આતંકવાદી તૌકીરને સાથે રાખી અમદાવાદના દાણીલીમડામાં કરાયું રીકન્સ્ટ્રક્શન

અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર અાતંકી અબ્દુલ સુભાન તૌકિર હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના 20 દિવસના રિમાન્ડ પર છે. બોમ્બ બ્લાસ્ટ સમયે અાતંકી તૌકિર શહેરના દાણીલીમડા અને વટવા વિસ્તારમાં પણ રોકાયો હતો. જેથી, આજે (શનિવારે)  સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે તૌકિરને લઈ દાણીલીમડા વિસ્તારમાં બેરેલ માર્કેટ પાસે અાવેલા મકાનમાં જ્યાં રોકાયો હતો તે મકાનમાં રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમજ પંચનામું કર્યું હતું. અા જ મકાનમાં અાતંકીઅે બોમ્બ બનાવ્યા હોવાનું અને બોમ્બ બ્લાસ્ટ અંગેની મિટિંગ પણ કરી હોવાનું તપાસમાં બહાર અાવ્યું છે.

2008માં શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી સફદર નાગોરી, રિયાઝ ભટકલ સહિત 81 ની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર અેવા અબ્દુલ સુભાન તૌકિરને દિલ્હી પોલીસે ઝડપી પાડ્યો હતો. જેનો હાલમાં ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કબજો મેળવી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

અગાઉ તૌકિરને સાથે રાખી પાવાગઢનાં જંગલોમાં રીકન્સ્ટ્રક્શન કર્યા બાદ અાજે દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટ પાસે જે ભાડાના મકાનમાં રોકાયો હતો ત્યાં તેને લવાયો હતો અને રીકન્સ્ટ્રક્શન કરવામાં અાવ્યું હતું. વટવાના અેક મકાનમાં પણ સહઅારોપી કયામુદ્દીન કાપડિયા અને અબુ બશર મુફ્તિ સાથે રહ્યો હતો. અમદાવાદના અનેક સ્થળે રેકી પણ કરી હતી. અાગામી દિવસોમાં તૌકિરે શહેરમાં જે જે જગ્યાઅે રેકી કરી હતી તે સ્થળો પર પણ તેને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં અાવશે.

error: Content is protected !!