ખરેખર સરદાર સરોવરમાં પાણી ઓછું છે: રાજ્યના મુખ્ય સચિવ

ગાંધીનગર: રાજ્યમાં ઉનાળા પહેલા જ પાણીની તંગીને લઈને ચિંતાના વાદળો ઘેરાયેલા છે. કારણ કે, ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીમાં પહેલીવાર તળિયા દેખાઈ રહ્યા છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને પહેલેથી જ ઉનાળુ પાક ન લેવાની સલાહ આપી હતી. જે બાદ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે, 31 જુલાઈ સુધી રાજ્યની જનતાને પુરતું પાણી મળી રહેશે. જેના બાદ શરૂ થયેલા આ મુદ્દામાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે આજે (મંગળવારે) નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, ખરેખર સરદાર સરોવરમાં પાણી ઓછું છે. પરંતુ ગુજરાતની જનતાને તેની કોઈ તકલીફ થશે નહીં.

નર્મદા ડેમની મુલાકાત લીધા બાદ મુખ્ય સચિવ જે.એન.સિંઘે કહ્યું કે, સરોવરમાં પાણી ઓછું છે, પરંતુ ગુજરાતની જનતાને પાણીની કોઈ તકલીફ પડશે નહીં.  ડેલ્ટ સ્ટોરેજમાઁથી પાણી લઈ શકાશે. પાણી ઈરિગેશન મે ફાસ્ટ ટનલમાંથી લેવાશે. પરંતુ હાલમાં ખેતી માટે નર્મદા નદીમાં 600 ક્યુસેકથી વધુ પાણી છોડાશે નહીં.  તેમણે ઉમેર્યું હતું કે, આ માટે આપણા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રે ખૂબ સહયોગ આપ્યો છે, જેથી ગુજરાતના લોકોને પીવાનું પાણી સતત મળતું રહેશે.

ગુજરાતના મુખ્યસચિવ ડૉ. જે.એન. સિંઘે આજે નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીની ડેમસાઇટની મુલાકાત લઇ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રોજેક્ટ હેઠળ થઇ રહેલી કામગીરીનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરી આ દિશામાં થઇ રહેલી પ્રગતિની જાણકારી મેળવી હતી. ડૉ. સિંઘે ડેમસાઇટ ખાતે “એ ફ્રેમ” તેમજ ઇરીગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી) ની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય સચિવ ડૉ. સિંધની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, નર્મદા નિગમના ડિરેક્ટર એ.કે. પટેલ, મુખ્ય ઇજનેરશ્રી પી.સી. વ્યાસ, અધિક્ષક ઇજનેરશ્રી આર.જી. કાનુનગો વગેરે તેમની સાથે જોડાયાં હતા.

મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે આજે ડેમ સાઇટની મુલાકાત દરમિયાન લઇ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની પ્રતિમાના જુદા જુદા ઘટકો જોડવાની થઇ રહેલી કામગીરીના સ્થળની મુલાકાત લઇ તેનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સ્થળ ઉપર કામગીરી સંભાળી રહેલા ઇજારદારના ઇજનેરશ્રી અને નિગમના ઇજનેરોએ ઉક્ત કામગીરીની પ્રગતિથી ડૉ. સિંઘને વાકેફ કર્યા હતા.

મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ડેમસાઇટ ખાતે લોખંડી પુરૂષ સરદાર  વલ્લભભાઇ પટેલ સાહેબની ૧૮૨ મીટરની પ્રતિમાનું બાંધકામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ બાંધકામ તેના નિર્ધારિત લક્ષ મુજબ આગામી તા. ૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૮ સુધી પૂર્ણ થઇ  જશે.

મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે ઇરીગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી) ની પણ મુલાકાત લઇ જળ સપાટીનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં ૧૧૧.૩૭ મીટરની સપાટીએ ડેમ લાઇવ સ્ટોરેજ ઉપર છે. ૧૧૦.૬૪ મીટરની નીચી સપાટીએ લાઇવ સ્ટોરેજ પુર્ણ થયેથી ડેડસ્ટોરેજ વાપરવાની પરિસ્થિતિ ઉભી થશે ત્યારે માત્ર એક કલાકના સમયગાળામાં જ આઇબીપીટી ચાલુ કરી શકાશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો પણ ખુબ જ સહયોગ મળી રહ્યો હોવાનું ડૉ. સિંઘે ઉમેર્યું હતું. ગુજરાતમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઉદભવશે નહિ અને આગામી ચોમાસામાં જો વરસાદ સામાન્ય હશે તો પણ પરિસ્થિતિ રાબેતા મુજબની બની રહેશે, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

“સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ” ને લીધે આ વિસ્તાર વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત થઇ રહ્યોં છે, ત્યારે પ્રવાસીઓ માટે પાવાગઢ-સાપુતારા વગેરે જેવા સ્થળોની જેમ નર્મદા ડેમ સાઇટ ખાતે ઉડન ખટોલા (રોપ-વે) ની સુવિધા ઉભી કરવાનું આયોજન હાથ ધરાયું છે અને આ અંગે હવે પછીની આગામી બેઠકમાં તે દિશામાં જરૂરી કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ ડૉ. સિંઘે વધુમાં જણાવ્યું હતું. નેશનલ લેવલના આકાર પામી રહેલા ટ્રાયબલ મ્યુઝીયમ માટે પણ કેન્દ્રના આર્કાઇવ્ઝ વિભાગ સાથે થયેલી સમજૂતી-સહયોગની પણ તેમણે જાણકારી આપી હતી. મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે ડેમ સાઇટની મુલાકાત બાદ આજના મહા શિવરાત્રિના પાવન પર્વે શુલપાણેશ્વર મંદિર ખાતે પૂજા-અર્ચના કરી અભિષેક-આરતીમાં ભાગ લીધો હતો.

error: Content is protected !!