ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના લોકસભા ચૂંટણી પ્રભારીશ્રી ઓમપ્રકાશજી માથુરનું પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ મહામંત્રીશ્રીઓ તથા અન્ય આગેવાનો દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત

ગાંધીનગર:આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ગુજરાતના ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી મળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ અને ભાજપાના રાષ્ટીય ઉપાધ્યક્ષશ્રી ઓમજી માથુરે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, ગુજરાત ભાજપાના સંગઠન સાથે મેં ઘણાં વર્ષો કામ કર્યુ છે, સમગ્ર દેશમાં ગુજરાત ભાજપા સંગઠન સૌથી મજબુત અને અભેદ્દ સંગઠન છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કરેલા વિકાસ કાર્યો ઉડીને આંખે વળગે તેવા છે અને આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા વિકાસકાર્યોને કેન્દ્રમાં રાખી આગામી ચૂંટણીનું આયોજન હાથ ધરાશે.

ગુજરાતના તમામ ૫૦ હજાર જેટલા બુથ પર સંગઠનનો મજબૂત આધાર એવા પેજ પ્રમુખ છે અને આ પેજ પ્રમુખના ક્લસ્ટર બનાવીને તાજેતરમાં જ ખાટલા બેઠકનું આયોજન ગુજરાતના સંગઠન દ્વારા થઇ ચૂક્યું છે. એક લાખથી વધુ ખાટલા બેઠકો દ્વારા ગુજરાત સંગઠને ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે, લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવા માટે ગુજરાત ભાજપાના કાર્યકરો સક્ષમ અને સંપૂર્ણ કટિબધ્ધ છે તેમ શ્રી ઓમ માથુરે જણાવ્યું હતું.

શ્રી માથુરે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની જનતાને આહ્વાન કરનાર પ્રથમ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીની જેમ જ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ભારતની જનતાને સ્વેચ્છાએ ગેસ સબસિડી છોડવા આહ્વાન કર્યું હતું, જેથી ગરીબો વંચિતોને આપી શકાય, જે અંતર્ગત ૬ કરોડ જેટલા ઘરોમાં મફત ગેસ કનેક્શન આપી શકાયા છે.

મહાગઠબંધન વિશે જણાવતાં શ્રી માથુરે જણાવ્યું હતું કે, જૂની સરકારોએ દેશને લૂંટવાની છૂટ આપી હોય તેમ જુદા જુદા ગઠબંધનો દ્વારા લૂંટ મચાવનાર લોકો શ્રી નરેન્દ્રભાઇ મોદીના આવ્યા બાદ પોતાની ચોરી બંધ થઈ ગઈ હોવાથી રઘવાયા થઈ ગયા છે અને જ્યાં-ત્યાં મોં-માથુ મારે છે અને આ પ્રકારના સત્તાલક્ષી ગઠબંધન રચી દેશની જનતાની આંખમાં ધૂળ નાંખવાના પ્રયત્નો કરે છે પરંતુ દેશની જનતા આવા તકવાદી ભ્રષ્ટાચારીઓને સારી રીતે ઓળખી ગઇ છે. ઉત્તર પ્રદેશમાં તો જે લોકો ભૂતકાળમાં ક્યારેય એકબીજા સામે જોવા પણ તૈયાર નહોતા તેવા લોકો આજે પોતાની લૂંટ ચાલુ રાખવા માટે અનૈતિક ગઠબંધન કરી પ્રજાને છેતરવા નીકળ્યા છે. જ્યારે કોંગ્રેસના સ્વઘોષિત વડાપ્રધાનના ઉમેદવારને કોંગ્રેસ માટે યુ.પી.માં આ ગઠબંધન દ્વારા લટકામાં માત્ર બે સીટ છોડીને ઉત્તરપ્રદેશમાં અત્યારે જ કોંગ્રેસ બે બેઠકોની સ્થિતિ પર આવી ગઇ છે અને જેથી સ્વઘોષિત વડાપ્રધાનના સ્વપ્ન પર ઠંડુ પાણી રેડાયું હોય તેવો ઘાટ ઘડાયો છે.

શ્રી ઓમપ્રકાશ માથુરે જણાવ્યું હતું કે, એન.ડી.એ. સરકારની મોટી ઉપલબ્ધી એ છે કે, અમારી સરકાર પર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી. આજે ૧૬ રાજ્યોમાં ભાજપાની સરકાર છે. શ્રી અમિતભાઇ શાહના કુશળ નેતૃત્વ થકી આજે ભાજપા સંગઠનનો દશે દિશાઓમાં વ્યાપક વિસ્તાર થયો છે ત્યારે ભાજપા આ વખતે ૨૦૧૪થી પણ વધુ બેઠકો મેળવશે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ભાજપાની રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની શક્તિ લઇને અમે પ્રજા સમક્ષ જઇશું. અમને પુરો વિશ્વાસ છે કે, અગાઉ કરતા પણ વધુ બેઠકો સાથે એકવાર ફરી ગુજરાતની અને ભારતની જનતાના આશીર્વાદથી શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન બનશે તેમ શ્રી ઓમપ્રકાશજી અંતમાં જણાવ્યું હતું.

આજરોજ અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમપ્રકાશજી માથુરનું ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ  દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સૌ આગેવાન-કાર્યકરોએ પુષ્પગુચ્છ તેમજ પાઘડી અને ખેસ પહેરાવી શ્રી ઓમજી માથુરને આવકાર્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ, મહામંત્રીશ્રીઓ, જીલ્લા ભાજપાના આગેવાનો, ધારાસભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Stories

error: Content is protected !!