સરદાર સરોવર બંધ પરથી મા નર્મદાનું વિધિવત પૂજન કરીને વડાપ્રધાન મોદીએ યોજના રાષ્ટ્રને અર્પણ કરી

ડભોઇ: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ધરતી પર સાકાર થયેલી આંતરરાજ્ય–બહુહેતુક-ઐતિહાસિક સરદાર સરોવર નર્મદા યોજના રાષ્ટ્રને અર્પણ કરી હતી. તેઓએ નર્મદા જિલ્લામાં કેવડીયા નજીક ૧૪૪.૫૦ મીટર ઉંચા–વિશાળ સરદાર સરોવર નર્મદા બંધ પરથી નર્મદાષ્ટકમ અને પુરૂષાસુક્તના ગાન સાથે સરદાર સરોવરમાં હિલોળા લેતાં મા નર્મદાના નીરને ફુલડે વધાવી, શ્રીફળ-ચૂંદડી પધરાવી નર્મદા પૂજન કર્યું હતું.

રાષ્ટ્રમાં સુખ, શાંતિ, સદ્દભાવ, સમૃધ્ધિ અને સ્વચ્છતાના સંકલ્પ સાથે નર્મદા પૂજન કરીને વડાપ્રધાન મોદીએ સરદાર સરોવર નર્મદા યોજના રાષ્ટ્રને અર્પણ કરી હતી. ભારતના સિંચાઇ મંત્રી નીતિન ગડકરી, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ તક્તીનું અનાવરણ પણ કર્યું હતું. કેવડીયા કોલોની નજીકના સમગ્ર વિસ્તારને અને સરદાર સરોવર (નર્મદા) ડેમને લાલ-પીળા વસ્ત્રો અને ફુલોથી સજાવાયો હતો. મુખ્યબંધની ઉંચાઇથી લઇને સરદાર સરોવરમાં હિલોળા લેતાં નર્મદાનાં નીરને સ્પર્શે તે રીતે લાલ-પીળા વસ્ત્રો પર અંકિત “નર્મદે-સર્વદે” મંત્રએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી મુક્યું હતું.

ગુજરાતના પનોતાપુત્ર અને ભારતના વડાપ્રધાન મોદીનો આજે (17મી સપ્ટેમ્બરે) જન્મદિવસ પણ છે. સરદાર સરોવર નર્મદા બંધ પર  તેઓનું આગમન થતાં જ નર્મદા-ભરૂચ- રાજપીપળા પાઠશાળાના ૧૦૧ ૠષિકુમારોએ નર્મદાષ્ટકનું સામૂહિક ગાન કરીને તેઓને આવકાર્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. નર્મદા મુખ્યબંધની ‘એ ફ્રેમ’ તરફની બાજુએથી મોદી ડેમ પર આવ્યા હતા, જ્યાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધ્યક્ષ એસ.એસ.રાઠોરે તેમને યોજનાની છેલ્લામાં છેલ્લી સ્થિતિ વિષે ટૂંકમાં માહિતી આપી હતી.

તિલકવાડાના વિરંચીપ્રસાદ શાસ્ત્રીજીએ શાસ્ત્રોક્તવિધિનો આરંભ કરાવ્યો હતો. મા નર્મદાની આરાધના કરતા નર્મદાષ્ટકમના સતત ગાન વચ્ચે વડાપ્રધાન મોદીએ શ્રીફળ-ચૂંદડી પધરાવીને મા નર્મદાના ઓવારણા લીધા હતા. મોદીએ પાંચ દીવાઓથી ભાવપૂર્વક મા નર્મદાની આરતી ઉતારી ત્યારે ૠષિકુમારોએ સમગ્ર વતાવરણ શંખનાદથી ભરી દીધુ હતું. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સાથે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રાજ્યપાલ ઓ.પી. કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત
વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કર્યાં હતાં.
મહાનુભાવો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંચ પાસે ગયા હતા. જ્યાં તેમણે તકતીનું અનાવરણ કર્યુ હતું. જીવાદોરી સમી સરદાર સરોવર નર્મદા યોજનાના વિધિવત રાષ્ટ્રાર્પણ સાથે જ ઘનઘોર વાદળોથી ઘેરાયેલાં આકાશમાં સૂર્યોદય થયો અને તેના સોનેરી
કિરણો સમગ્ર વાતાવરણમાં રેલાઈ ગયા હતા.

સરદાર સરોવર (નર્મદા) મુખ્યબંધ પર નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પર્યાવરણ અને પૂનવર્સન સભ્ય ડૉ. અફરોઝ અહેમદ, પૂર્વ સભ્ય ડૉ. એમ.કે.સિન્હા, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહ, નર્મદા નિગમના સંચાલક નરેન્દ્રભાઇ રાવલ, વરિષ્ઠ અધિકારીઓ  કે.કૈલાશનાથન, મા નર્મદા મહોત્સવના કો.ઓર્ડીનેટર અને જી.એસ.એફ.સી.ના મેનેજીંગ ડિરેક્ટર એ. એમ. તિવારી, એમ. એસ. ડાગુર, સલાહકાર બી. એન.નવલાવાલા, નર્મદા યોજનાના ઈજનેરો અને અધિકારીઓ પણ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતા.

error: Content is protected !!