દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 ગામોને ગૌચર ફાળવવા કાર્યવાહી પ્રગતિમાં : રાજ્યના મહેસુલ મંત્રી

ગાંધીનગર: રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, ગૌચરની જમીનના સંરક્ષણ માટે સરકાર મક્કમ છે. તેમણે કહ્યું હતું કે, કોઇપણ ગામમાં ગૌચર જ હોય નહીં અને આવા ગામની ગ્રામ પંચાયત ઠરાવ દ્વારા ગૌચરની માંગણી કરે તો સરકાર આવા ગામને ગૌચરની જમીન ફાળવવા કાર્યવાહી કરે છે.

વિધાનસભા ગૃહમાં જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં ગૌચર અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તરમાં મંત્રીએ માહિતી આપતાં કહ્યું હતું કે, જામનગર જિલ્લામાં ૧૪૪ અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં ૪૭ ગામોમાં પૂરતું ગૌચર છે જ્યારે જામનગર જિલ્લામાં ૨૬૫ ગામ અને દેવભૂમિદ્વારકાના ૧૯૧ ગામમાં ગૌચરની ઘટ છે. ગામની જરૂરિયાત પ્રમાણે માગણી થતા ગોચરની જમીન નીમ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં ૯ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦ ગામોમાં ૪૦ થી ૫૦ વર્ષથી ગોચરની જમીન છે જ નહીં આવા ગામો માગણી કરશે તો ગૌચર ફાળવવામાં આવશે. મંત્રી પટેલે કહ્યું હતું કે, પ્રત્યેક ગામમાં પ્રતિ એકસો ઢોર દીઠ ૪૦ એકર ગૌચર હોવું જોઇએ એ દરે ગૌચરની ફાળવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય શિક્ષણ કે અન્ય સામાજિક હેતુ માટે જો ગૌચરની જમીન ફાળવવામાં આવે તો આવી જેટલી જમીન ફાળવવામાં આવી હોય તેટલી જ જમીન બજારમાંથી ખરીદીને ગૌચર તરીકે આપવાની રહેશે. જંત્રીની કિંમતના તફાવતની સરકારને ચૂકવણી કરવાની રહેશે. ઔદ્યોગિક ગૃહે આવી જમીન ખરીદીને આપવા ઉપરાંત ૪૦ ટકા જંત્રીની કિંમત રાજ્ય સરકારને ચૂકવવી પડશે. આવી જમીન નવી શરત તરીકે ગણવામાં આવશે. મંત્રી પટેલે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ગૌચર જમીન વ્યવસ્થાપન માટે ગૌચરની નીતિને વધુ કાર્યક્ષમ બનાવી છે.

error: Content is protected !!