પીટીઆઇએ ચેન્નઇ એરપોર્ટના પૂરનો જૂનો ફોટો અમદાવાદનો બતાવ્યો, પ્રમુખ અખબારોએ તે છાપ્યો, સ્મૃતીએ ખુલાસો માંગ્યો

અમદાવાદ, દેશગુજરાતઃ કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતી ઇરાનીએ ભારતની ટોચની સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઇ)નો એ બાબતે ખુલાસો માંગ્યો છે કે 2015 ડિસેમ્બરના ચેન્નઇ એરપોર્ટ પર પૂરને કારણે ભરાયેલા પાણીના ફોટોગ્રાફ અમદાવાદ એરપોર્ટ પર પડેલા વરસાદના તાજા ફોટોગ્રાફ તરીકે કઇ રીતે રિલીઝ કરાયા અને આ ગફલત કેવી રીતે થઇ.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સોશ્યલ મિડિયા પર ડિસેમ્બર 2015ના ચેન્નઇમાં આવેલા પૂર વખતે ચેન્નઇ એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનો પાણીમાં ડૂબેલા હોય તેવા ફોટોગ્રાફ અમદાવાદ એરપોર્ટની ગઇકાલની પરિસ્થિતિના હોય તે રીતે સરક્યુલેટ થયા હતા. આ ફોટોગ્રાફ વિવિધ ઓનલાઇન વેબસાઇટોએ પોતાની રીતે પ્રસિદ્ધ કર્યા હતા. સોશ્યલ મિડિયા પર જાગૃત લોકોના ઉહાપોહને કારણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જૂથની વેબસાઇટ ઇન્ડિયાટાઇમ્સે પોતાના આર્ટીકલમાંથી ફોટો હટાવી લીધો હતો. ઇન્ડિયા ટુડેએ પણ પોતાની ટવીટ રદ કરીને ફોટો હટાવ્યો હતો. જો કે ખાસ્સા ઉહાપોહ છતા પીટીઆઇએ ઇન્ટરનેટ પર વાયરલ 2015ના ચેન્નઇ એરપોર્ટના પૂરનો આ ફોટો અમદાવાદની ગઇકાલની પરિસ્થિતિ તરીકે ખપાવીને સમાચારપત્રોને સરક્યુલેટ કરીને મોટી ભૂલ કરી નાખી હતી. પરિણામે આજે સંખ્યાબંધ સમાચારપત્રોમાં આ ફોટોગ્રાફ અમદાવાદ એરપોર્ટ તરીકે પ્રસિદ્ધ થયો હતો. જેમ કે ઇન્ડિયન એક્સપ્રેસે આ ફોટોગ્રાફ અમદાવાદ એરપોર્ટ તરીકે ફ્રન્ટ પેજ પર પ્રસિદ્ધ કર્યો હતો. ગુજરાત સમાચારે પણ આ ફોટો અમદાવાદ એરપોર્ટ તરીકે પ્રસિદ્ધ કર્યો છે.

આ ઘટનાક્રમને લઇને કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતી ઇરાનીએ ટવીટ કરી કહ્યુંઃ સાવધાનઃ ચેન્નઇના પૂરના ફોટોગ્રાફ અમદાવાદ તરીકે વપરાયા છે અને પાસ કરવામાં આવ્યા છે. પીટીઆઇ કૃપા કરીને તમામ સમાચાર સંસ્થાઓને એલર્ટ કરે.

બીજી ટવીટમાં તેમણે કહ્યુંઃ પીટીઆઇ માટે એ યોગ્ય રહેશે કે તે આવું કઇ રીતે બન્યું તેનો ખુલાસો કરે.

તો ગઇકાલે ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ એલર્ટ નામના ભારત સરકારના ઉપક્રમ એવા રેડિયો ઓર્ગેનાઇઝેશનના ટવીટર હેન્ડલે પણ ચેન્નઇના પૂરનો ફોટો અમદાવાદના નામે પ્રસિદ્ધ કર્યો હતો. આ અંગે પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખરે ટવીટ કરીને કહ્યું હતું કે આ અંગે તેઓ ખેદ અનુભવે છે અને કસૂરવાર સામે પગલા ભરાશે.

error: Content is protected !!