‘મા નર્મદા મહોત્સવ’ અન્વયે આયોજિત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરાશે

ગાંધીનગર: ગુજરાતની ભાગ્યવિધાતા અને જળક્રાંતિ-હરિતક્રાંતિની છડીદાર લોકમાતા નર્મદા નદી પરના સરદાર સરોવર બંધના દરવાજા બંધ કરવાની પરવાનગીથી વિકાસ દરવાજા ખૂલવાના જનઉત્સવની રાજ્યવ્યાપી ‘મા નર્મદા મહોત્સવ’ તરીકે ઉજવણી થઇ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉજવણીમાં જનભાગીદારી અને યુવાવર્ગો, નવોદિત કવિઓ-લેખકોને પ્રોત્સાહિત કરવા ‘મા નર્મદા મહોત્સવ’ સાથે કાવ્ય લેખન, સૂત્ર લેખન, સાફલ્યગાથા, નિબંધ અને મોબાઇલ ફોન ફિલ્મની સ્પર્ધાઓના આયોજન માટે તંત્રને
પ્રેરિત કર્યુ હતું.

રૂપાણીના આ નવતર અભિગમને રાજ્યભરમાંથી વ્યાપક પ્રતિસાદ મળ્યો, અને સમગ્રતયા આ સ્પર્ધા માટે વેબસાઇટના માધ્યમથી ૧૮ર૬૩ એન્ટ્રી મળી હતી. આ દરેક સ્પર્ધાઓમાં ધોરણ-૧૦ સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ધો-૧૧ કે તેથી ઉપરની કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિક એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી. પ્રથમ વિજેતાને પુરસ્કાર રૂપે પ્રત્યેક કેટેગરીમાં રૂ. રપ હજાર, દ્વિતીય વિજેતાને રૂ. ૧પ હજાર અને ત્રીજા ક્રમના વિજેતાને રૂ. ૧૦ હજાર એમ કુલ ૪પ કૃતિઓને ઇનામો આપવાનું તય કરવામાં આવ્યું હતું.

પસંદગી સમિતી દ્વારા પસંદ થયેલી કૃતિઓના આવા ૪પ વિજેતાઓને ‘મા નર્મદા મહોત્સવ’ના સમાપન પ્રસંગ ૧૭ સપ્ટેમ્બરે ડભોઇ ખાતે આ ઇનામો એનાયત કરાશે. રૂપાણીએ આ સ્પર્ધામાં વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા સૌ કોઇનો આભાર વ્યકત કરતાં કહ્યું કે, મા નર્મદા સાથે સાડા ૬ કરોડ ગુજરાતીઓની લાગણી-સંવેદના જે ભાવાત્મકતાથી જોડાઇ છે તેનું પ્રતિબિંબ આ સ્પર્ધાઓને મળેલા બહોળા પ્રતિસાદમાં પડયું છે.

રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાતના ગૌરવરૂપ અને સાંસ્કૃતિક-સાહિત્યિક અસ્મિતાને ઉજાગર કરતી આ સ્પર્ધાઓમાં જનભાગીદારી જોડાતા નર્મદે-સર્વદેનું સૂત્ર સાકાર થયું છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે જે ૧૮ર૬૩ એન્ટ્રી મળી હતી તેમાં સૌથી વધુ એટલે કે ૭૮૯૬ નિબંધ, ૬પ૮૦ નર્મદા મહોત્સવને સ્પર્શતા સૂત્રોની હતી. અમરેલી જિલ્લામાંથી સૌથી વધુ ૩રપર સ્પર્ધકો અને વડોદરામાંથી ર૬૧૪ સ્પર્ધકોની એન્ટ્રી મળી હતી.

આ સ્પર્ધાઓમાં સૌથી નાની વય એટલે કે ૧૦ વર્ષની ઉંમરની ત્રણ દિકરીઓ જે જોધપૂર (અમદાવાદ) પ્રાથમિક શાળા નં.૧માં અભ્યાસ કરે છે તે ઇનામને પાત્ર થઇ છે. પાટણ જિલ્લાના હારિજના અડીયા પ્રાથમિક શાળા તેમજ મહેસાણાના ખેરાલુના ચાચરીયા પ્રાથમિક શાળાના એમ બે ૧ર વર્ષના વિદ્યાર્થીઓને પણ તેમની વિજેતા કૃતિ માટે ઇનામો મળવાના છે.

error: Content is protected !!