પ્રિયંકા વાડરા ગુજરાતમાં અને ત્રણ એક્સ્ટ્રા હેડલાઇન્સ

અંદર બહાર ગુજરાત

પ્રિયંકા વાડરાએ તેણીની ગુજરાત મુલાકાત દરમિયાન બે-ત્રણ એવી ચીજો કરી કે જે ન્યૂઝસેન્સવાળી હતી, એટલેકે એક્સ્ટ્રા હેડલાઇન બને એવી તથા લોકોમાં જોવાય અને ચર્ચાય તેવો ફોટોગ્રાફ બને એવી હતી.

ગાંધી આશ્રમમાં પ્રિયંકા વાડરાએ રાહુલ, સોનિયા અને મનમોહન સિંઘ સાથે ન બેસતા કોંગ્રેસના અન્ય નેતાઓ વચ્ચે સમૂહમાં પાછળની હરોળમાં બેસવાનું પસંદ કર્યું. પછી સરદાર સ્મારક ભવન ખાતે સમૂહ ફોટોગ્રાફ પડાવતી વેળાએ પ્રિયંકા ત્રીજી હરોળમાં જઇને ઉભી રહી.

જો આ ઇમેજ મેકીંગની કવાયતના ભાગરુપે કે પોલીટીકલ કન્સલ્ટન્ટોના ડાયરેક્શન મુજબ બન્યું હોય તો કહેવાનું કે કિમિયો સફળ રહ્યો છે, કારણકે આના કારણે પ્રિયંકા છાપા અને ટીવીમાં વિશેષ જગ્યા મેળવી શકી અને ચર્ચામાં રહી.

પરંતુ જો બે હરકતો ઇમેજ મેકીંગ કે ન્યૂઝસેન્સની દ્રષ્ટિએ ન કરી હોય તો પણ ગણતરીપૂર્વક તો કરી જ છે. સહજ રીતે તો નથી જ કરી.

સામાન્ય બુદ્ધિ કામે લગાડતા એમ સમજાય છે કે ભાઇ રાહુલ જ કોંગ્રેસના નેતા તરીકે ઉપર રહે અને પોતે રાહુલને ઓવરશેડો ન કરી દે, રાહુલને સમાંતર, સમોવડી કે રાહુલથી ઉપર અથવા આગળ ન દેખાય તે સુનિશ્ચિત કરવા પ્રિયંકા ગણતરી પૂર્વક કોંગ્રેસના અન્ય નેતાઓની હરોળમાં બેઠી અને ગ્રુપ ફોટોગ્રાફમાં પણ ત્રીજી હરોળમાં ઉભી રહી.

ખૈર પણ વાત અહીં નથી અટકતી. અડાલજ ખાતે ભાષણમાં પ્રિયંકા ભાઇઓ અને બહેનોના બદલે બહેનો અને ભાઇઓ બોલી. જો કે કોઇએ સ્વાભાવિક રીતે જ આની નોંધ લીઘી નહીં. પછી બે દિવસ બાદ કોંગ્રેસની સુસ્મિતા દેવે ટવીટ કરીને આ વાતની નોંધ લીધી. આ ટવીટને કવોટ કરીને પ્રિયંકાએ લખ્યું કે મને તો એમ કે કોઇએ આની નોંધ જ ન લીધી હતી.

ભાષણમાં બહેનો અને ભાઇઓ એમ સંબોધન કરવાથી માંડીને સુસ્મિતા પાસે ટવીટ કરાવવી અને પ્રિયંકા દ્વારા તે ટવીટને કવોટ કરીને એક લાઇનની ટવીટ કરવી આ આખા ક્રમની સ્ક્રીપ્ટ જો કોઇ પોલીટીકલ કન્સલ્ટન્ટે લખી હોય તો તેની ફી વસૂલ છે કારણકે આ કવાયત ખૂબ જ નેચરલ લાગે તેવી હતી. કહેવાની જરુર નથી કે આ ટવીટ પરથી સંખ્યાબંધ પોર્ટલોએ ન્યૂઝ આર્ટીકલ મિનીટોમાં જ ઠપકારી દીધા છે અને પ્રિયંકાને એક મહિલા નેતા તથા મહિલાઓને આગળ રાખતી નેતા તરીકેનો ઇમેજ ટચ આપવાનું આ સ્ક્રીપ્ટ દ્વારા બહુ સૂક્ષ્મ રીતે કરી શકાયું છે.

કેમ્બ્રીજ એનાલીટીકાનું પ્રકરણ બહાર આવ્યા પછી કેટલાક પોલીટીકલ નેતાઓની અમુક હરકતો બારીકીથી, વક્ર દ્રષ્ટિથી જોવાની ફરજ પડે છે અને પૂરતા અભ્યાસથી જજમેન્ટ લઇ શકાય છે કે નેતાએ કયું વર્તન સહજ રીતે કર્યું અને કયું ઇમેજ મેકીંગ, પરસેપ્શન મેકીંગની સુવ્યવસ્થિત રીતે આયોજિત કવાયતના ભાગરુપે કર્યું. જો કે આવું જજમેન્ટ લેતા ક્યારેક આપણી ભૂલ પણ થઇ જાય, સહજ વર્તનને સ્ક્રીપ્ટેડ અને સ્ક્રીપ્ટેડ વર્તનને સહજ માની બેસીએ.

error: Content is protected !!