રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચની 20 વૈશ્વિક કંપનીઓમાં સામેલ: મુકેશ અંબાણી

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની ગ્રૂપ કંપનીઓનાં 50,000થી વધારે કર્મચારીઓ અને પરિવારજનનાં ભવ્ય સમારંભને સંબોધતા ગ્રૂપનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ વિશ્વમાં ટોચની 20 કંપનીઓમાં સામેલ રિલાયન્સનાં યુવા કર્મચારીઓ અને અધિકારીઓની પ્રશંસા કરી હતી તથા આગામી વર્ષો ગ્રૂપ રાષ્ટ્રનિર્માણમાં વધુ મોટી ભૂમિકા ભજવશે એવી આશા વ્યક્ત કરી હતી.

રિલાયન્સ ફેમિલી ડે (આરએફડી) ઇવેન્ટ સમગ્ર દેશમાં આરઆઇએલ અને અન્ય ગ્રૂપ કંપનીઓનાં કર્મચારીઓ અને પરિવારજનો દ્વારા યોજાય છે, જેમાં અંબાણીએ સંબોધન કર્યું હતું. નવી મુંબઈમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં આયોજિત આ ભવ્ય ઉજવણીમાં 50,000થી વધારે કર્મચારીઓ અને તેમનાં પરિવારજનો હાજર રહ્યાં હતાં, ત્યારે અન્ય 2,00,000 કર્મચારીઓ અને પરિવારજનો દેશમાં 1000થી વધારે સ્થળોએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉજવણીમાં સામેલ થયાં હતાં, જેમાં ઉત્પાદન સાઇટ્સ, રિટેલ સ્ટોર્સ, જિઓ પોઇન્ટ્સ વગેરે સામેલ હતાં. આ ઇવેન્ટમાં રિલાયન્સનો મોટો પરિવાર સામેલ થઈ એ શકે માટે વિવિધ સ્થળો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

રિલાયન્સનાં ભવિષ્ય માટે પોતાનાં સ્વપ્નને જણાવતાં અંબાણીએ કહ્યું હતું કે, કંપનીનાં પ્રથમ ચાર દાયકામાં વિવિધ વ્યવસાયોમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે લીડરશિપ હાંસલ કરવામાં આવી છે એટલે કંપની હવે તેનાં સોનેરી દાયકામાં વધારે મોટાં લક્ષ્યાંકો પાર પાડવાની સારી સ્થિતિમાં છે.

દર્શકોનાં જબરદસ્ત પ્રતિસાદ વચ્ચે અંબાણીએ તેમનાં સ્વપ્નમાં પાંચ મુદ્દા સ્પષ્ટ કર્યા હતાં, જેમાં વિશ્વમાં ટોચની 20 કંપનીમાં સ્થાન મેળવવું; ભારતમાં સ્વચ્છ અને વાજબી ઊર્જા પ્રદાતા તરીકે લીડરશીપ મેળવવી; નવીનતાસભર નવી સામગ્રીનાં અગ્રણી વૈશ્વિક ઉત્પાદક બનવું; દેશમાં જિઓ મારફતે મનોરંજન, નાણાકીય સેવાઓ, વાણિજ્ય, ઉત્પાદન, કૃષિ, શિક્ષણ અને હેલ્થકેર ક્ષેત્રોની ડિજિટલ કાયાપલટ કરવી; તથા ભારત વૈશ્વિક મહાસત્તા બની શકે એ માટે આપણાં દેશની પ્રગતિમાં રિલાયન્સ અને જિઓને મજબૂત પાર્ટનર બનાવવી સામેલ છે.

રિલાયન્સ ફેમિલી ડે 2017 વિશેષ બની ગયો હતો, કારણ કે આરઆઇએલએ લિસ્ટેટ કંપની તરીકે 40 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેનાં સ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીની 85મી જન્મજયંતિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી અને હિંદી ફિલ્મઉદ્યોગનાં મહાનાયક અમિતાભ બચ્ચને ધીરુભાઈ અંબાણીનાં જીવન સાથે જોડાયેલા હૃદયસ્પર્શી પ્રસંગો રજૂ કરી લોકોને ભાવવિભોર કરી દીધા હતાં. નીતા અંબાણીએ ધીરુભાઈ કેવી રીતે રિલાયન્સ માટે સતત પ્રેરણામૂર્તિ બની રહેશે એ વિશે વાત કરી હતી.

પ્રોગ્રામ મુખ્યત્વે ત્રણ વિભાગ કલ (ગઇકાલ/ભૂતકાળ), આજ (અત્યારે/વર્તમાન) અને આવતીકાલ (ભવિષ્ય)માં વિભાજીત હતો, જેમાં આરઆઇએલની અત્યાર સુધીની સફરની સાથે ભવિષ્ય માટેનું વિઝન પ્રસ્તુત થયું હતું.

ઇવેન્ટમાં અંબાણી પરિવારની ત્રીજી પેઢી – ઇશા, આકાશ અને અનંત કેન્દ્રમાં રહ્યાં હતાં, જેમણે દર્શકોને આવકાર્યા હતાં તેમજ ફિલ્મસ્ટાર શાહરૂખ ખાન સાથે એન્કરિંગ પણ કર્યું હતું. ઇશા અને આકાશે આરઆઇએલએ ભૂતકાળમાં કેવી રીતે અભૂતપૂર્વ વૃદ્ધિ કરી હતી અને ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે કેવી રીતે સજ્જ છે એનાં વિશે વાત કરી હતી. પ્રથમ વખત જાહેરમાં બોલનાર અનંત અંબાણીએ કહ્યું હતું કે, ભારતે વિશ્વમાં પરિવર્તનનું નેતૃત્વ લેવું જોઈએ અને રિલાયન્સે તેમાં મોખરે રહેવું પડશે.

સિતારાઓથી ચમકતી સાંજને પ્લેબેક સિંગર સોનુ નિગમ તથા યુવા કલાકારો વરુણ ધવન અને આલિયા ભટ્ટે પર્ફોર્મન્સ કરીને દર્શકોને મનોરંજન પ્રદાન કર્યું હતું.

error: Content is protected !!