સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ૩૧ઓક્ટોબર ૨૦૧૮ સુધી સંપન્ન કરવાનું લક્ષ્યાંકઃ આવતીકાલે વડાપ્રધાન લેશે મુલાકાત

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમના જન્મદિવસે એટલે કે તા.૧૭ મી સપ્ટેમ્બર રવિવારે સરદાર સરોવર પ્રોજેક્ટના રાષ્ટ્રાર્પણ માટે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે પધારી રહ્યા છે. તેઓ તેમના નિયત કાર્યક્રમ અનુસાર, સરદાર સરોવર ડેમના લોકાર્પણ બાદ,  નર્મદા નદીના પટમાં, સાધુ બેટ ઉપર આકાર લઇ રહેલા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ : સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકના ચાલી રહેલા નિર્માણકાર્યની પણ જાત મૂલાકાત લેવાના છે.

‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ તરફ દ્રષ્ટિપાત

સરદાર સરોવર પ્રોજેક્ટ એ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનુ સ્વપ્ન હતુ. જેની પૂર્ણતા બાદ સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને ઉજાગર કરતા, તથા દેશની એકતા અને દેશની શ્રેષ્ઠતાનું સૌથી ઊંચુ સ્મારક રચી તેમને સાચી હ્રદયાંજલી અર્પવાના શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે દેશ અને દુનિયાનું સમર્થન, સહયોગ અને માર્ગદર્શન મળી રહ્યું છે.

ભારતની એકતા માટે પોતાનું આખુ આયખુ સમર્પિત કરનારા સરદાર સાહેબની આ પ્રતિમાના માધ્યમથી એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પસૂત્ર સાથે દુનિયામાં ભારતનો વૈશ્વિક પ્રભાવ ઊભો થશે. ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે એકતાની શક્તિથી જોડવાનું આ આખુ અભિયાન છે. જે આવનારા દિવસોમાં ભારતને વિશ્વગુરૂ બનાવવાનો નવો માર્ગ કંડારશે.

ભારતની એકતા અને અખંડિતતા માટે લોખંડી મનોબળ અને રાજકીય કુનેહથી ૫૬૫ જેટલા દેશી રાજ્યો-રજવાડાઓનું ભારતમાં વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કરનારા સરદાર સાહેબની આ વિરાટકાય પ્રતિમાના સ્મારકની ઊંચાઇ, દુનિયાને નવી દિશા બતાવશે. દેશની નવી પેઢી, આવનારી પેઢી ભારતના ઇતિહાસને સાચા અર્થમાં સમજે અને જાણે તે માટે ઐતિહાસિક આ વિરાસતનું અહીં ગૌરવગાન થશે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આવનારી પેઢીઓને ભારતની એકતાનો રાહ બતાવતો પ્રેરણા સંદેશ બની રહેશે.

‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા તટ પ્રદેશમાં અંદાજીત રૂા.૧૭૬ કરોડના ખર્ચે શ્રેષ્ઠ ભારત ભવનનું પણ નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ ભવન માત્ર ઇંટ પત્થરની ઇમારત નહીં, પરંતુ સરદાર સાહેબના જીવનકવનની મલ્ટી મીડિયા ઝાંખી, આઝાદીની લડતના ઐતિહાસિક પૃષ્ઠો, અભ્યાસ અને સંશોધન કેન્દ્ર તથા રોજગારી નિર્માણ જેવી બહુવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર બની રહે તેવા પણ રાજ્ય સરકારના પ્રયાસો છે. શ્રેષ્ઠ ભારત ભવનનો શિલાન્યાસ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તા.૩૧ મી ઓક્ટોબર-૨૦૧૪નાં રોજ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમના હેઠવાસમાં નર્મદા નદીની વચ્ચોવચ્ચ આવેલા સાધુ બેટ ખાતે આકાર લેનાર ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ : લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા હશે. ૧૮૨ (પ૯૭ ફૂટ) મીટરની સરદાર સાહેબની આ પ્રતિમા તેના પાયા સાથે ૨૪૦ મીટરની (૭૯૦ ફૂટ) ઊંચાઇ પ્રાપ્ત કરશે.

સરદાર સરોવર ડેમના હેઠવાસમાં નદીની વચ્ચોવચ્ચ ડેમની બિલકુલ સામે ૩.ર કિલોમીટર દૂર આવેલા સાધુ બેટ ઉપર તૈયાર થઇ રહેલી આ વિરાટકાય પ્રતિમા સહિતનું આખુ સ્ટ્રક્ચર ર૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થઇ રહ્યું છે. ડેમ સાઇટથી અંદાજીત ૧ર કિલોમીટરના નદીના પટમાં તૈયાર થઇ રહેલો આ આખો પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એક્તા ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરાયો છે. જેની પ્રારંભિક અંદાજિત કિંમત રૂા.ર,૯૮૯ કરોડ આંકવામાં આવી છે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ : વિરાટ પ્રતિમાનો શિલાન્યાસ ગત તા.૩૧મી ઓક્ટોબર, ૨૦૧૩નાં દિવસે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાયો હતો. જેનું નિર્માણ કાર્ય લાર્સન ઍન્ડ ટુબ્રો દ્વારા તા.૩૧મી ઓક્ટોબર-૨૦૧૪ થી શરૂ કરી દેવામાં આવ્યું છે. જે આગામી તા.૩૧મી ઓક્ટોબર-૨૦૧૮ સુધી સંપન્ન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવના સાથે પૂણ્યસલિલા માં નર્મદા મૈયાના આશીર્વાદ સાથે કેવડિયા ખાતે, નર્મદા તટે આકાર લઇ રહેલા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ : સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક અને સરદાર સાહેબના જીવનમાંથી દેશને હંમેશા શાશ્વત પ્રેરણા મળતી રહે, તેવુ અવિસ્મરણિય પ્રકલ્પ અહીં આકાર લઇ રહ્યું છે.

error: Content is protected !!