ઓપન જીપમાં રોડશો યોજી ગાંધી આશ્રમ પહોંચ્યા મોદી અને આબે, રસ્તા પર ઉમટી પડી જનમેદની

અમદાવાદ, દેશગુજરાત: જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તેમની પત્ની અકી આબે સાથે આજે બપોરે 3.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેઓનું સ્વાગત કર્યું હતું. આબેને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી આઠ કિલોમીટરનો તેમનો રોડ શો શરૂ થયો હતો. રોડ શો દરમિયાન માર્ગો પર વિવિધ રાજ્યની લોકનૃત્યોની ઝાંખી સાથે સ્થાનિક શહેરીજનો મોટી સંખ્યામાં બંને વડાપ્રધાનના સ્વાગતમાં ઉમટી પડ્યા હતા.

સુરક્ષા કાફલા સાથે 8 કી.મી. લાંબા રોડ શોમાં મોદી અને આબે તેમજ તેમની પત્ની અકી આબે ઓપન જીપ્સીમાં સવાર થઈને ગાંધી આશ્રમ પહોંચ્યા હતા.

માર્ગમાં 29 જેટલા મંચો પર ભારતના વિવિધ પ્રાન્તોના ભાતીગળ નૃત્યો પ્રસ્તુત કરાયા હતા. રસ્તાની બેઉ તરફે ઉભેલા લોકોના હાથમાં ભારત અને જાપાનના ધ્વજ હતા. એક ઠેકાણે તો જાપાની છત્રીઓ સાથે ભારતીય મહિલાઓનું જૂથ ઉભું હતું. એક ઠેકાણે સરદાર પટેલ અને ગાંધીજી જેવી વેશભૂષામાં બે વ્યક્તિઓ ઉભા હતા. અકી આબે પોતાના મોબાઇલ ફોનમાં સમગ્ર રુટ પર અવારનવાર વિડિયો અને ફોટોગ્રાફ લેતા નજરે ચડયા હતા.

ભારતીય પહેરવેશમાં સજ્જ આબેએ ઝભ્ભો, લેંઘો અને કોટી પહેર્યા હતા જ્યારે તેમના પત્ની અને જાપાનના ફર્સ્ટ લેડી અકી આબેએ સલવાર કમીઝ અને દુપટ્ટો પહેર્યા હતા. ગાંધી આશ્રમ પહોંચેલા જાપાનના વડાપ્રધાન આબે અને મોદીએ ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો.

આશ્રમની મુલાકાત દરમિયાન મોદીએ આબેને હ્દયકુંજમાં ગાંધીજીની બેઠક પાસે મૂકવામાં આવેલા ‘ત્રણ વાંદરા’ ના રમકડા પાછળનો અર્થ કે જે બૂરું ન જોવું, બૂરું ન બોલવું અને બૂરંુ ન સાંભળવું તેવો થાય છે તે આબેને સમજાવ્યું હતું. ગાંધી આશ્રમની પાછળના ભાગે આવેલ સાબરમતી રિવરફ્રન્ટ બતાવવાની સાથે મોદીએ ત્યાં ઉભો કરાયેલો ચબૂતરો પણ બતાવીને ગુજરાતની સંસ્કૃતીના અભિન્ન અંગ એવા ચૂબતરા વિશે આબેને સમજ આપી હતી. ઉલ્લેખનીય છે કે બિલાડી પક્ષીઓ પર હુમલો ન કરે તે માટે તેમને દાણા નાખવાની સાથે અભય રીતે દાણા ચણી શકે તે માટે ચબૂતરાની રચના કરાઇ છે. મોદી, આબે અને અકી આબે ત્યાર પછી સાબરમતી રિવરફ્રન્ટના ગાંધી આશ્રમ સ્થિત ઘાટ પર ગુજરાતની સાંસ્કૃતીક સંખેડા કાષ્ટકલાવાળી ખુરશીઓ પર બેઠા હતા અને વાતચીત કરી હતી જેમાં મોદીએ રિવરફ્રન્ટ પરિયોજના વિશે પણ વિગત આપી હતી. આ પછી આબેએ એક વાક્યનો પોતાનો પ્રતિભાવ લખ્યો હતો અને વસ્ત્રાપુર તળાવ સામે આવેલી હોટેલ હયાત ખાતે જવા રવાના થયા હતા.

 

વડાપ્રધાન મોદીએ આબેને સાબરમતી આશ્રમની પાછળ આવેલા સાબરમતી રીવરફ્રન્ટ પણ બતાવ્યો હતો.

જાપાનના વડાપ્રધાન આબે અને તેમની પત્ની ગાંધી આશ્રમની મુલાકત લઈને પશ્ચિમ અમદાવાદમાં આઈઆઈએમ રોડ પર વસ્ત્રાપુર લેક પાસે આવેલી હયાત હોટલે પહોંચ્યા હતા.

error: Content is protected !!