જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં ૧૦ વર્ષ સુધીની કેદની જોગવાઇઃ રાજય ગૃહમંત્રી

ગાંધીનગર:જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવાના કિસ્સાઓમાં ભારત સરકારના ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપટી એકટ-૧૯૮૪ની જોગવાઇ મુજબ ૧૦ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. એટલું જ નહીં ગુજરાતમાં વર્ષ-૨૦૧૮ દરમિયાન આ કાયદા હેઠળ ૨૫ ગુના નોંધવામાં આવ્યા છે. રાજયમાં આ કાયદાનું અસરકારક અમલીકરણ થઇ રહ્યુ છે, એમ ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

ગુજરાત જાહેર સંપત્તિને થતું નુકસાન અને તોડફોડ અટકાવવા બાબતના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીના બિન સરકારી વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિધેયકમાં રજૂ કરાયેલી જોગવાઇ કરતાં પણ વર્તમાનમાં અમલી કાયદામાં સજાની જોગવાઇ વધુ કડક છે. તેમણે જણાવ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકશાન કરે તો પાંચ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. પાણી, લાઇટ, અગત્યના ઓઇલ-પેટ્રોલ ઇન્સ્ટોલેશન,બિલ્ડીંગ, ગટર, ખાણ, ફેકટરી, જાહેર પરિવહન, ટેલિકોમ્યુનિકેશન્સના સ્ટ્રકચરને નુકશાન પહોંચાડવાના કિસ્સાઓમાં ઓછામાં ઓછી ૬ માસની અને સધુમાં વધુ પાંચ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. જયારે જાહેર મિલકતને સળગાવી દેવાના અથવા વિસ્ફોટોથી નુકશાન પંહોચાડવાના કિસ્સામાં ઓછામાં ઓછામાં ઓછી ૧ વર્ષની અને વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ પ્રકારના ગુના કરતાં પકડાયેલા આરોપી કસ્ટડીમાં હોય તો પ્રોસીકયુશનને રજૂઆતની તક આપ્યા સિવાય તેના જામીન પણ મંજૂર કરી શકાતા નથી.

શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વર્ષ-૨૦૧૮માં રાજયમાં આ કાયદા હેઠળ નોંધાયેલ ગુનાની વિગતો આપતાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં -૦૩, રાજકોટ શહેરમાં-૦૨, સુરત શહેર-૦૨, અમરેલી જિલ્લામાં-૦૫, ભાવનગર જિલ્લો-૦૪, બોટાદ જિલ્લો-૦૩, દાહોદ જિલ્લો-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, જામનગર જિલ્લો- ૦૧, જૂનાગઢ- ૦૨, કચ્છ(પશ્ચિમ)-૦૧ એમ કુલ-૨૫ ગુના નોંધાયા છે.

રાજયમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજય સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી અને શાંતિ અને સલામતીની જાળવણી માટે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે. પોલીસની સતર્કતા અને આગોતરા આયોજનને પરિણામે ૨૦૧૮ના વર્ષમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને અસર કરે તેવા કોમી હિંસા કે વર્ગ વિગ્રહ, જૂથ અથડામણોના કોઇ નોંધપાત્ર બનાવો બન્યા નથી. ગુજરાત પોલીસ, ગુપ્તચર તંત્ર તથા ATSની પ્રસંશનીય કામગીરીના પરિણામ સ્વરૂપે જ રાજયમાં આંતકવાદની એક પણ ઘટના બની નથી.

અમારી સરકારની દરેક વર્ગના લોકો માટેની નીતી અને કલ્યાણકારી યોજનાઓના કારણે રાજયમાં તાજેતરમાં ખેડૂત આંદોલન કે અન્ય કોઇ પણ મોટા આંદોલનો થયા નથી. તેથી જ ગુજરાતની વિકાસયાત્રા અવિરત પણે આગળ ધપી રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગૃહ રાજય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે તમામ વર્ગોને સાથે રાખીને ચાલવાની અને સમાન તકો આપવાની બંધારણની નીતીને વરેલી છે. અને એટલા માટે જ, બે દાયકાથી વધારે સમયથી અને લાગલગાટ ૬–૬ ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર વિશ્વાસ મૂકીને શાસનની ધુરા સોંપી છે. સીધી રીતે અમને હરાવી શકતા નથી એટલે કેટલાક તત્વો દ્વારા રાજકીય લાભ અને અંગત સ્વાર્થ ખાતર વર્ગો-વર્ગો વચ્ચે મનભેદ અને મતભેદ ઉભા થાય તેવા પ્રયાસો પાટીદાર અનામત આંદોલનના નામે કરવામાં આવ્યા હતાં. પરંતુ તેમાં પણ પ્રજાએ જાકારો આપ્યો.

પાટીદાર અનામત આંદોલનના સમયગાળા દરમિયાન રાજયમાં કુલ – ૫૩૭ ગુનાઓ નોંધાયા હતા. તે પૈકી ૫૦%થી વધારે એટલે કે ૨૮૯ કેસો તો જાહેર મિલકતને નુકસાન કરવા અંગેના છે. જેમાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓમાં તોડફોડ કરવી, આગ લગાડવા અંગેના તથા સરકારી વાહનોને સળગાવવાના અથવા નુકસાન કરવા અંગેના ગુનાઓ સામેલ છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન તોફાની તત્વો દ્વારા ૩૫૮ ST/ BRTS ની બસો તથા બસ સ્ટેન્ડ સહિત અંદાજે રૂ. ૩૦ કરોડનું નુકશાન કરવામાં આવ્યું હતું. આ સિવાય ૧૭૨ પોલીસ વાહનોના તોડફોડમાં અંદાજે રૂ. ૬૭ લાખનું નુકશાન થયું હતું. ૧૪૭ પોલીસ ચોકી/ સરકારી કચેરીઓને અંદાજે રૂ. ૯ કરોડ ૫૬ લાખનું નુકશાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેલ્વેની મિલકતને પણ નુકશાનના ગુનાઓ પણ નોંધાયા છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીની ફરજ દરમિયાન એક પોલીસ કર્મચારીનું મૃત્યુ પણ થયું હતું તેમજ ૨૪ પોલીસ કર્મચારીઓને ગંભીર પ્રકારની જયારે ૧૯૪ પોલીસ કર્મીઓને સામાન્ય પ્રકારની ઇજાઓ થવા પામી હતી, તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે જણાવ્યુ હતું કે, આ આંદોલન દરમિયાન કેટલાક તત્વોની ઉશ્કેરણીથી ઉશ્કેરાઇને જાહેર મિલ્કતને નુકસાનના બનાવો જેવા કે, ST બસો, સીટી બસો તથા સરકારી માલ-મિલ્કતને નુકશાન કરવામાં આવ્યું હોઇ, આ તમામ બનાવોમાં The Prevention of Damage to Public Property Act, 1984 ની જોગવાઇઓ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજયના વિકાસ માટે ઐાધોગિક એકમોની સ્થાપના ખૂબ જરૂરી છે. ઉધોગોની સ્થાપના માટે જમીનો સંપાદિત કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના પ્રવર્તમાન કાયદા અનુસાર જમીન માલિકોને તેનું પુરતુ વળતર ચૂકવવામા આવે છે. તેમ છતાં પણ રાજયમાં કેટલાક તત્વો દ્વારા ઉધોગોની સ્થાપના અને વિકાસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં લાઇમ સ્ટોન માઇનીંગ અંગે કેટલાક હિતેચ્છુઓ દ્વારા સ્થાનિક લોકોને ભરમાવી ઉશ્કેરવાના અને વિરોધ કરવાના બનાવો બનતા તેમજ સ્થાનિક લોકો દ્વારા પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાના બનાવો બનતા જાન્યુઆરી મહિનામાં The Prevention of Damage to Public Property Act, 1984 ની જોગવાઇઓ તથા IPC સંબધિત કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માત્ર મતોની રાજનીતીના ઉદ્દેશથી પોતે જ જાણે ખેડૂતોના મસીહા છે તેવું પ્રતિપાદીત કરવાના હેતુસર કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો આપવાના ઓથા હેઠળ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રાજકીય હેતુસર ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન કહેવાતા ખેડૂત નેતાઓ દ્વારા શાકભાજી, દૂધ વગેરે જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ જાહેર રસ્તા પર ઢોળી લોકોને તકલીફો પડે તથા જાહેર વ્યવસ્થા ખોરવી નાંખવાના હીણા પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે આવા પ્રયાસોને આમ નાગરીકોનો કોઇ સાથ અને સહકાર ન મળતા આવા આંદોલનો અલ્પજીવી બની રહ્યા છે તેમ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે, તેમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતું

આમ, હાલમાં પ્રવર્તમાન કેન્દ્રીય કાયદાની જોગવાઈઓ સંપૂર્ણપણે પર્યાપ્ત છે જેનું રાજ્યમાં અસરકારક અમલીકરણ પણ થઈ જ રહ્યું છે તે સંજોગોમાં ગૃહ મંત્રીશ્રીએ શ્રી પૂર્ણેશભાઈ મોદીને તેમના દ્વારા રજૂ કરાયેલ વિધેયક પરત ખેંચવા અનુરોધ કરતાં શ્રી મોદીએ સર્વ સંમતિથી આ વિધેયક પરત ખેચ્યું હતું.

error: Content is protected !!