આગળની સુનાવણી સુધી રોહિંગ્યાને પરત ન મોકલે કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી, દેશગુજરાત: રોહિંગ્યા મુસલમાનોને દેશમાં આશ્રય આપવો કે પરત મોકલવા અંગે સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી 21 નવેમ્બર સુધી મુલતવી રાખી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી દરીયાન કહ્યું કે, માનવ મૂલ્ય આપણા બંધારણનો આધાર છે. દેશની સુરક્ષા અને આર્થિક હિતોની રક્ષા પણ જરૂરી છે. પરંતુ પીડિત મહિલાઓ અને બાળકોની અવગણના કરી શકાય નહીં.

કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો કે, તે આગામી સુનાવણી સુધી રોહિંગ્યાને પરત મોકલવાનો નિર્ણય ન કરે. કેન્દ્ર સરકારના  રોહિંગ્યાને પરત મોકલવાના નિર્ણયને રોહિંગ્યા શરણાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સહીત ત્રણ ન્યાયધીશોની પીઠ આ અરજી પર સુનાવણી કરી રહી છે.

પીઠે કહ્યું કે, આ મામલે વિવિધ પાસાઓને સાંકળીને સુનાવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે કે, આ બાબત વહીવટી અધિકારીની છે અને સુપ્રીમ કોર્ટ તેમાં દખલ ન કરે.

કેન્દ્ર સરકારે એફિડેવિટમાં રોહિંગ્યાને દેશની સુરક્ષા પર ખતરો ગણાવી તેઓને ભારતમાં આશ્રય ન આપી શકાય તેમ કહ્યું છે. રોહિંગ્યાનું આતંકવાદી સંગઠન સાથે કનેક્શન હોવાની ગુપ્તચર માહિતી મળી હોવાનું પણ કેન્દ્ર સરકારે કહ્યું છે. આ કેસમાં દલીલો ભાવનાત્મક નહીં પરંતુ કાયદાકીય હોવી જોઈએ, તેમ કેન્દ્ર સરકારે ઉમેર્યું હતું.

error: Content is protected !!