષાની ચિત્રકલા સ્પર્ધા, તા.14ના નૃત્ય-સંગીતનો રંગારંગ કાર્યક્રમ તેમજ તા.15ના રંગોળી સ્પર્ધા, શિલ્પકલા પ્રદર્શન, અને બોટલ આર્ટ નિર્દેશન ઉપરાંત 13-14-15ના ત્રણેય દિવસ રેત શિલ્પની ઝાંખી સહિતના કાર્યક્રમો નવા ગોમતીઘાટ ખાતે યોજાનાર છે. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા દ્વારકા નગરપાલિકા દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકાધીશના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ધાર્મિક ઉત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ વિભાગ પણ ખડેપગે પોતાની સેવા બજાવશે અને સંપૂર્ણ સલામતી અને સુરક્ષા વચ્ચે માનવ મહેરામણ ધાર્મિક ઉત્સવમાં ભાગ લઇ શકશે.
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે