રેમન્ડ લીમીટેડના માલિક વિજયપત સિંઘાનિયા રહે છે ભાડાના મકાનમાં, પુત્ર સામે નોંધાવ્યો કેસ

મુંબઈ, દેશગુજરાત દેશના સૌથી ધનવાન બિઝનેસ પરિવારોમાં જેનું નામ છે તેવા સિંઘાનિયા પરિવારમાં ગંભીર વિવાદ ઊભો થયો છે. રેમન્ડ લિમિટેડના માલિક વિજયપત સિંઘાનિયા અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા વચ્ચે આ વિવાદ થયો છે. વિજયપત સિંઘાનિયાએ આરોપ મૂક્યો છે કે તેમના દીકરાએ તેમને એક-એક પૈસા માટે ટટળાવી રહ્યા હોવાથી તેઓ રઝળી પડ્યા છે. સિંઘાનિયાનો આરોપ છે કે ગૌતમ સિંઘાનિયા રેમન્ડ લિમિટેડને પોતાની વ્યક્તિગત મિલકતની જેમ ચલાવી રહ્યો છે.

એક સમયે અબજો રૂપિયાના આસામી અને ભારતની મજબૂત બ્રાન્ડ્સ રેમન્ડ લિમિટેડના માલિક રહેલા વિજયપત સિંઘાનિયાએ રેમન્ડનું સંચાલન તેમના દીકરા ગૌતમને સોંપ્યા બાદ તેઓ કફોડી હાલતમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, વિજયપત સિંઘાનિયા હાલ મુંબઈના ગ્રાન્ડ પારાડી સોસાયટીમાં ભાડાંના મકાનમાં રહે છે.

વિજયપતે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી માલાબાર હિલ્સમાં પોતાના ઘરનો કબજો માગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 78 વર્ષીય વિજયપત સિંઘાનિયાના વકીલે કોર્ટમાં કહ્યું કે, સિંઘાનિયાએ પોતાની બધી જ સંપત્તિ દીકરાના નામે કરી દીધી, પણ હવે દીકરો તેમનું ધ્યાન રાખતો નથી.

વધુમાં વકીલે કોર્ટમાં કહ્યું કે, સિંઘાનિયાએ કંપનીમાં પોતાના બધા શેર પણ તેના પુત્ર ગૌતમને આપી દીધા છે. આ શેર્સની કિંમત 1000 કરોડ રૂપિયા જેવી હતી. મોટા ભાગની માલ મિલકત આપી દીધી હોવા છતાં ગૌતમે હવે તેમને નિરાધાર છોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ગૌતમે તેના પિતાને આપેલી કાર અને ડ્રાઈવરને પણ પાછા લઈ લીધા છે.

વિજયપતે જે ડુપ્લેક્સ ઘરનો કબજો મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે તે ઘરનું બાંધકામ 1960માં થયું હતું. તે સમયે તે ઈમારત 14 માળની હતી. ઉલ્લેખનીય છે કે, બાદમાં આ બિલ્ડિંગના ચાર ડુપ્લેક્સ રેમન્ડની સબસિડરી પશ્મિના હોલ્ડિંગને આપી દેવામાં આવ્યા હતા.

2007માં કંપનીએ બિલ્ડિંગના પુન:નિર્માણનો નિર્ણય કર્યો. તે મુજબ વિજયપત સિંઘાનિયા, ગૌતમ, વીણા દેવી(સિંઘાનિયાના ભાઈ અજયપત સિંઘાનિયાના વિધવા), અજયપત-વીણાદેવીના પુત્રો અનંત અને અક્ષયપત સિંઘાનિયાને એક-એક ડુપ્લેક્સ મળવાનો હતો. આ માટે તેમણે ૯ હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટની કિંમત ચૂકવવાની હતી.

એપાર્ટમેન્ટમાં પોતાનો ભાગ મેળવવા માટે વીણાદેવી અને અનંતે પહેલેથી એક સંયુક્ત અરજી દાખલ કરી હતી. બીજી બાજુ અક્ષયપત સિંઘાનિયાએ બોમ્બે હાઈકોર્ટમાં એક અલગ અરજી કરી છે.

વિજયપતના વકીલ દિનયર મેડને કોર્ટને કહ્યું કે, સિંઘાનિયાએ તેમની તમામ સંપત્તિ દિકરાના નામે કરી દીધી, પણ હવે દિકરો તેને એક રૂપિયો પણ આપવા માગતો નથી.

આમ, એક સમયે અબજોપતિ રહી ચૂકેલા વિજયપત સિંઘાનિયા પારિવારિક ઝઘડાને કારણે આજે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વિજયપતે હવે કોર્ટના ખખડાવ્યા છે અને કોર્ટ  તેમની તરફેણમાં ચુકાદો આપે તેની આશા સેવી રહ્યા છે.

error: Content is protected !!