સૌરાષ્ટ્રમાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટના બાંધકામ માટે તડામાર તૈયારીઓ

રાજકોટ, દેશગુજરાત: રાજ્યમાં પ્રથમ અને દેશમાં દસમાં નંબરનું ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ નજીક બનાવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક બની રહેલા હીરાસર ગામના સર્વે નંબર સહીત પાંચ ગામની જમીન સંદર્ભે પર્યાવરણની સુનાવણી પૂરી થતા હવે જમીન સોંપણી આડે કોઈ અડચણ રહી નથી. તેથી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર હીરાસરની 2500 એકર જમીન એરપોર્ટ ઓથોરીટીને સોંપશે. સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી તે સમયે આ એરપોર્ટની ખાતમુર્હૂત વિધિ થઇ શકે તે માટે હાલના તબક્કે પર્યાવરણીય મંજુરી તેમજ જમીન સોંપણી સહિતની વિવિધ કામગીરીને ઝડપી આટોપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

એરપોર્ટ માટે તૈયાર કરાયેલા વિગતવાર પ્રોજેક્ટ રીપોર્ટ ડીપીઆર તથા ગુજરાત સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરીટી of ઈન્ડિયાને સોંપાયેલા પર્યાવરણીય રીપોર્ટ સંદર્ભે 21 ઓગસ્ટ સોમવારે નવી દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાવાની હોવાની માહિતી મળી છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટના વિસ્તારમાં અત્યારે 13 જેટલી પવનચક્કી છે. તેને પણ અન્ય સ્થળે ખસેડવા માટેની તંત્રએ સુચના આપી દીધી છે.

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આ પ્રોજેક્ટ સંદર્ભે યોજાયેલી જાહેર સુનાવણીમાં માત્ર એક જ સવાલ ઉઠ્યો હોવાનું જાણવા મળ્યું છે. પશુપાલકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, અમારા પશુઓ ચરવા ક્યાં જશે? જોકે, ગૌચર માટે પર્યાપ્ત જમીન પહેલીથી જ ઉપલબ્ધ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટ હીરાસર ગામની અને સુરેન્દ્રનગર જિલ્લાના દોસલીદુના, લોમાકોટડી અને ગારીડા ગામની જમીન પર નિર્માણ પામશે. આ ચારેય ગામની મળીને અંદાજે 45 એકર ખાનગી જમીન 9 ખાતેદાર ખેડૂતો પાસેથી સંપાદિત કરવામાં આવશે. પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 2700 એકર જમીન પૈકી પડતર અને જંગલ જમીન મળીને 1000 એકર જમીન એરપોર્ટ ઓથોરીટીને સોંપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

Related Stories

error: Content is protected !!