વડાપ્રધાન મોદીના એક ફોન કોલે બચાવ્યા 6000 ભારતીય અને વિદેશીઓના જીવ: સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી: સિંગાપોરમાં આયોજિત પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, વર્ષ 2015માં યુદ્ઘ પ્રભાવિત યમનમાં ફસાયેલા ભારતીયો અને વિદેશીઓને ત્યાંથી નીકાળવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદીના શાહને કરેલો એક ફોન કોલ નિર્ણાયક સાબિત થયો હતો અને ત્યાંથી મદદ મળી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં સાઉદી અરબ અને તેના સહયોગીએ કરેલા સૈન્ય દખલ દરમિયાન યમનથી 4000થી વધારે ભારતીય નાગરિકો તેમજ વિદેશીઓને બચાવવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન રાહત શરુ કર્યુ હતું. અદન પોર્ટથી 1 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી લોકોને નીકાળવાનું કામ ચાલ્યુ હતું.
સુષ્મા સ્વરાજે કહ્યું કે, યમનમાં સાઉદી અરબ તરફથી સતત હુમલા થઈ રહ્યા હતા, અને ભારતીયોને ત્યાંથી સુરક્ષિત નીકાળવાનું કામ લગભગ અશકય હતું. તે સમયે સુષ્મા સ્વરાજ મોદી પાસે ગયા અને તેમણે સલાહ આપી કે સાઉદીના શાહ સાથેના તેમના સારા સંબંધો કામ આવી શકે છે. તે સમયે નરેન્દ્ર મોદીએ રિયાધમાં શાહને કોલ કર્યો અને ભારતીયોને સુરક્ષિત નીકાળવા માટે મદદ માંગી અને એક અઠવાડિયા માટે ફાયરિંગ અને હુમલા રોકવાનો આગ્રહ કર્યો. સાઉદીના શાહે કહ્યું હતું કે, ભારતનો આગ્રહને માન્ય રાખવામાં આવશે પરંતુ હુમલાને સંપૂર્ણપણે બંધ ન કરી શકાય. સ્વરાજે ઉમેર્યું કે, વડાપ્રધાન મોદી સાથેની દોસ્તીને અને તેમની વિનંતીને કારણે સાઉદીના શાહે એક અઠવાડિયા સુધી સવારે 9:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી હુમલા અટકાવ્યા હતા. યમન પ્રશાસને કહ્યુ હતું કે તે ભારતીયો માટે કંઈ પણ કરશે. આ તકનો ફાયદો ઉઠાવીને તેમણે યમન પ્રશાસનને અદન પોર્ટ અને સના એરપોર્ટ ખોલવાનો આગ્રહ કર્યો જેથી નાગરિકોને એક અઠવાડિયા સુધી રોજ બે કલાક સુધી મુસ્તૈદીથી જિબૂતી પહોંચાડી શકાય. ઓપરેશન રાહત દરમિયાન 4800 ભારતીયો અને અન્ય દેશોના 1972 લોકોને બચાવવામાં આવ્યા હતા. આ મિશનની આગેવાની વિદેશ રાજયમંત્રી વી.કે.સિંહે કરી હતી.

error: Content is protected !!