પ્રોટોકોલ તોડીને ઈઝરાયેલના રાષ્ટ્રપતિએ કર્યું વડાપ્રધાન મોદીનું સ્વાગત

યેરુશાલેમ, દેશગુજરાત: ઇઝરાયેલ પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રપતિ રુવેન રિવલીન સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન રાષ્ટ્રપતિ રુવેને પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ બંને નેતા એકબીજાને ગળે મળ્યા હતા. બંને દેશ વચ્ચે અંદાજે 17 હજાર કરોડની સમજુતી કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ રિવલિને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, હું ભારતનો મારો પ્રવાસ ભૂલી શકતો નથી. ભારત એક મજબૂત દેશ છે. જયારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઇઝરાયેલ અને ઇન્ડિયા બંને દેશના નામની શરૂઆત ‘આઈ’થી થાય છે. તેથી, આઈ ફોર ઇન્ડિયા અને આઈ ફોર ઇઝરાયેલ એટલે કે ઇન્ડિયા ઇઝરાયેલ માટે છે અને ઇઝરાયેલ ઇન્ડિયા માટે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલનો અર્થ ઈઝ રીયલ ફ્રેન્ડ જણાવ્યો હતો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલના રાષ્ટ્રપતિને કહ્યું કે તમે પ્રોટોકોલ તોડીને લેવા આવ્યા તે સવાસો કરોડ ભારતીય લોકો માટેનો પ્રેમ છે.

બેન્જામીન નેતન્યાહુ સાથે મળીને રજુ કરવામાં આવેલા નિવેદનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યેદ વાશેમ સ્મારક કેટલીય પેઢીઓ પહેલા ગુજારવામાં આવેલા અત્યાચારની યાદ અપાવે છે. યેદ વાશેમ સ્મારક મ્યુઝિયમમાં પુષ્પાંજલિ અર્પીને વડાપ્રધાન મોદીએ 60 લાખ યહુદીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહ્યું કે, આ સ્મારક ત્રાસના ઊંડાણમાંથી ઉપર આવીને, નફરતને હરાવવા અને એક ઉર્જાવાન લોકશાહી દેશના નિર્માણ માટે આગળ વધવા માટે તમારી અનિવાર્ય ઇચ્છાશક્તિના પ્રતિક સમાન છે.

ઇઝરાયલ યાત્રા બીજા દિવસે બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, ખેતી, રોકાણ અને જગ્યા સહિત અનેક વિસ્તારોમાં સમજૂતી થઈ શકે છે. ગંગા સફાઈ અભિયાન માટે પણ બંને દેશો વચ્ચે કરાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં પાણીની શુદ્ધિકરણની સૌથી શ્રેષ્ઠ તકનીકી ઇઝરાયલ પાસે જ છે.

 

error: Content is protected !!