રાજકોટના પ્રવાસન આકર્ષણના સ્થળોમાં વધું એક છોગું ઉમેરાયું- મહાત્મા ગાંધી મ્યુઝિયમ

રાજકોટ: સ્વદેશ દર્શન યોજના હેઠળ ગાંધી સર્કિંટ અંતર્ગત રાજકોટ શહેરમાં નિર્માણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે (રવિવારે) લોકાર્પણ કર્યું હતું. મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં રૂ. ૨૬ કરોડના ખર્ચથી આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરના પ્રવાસન સ્થળોના આકર્ષણમાં વધુ એક છોગું ઉમેરાયું છે.

ચૌધરી હાઇસ્કૂલ ખાતે જાહેરસભા પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જવાહર રોડ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પહોંચ્યા હતા. અહીં પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ સુતરની આંટી તથા મેયર મતી બિનાબેન આચાર્યએ શાલ આપી સ્વાગત કર્યું હતું. બાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડાપ્રધાનને હ્રદય કુંજ તરફ દોરી ગયા હતા. મહાત્મા મ્યુઝિયમમાં સાબરમતી આશ્રમના હ્રદય કુંજ સમાન પ્રાર્થના ખંડ બનાવવામાં આવ્યો છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજનની સુરાવલિ વચ્ચે અહીં મહાનુભાવોએ મહાત્મા ગાંધીને સુરતની આંટી અર્પણ કરી તેમના પુણ્યનામનું સ્મરણ કર્યું હતું.

મ્યુઝિયમમાં ભોંયતળિયે રૂમ નં. ૨ અને ૩માં ગાંધીજીના જન્મ સ્થાન ઉપરાંત પરિવારજનો અને દક્ષિણ આફ્રિકા જતા પૂર્વે મોહનદાસે તેમની માતા પૂતળીબાઇને આપેલા વચનની ઝાંખી નીહાળી હતી. જ્યારે, એ બાદના રૂમ નં. ૪માં મોહનદાસને મહાત્મા બનાવવામાં
નિમિત ઘટના એટલે કે સાઉથ આફ્રિકા જતા પિટર્સબર્ગ સ્ટેશનને બનેલી ઘટનાની રૂપરેખા પણ મહાનુભાવોએ રસપૂર્વક નીહાળી હતી.

ભારતમાં અંગ્રેજ શાસનને લુણો લગાડનાર આંદોલન મીઠાનો સત્યાગ્રહ અને દાંડીકૂચની પ્રતિકૃતિને પણ વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મહાનુભાવોએ નીહાળી હતી. એ બાદ પ્રથમ મજલે આવેલા સર્વધર્મ સમન્વય, જેલમાં અંતેવાસ, ગાંધીજીના જીવન શૈલી સાથે વિવિધ પ્રયોગોના રૂમની પણ મુલાકાત લીધી હતી. એ બાદ તેઓ મ્યુઝિયમના કોર્ટયાર્ડમાં આવ્યા હતા અને અહીં પ્રસ્તુત કરવામાં આવેલી ગાંધીજીના જીવન પર બનેલ 3D મેપીંગ ફિલ્મ નિહાળી હતી.

વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધી મ્યુઝિયમના નિર્માણથી પ્રભાવિત થયા હતા અને અહીં આંતરરાષ્ટ્રીકક્ષાના વિશાળ વિડીયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટીંગ,  ગાંધી લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હૉલ, ઇન્ટરેક્ટીવ મોડ ઓફ લર્નિગથી સજ્જ મ્યુઝિયમ  મલ્ટીમીડિયા મિની થીયેટર, મોશન ગ્રાફિક, ઓગ્મેન્ટેડ રિયાલિટી, સર્ક્યુલર વિડીયો પ્રોજેકશન 3-D પ્રોજેકશન મેપીંગ ફિલ્મથી ગાંધીજીવન તાદ્રષ્ય તેવી વ્યવસ્થા તેમણે ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી.

અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોવેનિયર શોપની મુલાકત લીધી હતી અહી તેમણે નોંધપોથીમાં પૂ. બાપુને વર્તમાન અને ભાવિપેઢીના પથદર્શક ગણાવ્યાં હતાં. તેમજ સાચા ભારતીય તરીકે પૂ. બાપુમાંથી પ્રેરણા લઈ આપણે પણ સમાજ માટે કઈક પ્રદાન કરવું જોઈએ અને તેજ બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે તેમ વિશેષમાં લખ્યું હતું.

પ્રધાનમંત્રીની મ્યુઝિયમની મુલાકત દરમિયાન મેયર મતી બીનાબેન આચાર્ય, મ્યુ. કમિશનર બંછાનીધી પાની, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, વંદના રાજ, પ્રવાસન વિભાગ અગ્ર સચિવ એસ. જે. હૈદર, કલેકટર ડૉ. રાહુલ ગુપ્તા, સ્ટે. કમિટી ચેરમેન ઉદય કાનગડ
ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!