એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સુરત-રાજકોટ સહિત 5 ઝોનલ સેન્ટરોમાં નોકરી ભરતી મેળા યોજાશે

અમદાવાદઃ ફાર્મસીની જેમ હવે એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ ફેર યોજવાની જાહેરાત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને રોજગારી માટે સક્ષમ બનાવવા નવો કોર્સ અમલમાં મુકવા ઉપરાંત તેઓને10થી 15 સપ્તાહની ઈન્ટર્નશીપ, ફુલ-ટાઈમ પ્રોજેક્ટ વગેરે પગલાં લેવાશે, એમ જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી. પંચાલે કહ્યું હતું.

જીટીયુના ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ તરફથી નવમી જૂનના રોજ ચાંદખેડા કેમ્પસમાં આયોજીત એચઆર પરિષદમાં તેમણે આ જાહેરાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ફાર્મસીના ક્ષેત્રમાં કેન્દ્રીય નોકરી ભરતી મેળાની સફળતાને પગલે એન્જીનિયરીંગ માટે પણ જીટીયુ સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ ફેર યોજશે. પરિષદમાં 50થી વધુ કંપનીઓના એચઆર મેનેજરો અને જીટીયુ સંલગ્ન કૉલેજોના પ્લેસમેન્ટ ઑફિસરો સહિત 120થી વધુ પ્રતિનિધિઓએ સક્રિય રસ લઈને વિવિધ ભલામણો કરી હતી. તેના આધારે નક્કર પ્લાન ઘડી કાઢીને તેનો અમલ કેવી રીતે કરવો તેના વિશે વિચારણા કરવા 12મી જૂનથી શ્રેણી બદ્ધ આયોજન શરૂ કરવામાં આવનાર છે.

બેઠકમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. જૈમીન વસાએ રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજના જમાનામાં ઉદ્યોગો શિક્ષણ જગત પાસેથી ઇનોવેટિવ ઉપાયોની અપેક્ષા રાખે છે કે જેનાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદકતા મળે અને ઉદ્યોગની કાર્યક્ષમતામાં પણ વધારો થાય. આપણા દેશમાં ટેક્નિકલ અને મેનેજમેન્ટ સંસાધનો પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવે તો વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલી ઉઠે એમ છે. ખાસ કરીને નોલેજ આધારિત ઉદ્યોગો માટે તે ખાસ આવશ્યક છે. વિદ્યાર્થીઓને એપ્લિકેશન ઓરિએન્ટેડ બનાવીને તેઓ ઔદ્યોગિક વાતાવરણથી પરિચિત થાય એવા પગલાં લેવા જોઈએ. વિદ્યાર્થીઓના વ્યક્તિગત સર્વાંગી વિકાસ પ્રત્યે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.  વિદ્યાર્થીઓમાં કંઈક કરી બતાવવાની તમન્ના ઉપરાંત દ્રઢ નિર્ધાર તેમજ પ્રામાણિકતા સદગુણો વિકસે એવા પ્રયાસો અભ્યાસક્રમ સાથે સાંકળીને કરવા જોઈએ. સતત બદલાતી જતી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા ઉદ્યોગજગતના નિષ્ણાતોની મદદ લઈને અભ્યાસક્રમમાં સતત સુધારા-વધારા કરતા રહેવા જોઈએ.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યને બદલે વૃક્ષારોપણ કરીને અનોખી રીતે થઈ હતી. જાણીતા એચ આર સંજય દવેએ પેનલ ચર્ચામાં મોડરેટર તરીકે સેવા આપી હતી. વિન્ડસર મશીનના સીએચઆરઓ શૈલેષ મોદી, ગિફ્ટ સિટીના વાઇસ પ્રેસિડેન્ટ (એચઆર) ભવ્યેશ કારિયા, ગુજરાત પાવર એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્લેસમેન્ટ ઑફિસર કૃણાલ પટેલ તેમજ વિશ્વકર્મા સરકારી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજુલ ગજ્જર અને જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી. પંચાલે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના કૌશલ્યો, માનસિકતા, ટેકનિકલ એક્સપર્ટાઇઝ, ઊંચા પેકેજની લાલસા વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિશ્વકર્મા સરકારી ઈજનેરી કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. રાજુલ ગજ્જરે પ્રાસંગિક વક્તવ્ય આપતા એન્જીનિયરીંગ શિક્ષણમાં રહેલા પડકારોના વિવિધ પાસાંઓની છણાવટ કરી હતી.  તમામ કંપનીઓએ નોકરી ભરતીમેળામાં ભાગ લેવા તૈયારી દર્શાવી હતી. પહેલીવાર જીટીયુ તરફથી સુરત, રાજકોટ સહિતના પાંચેય ઝોનલ સેન્ટરોમાં નોકરી ભરતી મેળા યોજવામાં આવશે. તેનાથી વિવિધ વિસ્તારોના તમામ વિદ્યાર્થીઓને ફાયદો થાય એવો વ્યૂહ ઘડવામાં આવનાર છે. એક તરફ ઉદ્યોગોને નોકરી ભરતીમાં થતો ખર્ચ ઘટશે અને બીજી બાજુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જીટીયુ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. આ હેતુસર જીટીયુ ટૂંકસમયમાં નવી વેબસાઇટ શરૂ કરશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વાઈસ પ્રેસિડન્ટ (એચઆર) હરેશ ચતુર્વેદીએ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુમાં પ્રશ્નોનો સામનો કરતી વખતે પડતી સમસ્યા અંગે સમજ આપી હતી. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની આવી સમસ્યા દૂર કરવા શાળા સ્તરેથી જ તેઓમાં ટીમ ભાવના, જુસ્સો અને નેતૃત્વના ગુણો કેળવવાની આવશ્યકતા છે. તેના માટે શાળા-કૉલેજો વચ્ચે સંવાદ જરૂરી છે. આ સહેજ મુશ્કેલ પ્રક્રિયા છે, પણ તેમ કરવાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. ટેકનિકલ જ્ઞાન અને સદગુણોનું સિંચન એ ફક્ત શાળાઓની જ નહિ બલકે વાલીઓની પણ જવાબદારી છે. હાલમાં કોર્પોરેટ ક્ષેત્રે એચઆર વિભાગ સામે સૌથી મોટી ચેલેન્જ એ છે કે ટેકનોલોજી ખૂબ જ ઝડપથી હરણફાળ ભરી રહી હોવાથી દર પાંચ વર્ષે નવી ટેકનોલોજીના કૌશલ્યો ધરાવતી વ્યક્તિઓની શોધખોળ કરતી રહેવી પડે છે. આવા સંજોગોમાં અનેક પ્રોફેસરો ઉદ્યોગોની બદલાતી જતી જરૂરિયાતને અનુરૂપ લેટેસ્ટ જાણકારીથી પોતાને અપડેટ કરતા નથી. ઉદ્યોગો તરફથી પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવા નિષ્ણાતો પૂરા પાડવાથી માંડીને ઈન્ટર્નશીપમાં મદદ કરવા અમે તૈયાર છીએ.

આ પ્રસંગે જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને ડિરેક્ટર ડૉ. રાજેશ પરીખે કહ્યું હતું કે ફાર્મસી માટે સાત સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ ફેર સફળતાપૂર્વક યોજવામાં આવ્યા બાદ હવે એન્જીનિયરીંગના નોકરી ભરતી મેળા ઝોનલ સેન્ટરોમાં યોજવાનો મૂળ વિચાર વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠનો છે. વિદ્યાર્થીઓમાં સોફ્ટ સ્કીલ સહિતના કૌશલ્યો પણ ટેકનિકલ જ્ઞાન સાથે મળે એવો વ્યૂહ ઘડવામાં આવશે. તેના માટે ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમોની મદદ લેવામાં આવશે. એઆઈસીટીઈ તરફથી નક્કી થયા મુજબનો નવો અભ્યાસક્રમ પણ અમલમાં મૂકવામાં આવશે. જીટીયુના ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના ઈન્ચાર્જ અને કાર્યક્રમના કો-ઓર્ડિનેટર હિતેશ ગુજરાતીએ આભારવિધિ કરી હતી.

ડૉ. જૈમીન વસાએ ઉદ્યોગો વતી કરેલી ભલામણોઃ

-કૉલેજોમાં પૂરતો સ્ટાફ, યોગ્ય માળખાકીય સુવિધાઓ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે સમિતિની રચના કરીને તેમાં ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ઉદ્યોગ સાહસિકો, કેળવણીકારો અને સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે. કૉલેજોને ગ્રાન્ટ કે માન્યતા આપવામાં અથવા વહિવટી નિયમો ઘડવા માટેની સમિતિઓમાં ઔદ્યોગિક એસોસિયેશનોના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવે.

– વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ઢબે અને વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે તેના માટે વ્યવસ્થા કરવી. ઈનોવેટીવ પ્રોજેક્ટોનું પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર થઈ શકે એવા સેન્ટરો શરૂ કરવા

– સંશોધનો હાથ ધરતા કેન્દ્રોને સેન્ટર ઑફ એક્સેલન્સમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવી

– કૉલેજોને ગ્રાન્ટ મેળવવા ઔદ્યોગિક એકમો સાથે સંબંધોનો સેતુ ફરજિયાત બનાવવામાં આવે

વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓને પાર્ટ ટાઈમ અથવા વિઝીટીંગ ફેકલ્ટી મેમ્બર તરીકે બોલાવવામાં આવે અને થિયરીની જેટલો જ ભાર પ્રેકટીકલ કૌશલ્યો વધારવા પર મૂકવામાંઆવે.

error: Content is protected !!