‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, સંસ્કૃતના ઓનલાઈન કોર્સ અંગે વિચાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (25 માર્ચે) આકાશવાણી પર પોતાના  ‘મન કી બાત’ કાર્યક્રમની શરૂઆતમાં દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, ‘મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે રામનવમીનું પાવન પર્વ છે. રામનવમીના આ પવિત્ર પર્વ પર દેશવાસીઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. પૂજ્ય બાપુના જીવનમાં ‘રામ નામ’ની શક્તિ કેટલી હતી તે આપણે તેમના જીવનમાં હર પળે જોયું છે. ગત દિવસોમાં 26 જાન્યુઆરીએ જ્યારે ASEAN (આસિયાન) દેશોના બધા મહાનુભાવો અહીં હતા તો તેમની સાથે કલ્ચરલ ટ્રૂપ લઈને આવ્યા હતા અને ઘણા ગર્વની વાત છે કે તેમાંના મોટા ભાગના દેશ, રામાયણને જ આપણી સામે પ્રસ્તુત કરી રહ્યા હતા. અર્થાત્ રામ અને રામાયણ, ન માત્ર ભારતમાં, પરંતુ વિશ્વના આ ભૂભાગમાં (ASEAN દેશોમાં), આજે પણ એટલી જ પ્રેરણા અને પ્રભાવ પેદા કરી રહ્યા છે.’

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘કોમલ ઠક્કરે માય ગવર્નમેન્ટ (MyGov) પર સંસ્કૃતનો ઑનલાઇન કૉર્સ શરૂ કરવા વિશે જે લખ્યું તે મેં વાંચ્યું. આઈટી વ્યાવસયિક હોવાની સાથોસાથ સંસ્કૃત પ્રત્યે આપનો પ્રેમ જોઈને ઘણું સારું લાગ્યું. મેં સંબંધિત વિભાગને આ અંગે થઈ રહેલા પ્રયાસોની માહિતી તમારા સુધી પહોંચાડવા કહ્યું છે. ‘મન કી બાત’ના શ્રોતા જે સંસ્કૃત સંદર્ભે કાર્ય કરે છે, હું તેમને પણ અનુરોધ કરીશ કે કોમલજીના સૂચન સંદર્ભે શું કરી શકાય તેના પર વિચાર કરે.’

બિહારના ઘનશ્યામકુમારે નરેન્દ્ર મોદી એપ (NarendraModiApp) પર લખેલી કૉમેન્ટસ અંગે વડાપ્રધાને કહ્યું કે, તમે જમીનમાં ઘટતા જળસ્તર પર જે ચિંતા વ્યક્ત કરી છે તે ચોકકસપણે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કર્ણાટકના શકલ શાસ્ત્રીજીના લખાણ અંગે વડાપ્રધાને કહ્યું કે, ‘તમે શબ્દોના ખૂબ જ સુંદર તાલમેલ સાથે લખ્યું કે ‘આયુષ્યમાન ભારત’ ત્યારે જ થશે જ્યારે ‘આયુષ્યમાન ભૂમિ’ હશે અને ‘આયુષ્યમાન ભૂમિ’ ત્યારે જ થશે જ્યારે આપણે આ ભૂમિ પર રહેનારાં પ્રત્યેક પ્રાણીની ચિંતા કરીશું. તમે ઉનાળાની ગરમીમાં પશુપક્ષીઓ માટે પાણી રાખવા માટે પણ બધાને અનુરોધ કર્યો છે. શકલજી, તમારી ભાવનાઓને મેં બધા શ્રોતાઓ સુધી પહોંચાડી દીધી છે.’

વડાપ્રધાને એક પ્રશનના જવાબમાં કહ્યું કે, ‘હું દેશના યુવાનોના આરોગ્ય અંગે મેં વિચાર્યું છે કે આ વખતે આરોગ્યના સંદર્ભે બધા સાથે વિસ્તારપૂર્વક વાત કરું- ફીટ ઇન્ડિયા (Fit India)ની વાત કરું. તમે બધા નવજુવાન મળીને Fit Indiaની ચળવળ પણ ચલાવી શકો છો.’

ચેન્નાઈથી અનઘા, જયેશ અને ઘણાં બધાં બાળકોએ વડાપ્રધાનના પુસ્તક એક્ઝામ વોરિયર (Exam Warrior) પાછળ જે ગ્રેટીટ્યુડ કાર્ડ્સ (Gratitude Cards) આપ્યાં છે તેમના વિશે તેમણે પોતાના દિલમાં જે વિચાર આવ્યા, તે લખીને વડાપ્રધાનને જ મોકલી આપ્યા છે. આ અંગે વડાપ્રધાને કહ્યું કે, ‘અનઘા, જયેશ, હું તમને બધાં બાળકોને જણાવવા માગું છું કે તમારા આ પત્રોથી મારા દિવસભરનો થાક છૂમંતર થઈ જાય છે. આટલા બધા પત્રો, આટલા બધા ફૉન કૉલ, કૉમેન્ટ, તેમાંથી હું જેટલું પણ વાંચી શક્યો, જે પણ સાંભળી શક્યો અને તેમાંથી ઘણી બધી ચીજો છે જે મારા મનને સ્પર્શી ગઈ- માત્ર તેમના વિશે જ વાત કરું તો પણ કદાચ મહિનાઓ સુધી મારે સતત કંઈક ને કંઈક કહેતા જ જવું પડશે.’

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, ‘આ વખતે મોટા ભાગના પત્રો બાળકોના છે જેમણે પરીક્ષા વિશે લખ્યું છે. રજાઓ વિશે પોતાની યોજના તેમણે જણાવી છે. ઉનાળાની ગરમીમાં પશુપક્ષીઓ માટે પાણીની ચિંતા કરી છે. કિસાન મેળાઓ અને ખેતી સંદર્ભે જે ગતિવિધિઓ દેશભરમાં ચાલી રહી છે તેમના વિશે ખેડૂત ભાઈ-બહેનોના પત્રો આવ્યા છે. જળ સંરક્ષણ સંદર્ભે કેટલાક સક્રિય નાગરિકોએ સૂચન મોકલ્યાં છે. જ્યારથી આપણે લોકો પરસ્પર ‘મન કી બાત’ રેડિયોના માધ્યમથી કરી રહ્યા છીએ ત્યારથી મેં એક ઢબ જોઈ છે કે ઉનાળામાં મોટા ભાગના પત્રો ગરમીના વિષય પર આવે છે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થી-મિત્રોની ચિંતાઓ સંદર્ભે પત્ર આવે છે. તહેવારો દરમિયાન આપણા તહેવારો, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ સંદર્ભે વાતો આવે છે. અર્થાત્ આપણા મનની વાતો પણ ઋતુઓ સાથે બદલાય છે અને કદાચ આ પણ સત્ય છે કે આપણા મનની વાતો ક્યાંક કોઈકના જીવનની ઋતુ પણ બદલી નાખે છે. અને શા માટે ન બદલે! તમારી આ વાતોમાં, તમારા આ અનુભવોમાં, તમારાં આ ઉદાહરણોમાં, એટલી બધી પ્રેરણા, એટલી બધી ઊર્જા, એટલી બધી આત્મીયતા, દેશ માટે કંઈક કરવાની ધગશ રહે છે. તે તો સમગ્ર દેશની જ ઋતુ બદલવાની તાકાત રાખે છે’

વડાપ્રધાને ઉમેર્યું કે, હું માનું છું કે સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત બંને એકબીજાના પૂરક છે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આજે દેશ રૂઢિગત અભિગમથી આગળ નીકળી ચૂક્યો છે. દેશમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલું દરેક કામ પહેલાં માત્ર સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી હતી, જયારે હવે બધાં વિભાગ અને મંત્રાલય, ચાહે તે સ્વચ્છતા મંત્રાલય હોય, આયુષ મંત્રાલય હોય, રસાયણ અને ખાતર મંત્રાલય હોય, ગ્રાહક સુરક્ષા મંત્રાલય હોય કે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય હોય કે પછી રાજ્ય સરકારો હોય- સાથે મળીને સ્વસ્થ ભારત માટે કામ કરી રહ્યાં છે અને પ્રિવેન્ટિવ હેલ્થની સાથે અફોર્ડેબલ હેલ્થની ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ સૌથી સસ્તી પણ છે અને સૌથી સરળ પણ છે. અને આપણે લોકો, પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ માટે જેટલા જાગૃત થઈશું, તેટલો વ્યક્તિને પણ, પરિવારને પણ અને સમાજને પણ લાભ થશે. જીવન સ્વસ્થ હોય તે માટે પહેલી આવશ્યકતા છે – સ્વચ્છતા. આપણે બધાએ એક દેશના રૂપમાં બીડું ઉઠાવ્યું છે અને તેનું પરિણામ એ આવ્યું કે ગત લગભગ 4 વર્ષોમાં સેનિટેશન કવરેજ બે ગણું થઈને લગભગ-લગભગ 80 ટકા થઈ ગયું છે. તે ઉપરાંત દેશભરમાં હેલ્થ વેલનેસ કેન્દ્રો બનાવવાની દિશામાં વ્યાપક સ્તર પર કામ થઈ રહ્યું છે. પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળના રૂપમાં યોગે નવેસરથી દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે. યોગ, ફિટનેસ અને વૅલનેસ બંનેની બાંહેધરી આપે છે. એ આપણા બધાની પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે કે યોગ આજે એક સામૂહિક ચળવળ બની ગયો છે, ઘરે-ઘરે પહોંચી ચૂક્યો છે. આ વખતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 21 જૂન – માટે 100 દિવસથી પણ ઓછા દિવસો બચ્યા છે. ગત ત્રણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસો પર દેશ અને દુનિયાની દરેક જગ્યાએ લોકોએ ઘણા ઉત્સાહથી ભાગ લીધો. આ વખતે પણ આપણે સુનિશ્ચિત કરવાનું છે કે આપણે પોતે યોગ કરીએ અને પૂરા પરિવાર, મિત્રો, બધાને યોગ માટે અત્યારથી જ પ્રેરિત કરીએ. નવી રોચક રીતોથી યોગને બાળકોમાં, યુવાઓમાં, વડીલોમાં- બધા આયુવર્ગમાં, પુરુષ હોય કે મહિલા, દરેકમાં લોકપ્રિય કરવો છે.’

error: Content is protected !!