ગુજરાતની 162 નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપાના સભ્યો માટે પ્રદેશ ભાજપા દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન : વાઘાણી

ગાંધીનગર : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, પ્રદેશ ભાજપા દ્વારા ગુજરાતની લગભગ ૧૬૨ જેટલી નગરપાલિકામાં ભાજપાના ચૂંટાયેલા સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના આગેવાનો આ પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપશે.
વાઘાણીએ કહ્યું હતું કે, ભાજપાના સુશાશન તથા વિકાસલક્ષી કાર્યશૈલીને પરિણામે ગુજરાતમાં સતત છઠી વખત જનતા જનાર્દનના આશીર્વાદથી પ્રજાની સેવા કરવાની તક પ્રાપ્ત થઇ છે. મુખ્યમંત્રી વિજય અને નાયબ મુખ્યમંત્રી નીતીનના નેતૃત્વમાં ગુજરાત વિકાસના નવા સોપાનો સર કરી રહ્યું છે.ત્યારે નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યો પણ આ જનસેવાના કાર્યો અને સુશાશનની કાર્યપ્રણાલીને સુપેરે આગળ વધારી છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડી જનસુખાકારીના કાર્યો આગળ વધારતા રહે તે હેતુથી આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, દક્ષિણ ઝોનના જીલ્લાઓ જેવા કે, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, નર્મદા જીલ્લાની નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યો માટે પ્રશિક્ષણ શિબિર ગઇકાલે તારીખ ૪થીના રોજ યોજવામાં આવ્યો હતો.આ ઉપરાંત મધ્યઝોનના જીલ્લાઓ જેવા કે, વડોદરા, છોટાઉદેપૂર, આણંદ,પંચમહાલ, મહિસાગર, દાહોદ અને ખેડામાં આવેલી નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ આજરોજ તારીખ ૫મીના રોજ યોજવામાં આવી રહ્યો છે.
ઉત્તર ઝોનના જીલ્લાઓ જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ બનાસકાંઠાની નગરપાલિકાઓમાં ભાજપાના ચૂંટાયેલા સભ્યનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૬ઠીના રોજ યોજવામાં આવનાર છે.સૌરાષ્ટ્ર ઝોનના જીલ્લાઓ જેવા કે, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૭મીના રોજ યોજવામાં આવનાર છે.
સૌરાષ્ટ્ર ઝોનના અન્ય જીલ્લાઓ જેવા કે, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બોટાદની નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૮મીના રોજ યોજવામાં આવનાર છે.

error: Content is protected !!