વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ-મોરબી રાજયધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાના કામનું ભૂમિપૂજન કરાયું

ચોટીલા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેના હેલીપેડ ઉપર ઉતરતાં તેમનું ઉષ્માભેર ભવ્ય સ્વાગત કરાયું હતું. ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં સંયુકત ઉપક્રમે રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો ભૂમિપૂજન સમારોહ તથા અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગનાં છ માર્ગીકરણના તેમજ રાજકોટ-મોરબી  રાજયધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાના કામનું ભૂમિપૂજન અને સુરસાગર ડેરીના ઓટોમેટિક દૂધ પ્રોસેસીંગ અને પેકેજીંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર શહેરનાં ચાર ઝોનમાં દૈનિક પાણી વિતરણ યોજનાના લોકાર્પણ જેવા વિવિધ પ્રજાલક્ષી કામોનું ભૂમિપૂજન, ઉદઘાટન અને લોકાર્પણ કરવા ચોટીલા હેલીપેડ ખાતે આવી પહોંચતાં વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર જૈમિનભાઈ ઉપાધ્યાય, સાંસદ દેવજીભાઈ ફતેપરા, શંકરભાઈ વેગડ, મોહનભાઈ કુંડારિયા, તેમજ જિલ્લા કલેકટર ઉદ્દીત અગ્રવાલ તથા આઇજી ડી.એન.પટેલ વગેરે ઉપસ્થિત રહી સ્વાગત-સન્માન કર્યું હતું. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું બેડલાધારી બહેનોએ કતાર હેલીપેડના માર્ગે ઊભા રહી હર-હર મોદી, ઘર-ઘર મોદીના નાદથી સ્વાગત કર્યુ હતું. જેનું વડાપ્રધાન મોદીએ હાથ હલાવી સહર્ષ સ્વીકાર કર્યો હતો.

વડાપ્રધાનના ચોટીલા ખાતેના કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમોની સૂચી

-પાંચાળ ભૂમિ ચોટીલાના ડુંગરે વિદ્યમાન દેવી મા ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા વિકાસ કામોના લોકાર્પણ- ભૂમિ પૂજનનો કાર્યક્રમ ઐતિહાસિક બની રહ્યો છે.

–  સભા મંડપમાં વહીવટી તંત્ર દ્વારા બેસવા તથા આનુસાંગિક વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી.સંગીત નાટ્ય અકાદમીના શ્રી પંકજ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા સાંગીતિક કાર્યક્રમોની કર્ણપ્રિય પ્રસ્તુત કરવામાં આવી હતી. જાણીતા ગાયક બંકિમ પાઠકે દેશભક્તિના ગીતો થકી માહોલ જમાવી દીધો હતો.

– વડાપ્રધાન તથા મહાનુભાવો દ્વારા સૌરાષ્ટ્રની જનતાને ભેટ આપવામાં આવેલા વિકાસ કામો જોઇએ તો રૂ.૧૪૦૦ કરોડનું હિરાસર ગ્રિનફીલ્ડ એરપોર્ટ, રૂ.૨૮૬૩ કરોડના રાજકોટ થી અમદાવાદ હાઇવેનું વિસ્તૃતિકરણ તથા રૂ.૩૭૫ કરોડના ખર્ચથી રાજકોટ-મોરબી ચાર માર્ગીય, સુરેન્દ્રનગરની સૂરસાગર ડેરીમાં રૂ.૭૫ કરોડના ખર્ચેથી મિલ્ક પ્રોસેસીંગ-પેકીંગ પ્લાનનું ભૂમિ પૂજન અને સુરેન્દ્રનગર માટેની રૂ.૨૧.૫ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું.

–  સભા મંડપમાં ઉપસ્થિતોએ હું છુ વિકાસ, હું છુ ગુજરાત અને ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવ્યા હતા.

– એરપોર્ટ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ડિઝીટલ માધ્યમથી ભૂમિ પૂજન તથા લોકાર્પણ કર્યું હતું.

–  સભા મંડપમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન થાય એમ લોકો પરંપરાગત પરિધાનમાં આવ્યા હતા.

–  સુરેન્દ્રનગર અને રાજકોઠના સાંસદ સભ્યો તથા ધારાસભ્યો, અગ્રણીઓએ વિશાળ પુષ્પમાળાપહેરાવી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

error: Content is protected !!