બીટકોઈન કૌભાંડમાં ફરિયાદી શૈલેશ ભટ્ટ જ છે મુખ્ય આરોપી: સીઆઈડી ક્રાઈમ

અમદાવાદ: બિટકોઈન કૌભાંડની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમની ટીમે આ કેસમાં  ફરિયાદી સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ જ મુખ્ય આરોપી હોવાનો ખુલાસો કર્યો છે. સમગ્ર કૌભાંડ રૂ. 1000  કરોડનું હોવાનું પણ સામે આવ્યું છે.

સીઆઈડી ક્રાઈમની ટીમે આપેલી વધુ માહિતી મુજબ, શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતોએ સૌપ્રથમ પીયૂષ સાવલિયા નામની વ્યક્તિનું અપહરણ કરી 3 દિવસ સુધી તેને ગોંધી રાખી તેની પાસેથી ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું. બાદમાં ધવલ માવાણીનું અપહરણ કરી તેની પાસેથી કરોડોના બિટકોઇન પડાવી લીધા હતા. સમગ્ર બાબતે ખુલાસો થતા સીઆઈડી ક્રાઈમે શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. શૈલેશ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ અને મુંબઈના દિલીપ કાનાણીની પણ અગાઉ  ધરપકડ કરવામાં આવી છે.

ઘટના બાદ પણ પીયૂષ સાવલિયાને ડરાવી ધમકાવી વિદેશ મોકલી દીધો હતો. વિદેશથી પરત ફરેલા પિયુષને  મોઢું બંધ રાખવા લાલચરૂપે રૂ.૩૪.પ૦ લાખ આપી શૈલેશ ભટ્ટ અને તેમના સાગરીતોએ કોઇ અપહરણ કર્યું ન હોવાનું પીયુષ પાસે સોગંદનામું પણ કરાવી લીધું હતું.

સુરત સીઆઈડી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી કિરીટ વાળા અને જિજ્ઞેશ મોરડિયાએ સુરતના ધવલ માવાણીનું અપહરણ કર્યું હતું. જે બાદ ધવલ માવાણીને માર મારી રિવોલ્વર બતાવી નિકુંજ ભટ્ટ મારફતે ધવલ માવાણીના લેપટોપમાંથી 2256  બિટકોઇન એટલે કે કુલ 131 કરોડના બિટકોઇન શૈલેશ ભટ્ટના મોબાઇલમાં રહેલા બ્લોક ચેઇન વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

આ ઉપરાંત ધવલ માવાણી પાસેથી વધુ રકમ પડાવવા ૧૧ હજાર જેટલા લાઇટ કોઇન કિરીટ પાલડિયાના બિનાન્સ એકસચેન્જ વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ ધવલને મુક્ત કરવા માટે વધુ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ધવલ માવાણીએ તેની કંપનીના કેશિયર મારફતે રૂ.14.50 કરોડ ઇન્કમટેકસના પીઆઇના નામે સુરતની આંગડિયા પેઢીમાં જમા કરાવી  મુંબઇ મોકલાવ્યા હતા. સમગ્ર કૌભાંડની જાણ કોઇને ન કરવા બાબતે ધવલને ધમકાવી દેશ છોડવાની ધમકી આપી મુક્ત કરાયો હતો.

સીઆઇડી ક્રાઇમે શૈલેષ ભટ્ટ, જિજ્ઞેશ મોરડિયા, નિકુંજ ભટ્ટ, ઉમેશ બાવાજી, જે.કે. રાજપૂત, દિલીપ કાનાણી, હિતેશ જોટાસણા અને અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી બે શખ્સની ધરપકડ કરી છે. હાલ શૈલેશ ભટ્ટ ફરાર છે. આરોપી દિલીપ કાનાણીના બ્લોક ચેઇન વોલેટમાંથી 152 બિટકોઇન એટલે કે 8.58 કરોડના બિટકોઇન સીઆઇડી ક્રાઇમે જપ્ત કર્યા છે.

error: Content is protected !!