રેણુકા ચૌધરીએ વડાપ્રધાન મોદી પર ટિપ્પણી કરતા સ્મૃતિ ઈરાનીએ આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે (બુધવારે) રાજ્યસભા સંબોધન કરી રહ્યા હતા, તે દરમિયાન વડાપ્રધાન મોદીની વાત પર કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ અટ્ટહાસ્ય કરતા સૌકોઈનું ધ્યાન આકર્ષ્યું હતું. જે બાદ વડાપ્રધાન મોદીએ રેણુકાની સરખામણી રામાયણ સીરીયલના પાત્ર સાથે કરતા સંસદમાં હાજર સૌકોઈ હસવા લાગ્યા હતા. જોકે, રેણુકા ચૌધરીના હાસ્ય અંગે વડાપ્રધાન મોદીએ કરેલી ટિપ્પણીને લઈને રાજકારણ ગરમાવવા લાગ્યું છે. રેણુકા ચૌધરીએ પોતાના હાસ્ય પર પાછળથી સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે પીએમ મોદી પર વ્યક્તિગત હુમલો કરવાનો આરોપ લગાવ્યો. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રેણુકા ચૌધરી પર આકરા પ્રહારો કર્યા.

સંસદમાં શું બની હતી ઘટના ?

રાજ્યસભામાં પણ વડાપ્રધાન મોદી પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન ડાપ્રધાન મોદીએ જ્યારે કહ્યું કે આધારને કોંગ્રેસ પોતાની યોજના ગણાવે છે. પરંતુ 7 જુલાઈ 1998ના દિવસે આ જ ગૃહમાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, એવું કાર્ડ હશે જે નાગરિકતાની ઓળખનું સબૂત હશે. ત્યારથી જ આધાર કાર્ડની શરૂઆત થઈ. વડાપ્રધાન મોદીએ આ બાબત કહેતા જ રેણુકા ચૌધરીએ સંસદમાં અટ્ટહાસ્ય કર્યું હતું. જે બાદ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ રેણુકા ચૌધરીને ટોકવાની સાથે તેને ચેતવણી પણ આપી હતી.જોકે, આ દરમિયાન વડાપ્રધાન મોદીને રમુજ સુજી અને તેમણે કહ્યું કે, ‘અધ્યક્ષ હું તમને વિનંતી કરું છું કે તમે રેણુકા ચૌધરીને આ રીતે ટોકો નહીં અને તેને કંઈ ન કહો. કારણ કે, રામાયણ સીરિયલ બાદ આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય આજે મળ્યું છે.’ અહીંયા વડાપ્રધાન મોદીએ પરોક્ષરીતે ઈશારમાં રેણુકાના હસવાને રામાયણકાળની રાક્ષસી સાથે સરખાવી દીધું હતું. રેણુકા ચોધરી માટેની વડાપ્રધાન મોદીએ કરેલી આ ટિપ્પણીને લઈને સંસદમાં હાજર તમામ સભ્યો ખડખડાટ હસી પડ્યા હતા.

હું જવાબ આપીને તેમના સ્તર સુધી જવા માંગતી નથી : રેણુકા ચૌધરી

આ ઘટના બાદ રેણુકા ચૌધરીએ પત્રકારોને કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મારા પર વ્યક્તિગત ટિપ્પણી કરી છે. તમે તેમની પાસેથી બીજી શું અપેક્ષા કરી શકો? હું જવાબ આપીને તેમના સ્તર સુધી જવા માંગતી નથી. આ વાસ્તવમાં કોઈ મહિલા માટે અપમાનભરી સ્થિતિ છે.

સ્મૃતિ ઈરાનીએ આપ્યો રેણુકા ચૌધરીને જવાબ

આ અંગે સ્મૃતિ ઈરાનીએ જવાબ આપતા કહ્યું કે, હું ત્યાં હાજર હતીં. મે તેમને વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરતા સાંભળ્યા હતાં. તેમણે જ્યારે ટિપ્પણી કરી ત્યારે બરાબર પરંતુ જ્યારે જવાબ મળ્યો તો હવે તેઓ મહિલા હોવાની વાત ઢાલ સ્વરૂપે ઉપયોગ કરી રહ્યાં છે.

error: Content is protected !!