રાજ્ય સરકારના તમામ વિભાગે આપત્તિ વ્યવસ્થાપન પ્લાન સંદર્ભે સજ્જતા કેળવી

ગાંધીનગર:રાજ્યમાં આગામી ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ, પૂર, ચક્રવાત જેવી સંભવિત આપત્તિ અંગેની પૂર્વ તૈયારી અને સજ્જતા સંદર્ભે મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘ ના અધ્યક્ષ સ્થાને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા સમુહ ચિંતન કરાયું હતું

આ બેઠકને સંબોધતા મુખ્ય સચિવ શ્રી જે.એમ સિંઘે જણાવ્યું હતું કે આપત્તિ સામેની સજ્જતા જ આપત્તિ સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે રાજ્યના વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા તૈયાર કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અને તેના અમલીકરણ સંદર્ભે વિશેષ ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપત્તિ સામે આગોતરું આયોજન કરવાથી સંભવિત આપત્તિ દ્વારા થતા નુકસાનને હળવું કરી શકાય છે કે ટાળી શકાય છે.

આ પ્રસંગે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલે ચોમાસા દરમિયાન જીવન જરૂરિયાતની વિવિધ ચીજવસ્તુઓના પુરવઠાની જાળવણી કરવા ઉપર ભાર મૂક્યો હતો. જ્યારે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે અગાઉના વર્ષોના અનુભવોમાંથી જે શીખવા મળ્યું તેનો સમાવેશ આગામી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં કરવા ખાસ જણાવ્યું હતું. રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ રાજ્યમાં જુદા જુદા વિભાગોની સંભવિત આપદા સંદર્ભે સજ્જતાની સમીક્ષા કરી હતી જ્યારે ભારતીય હવામાન ખાતાના ડિરેક્ટર શ્રી જયંત સરકારે અલનીનો અને ઈન્ડીયન ઓસન ડાયપોલ સિસ્ટમની ચોમાસા ઉપરની અસર વિષે જણાવ્યું હતું અને ચોમાસુ સામાન્યથી વધુ સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ઇસરો દ્વારા સેટેલાઈટ ટેકનોલોજીનો ઉપયોગ એનડીઆરએફ દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા, આર્મીની ત્રણેય પાંખ ઉપરાંત ટેલિફોન, રેલવે, એસ.ટી. જેવા વિભાગો દ્વારા કોમ્યુનિકેશન સુવિધાની જાળવણી તેમજ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોની સજ્જતા અને સંકલન વિશે વિશેષ ધ્યાન અપાયું હતું.

આ બેઠકનું સંચાલન રાજ્યના રાહત નિયામક શ્રી એમ.આર.કોઠારીએ કર્યું હતું. બેઠકમાં રાજ્ય વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી વિવિધ સુચનો કર્યા હતા.

error: Content is protected !!