રૂ.8000નું ટેબ્લેટ રૂ.1000માં, મળેલા પૈસાનો ઉપયોગ વાઈફાઈ અને ઈ-સવલતો માટે કરાશે: રૂપાણી

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં શુક્રવારે રાજ્યભરના કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ NAMO E-tabs (નમો ઈ-ટેબ્સ)નું વિતરણ કર્યું હતું.

સરકાર દ્વારા આ યોજના હેઠળ રૂ. 1000ના ટોકન પ્રાઇસમાં રૂ.8000ની કિંમતના ટેબલેટ્સ આપવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં રજૂ કરાયેલા વાર્ષિક બજેટમાં આ અંગેની પહેલીવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 4 લાખ વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ ટેબલેટ્સ મેળવવાના છે, જેના માટે નાણામંત્રી નીતિન પટેલે 300 કરોડના બજેટને મંજૂરી આપી છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ યોજના હેઠળ ટેબલેટ્સ માટે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા રૂ.1000ના ટોકનમાંથી સરકારને રૂ.30 કરોડ મળશે. આ ફંડનો ઉપયોગ માત્ર યુવાનોના હિત માટે જ કરવામાં આવશે. કોલેજના કેમ્પસ વાઈ-ફાઈ સુવિધાથી સજ્જ કરવાની સાથે કલાસરૂમને ડીજીટલ બનાવવામાં આવશે. આ ફંડ મારફતે ઈ- લાયબ્રેરી અને ઈ-લેકચરની સુવિધા ઉભી કરવામાં આવશે. રૂપાણીએ કહ્યું કે, નમો ઈ-ટેબનો અર્થ ટેબલેટ્સ દ્વારા આધુનિક શિક્ષણના નવા માર્ગો સર કરવાનો છે.

મુખ્ય સચિવ જે.એન.સિંઘે કાર્યક્રમમાં કહ્યું કે, સરકારે આ ટેબલેટ્સ પૂરા પાડવા માટે બે વૈશ્વિક કંપનીઓ એસર અને લેનોવોને પસંદ કરી છે. તેમણે ઉમેર્યું કે, મફતમાં મળેલી વસ્તુની કોઇને કિંમત નથી હોતી તેથી, સરકારે રૂ.8,000ના ટેબલેટ માટે રૂ.1000 ટોકન વસુલવાનો નિર્ણય લીધો હતો. આ ટેબલેટ વોઇસ કોલિંગ સહિત સુવિધાઓ ધરાવે છે.

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે, હાલ ગુજરાતમાં 1 કરોડ વિદ્યાર્થીઓ છે. જેનો અર્થ થાય છે કે 6 ગુજરાતીમાંથી એક વિદ્યાર્થી છે.

14મી ઓગસ્ટે વડોદરામાં રાજ્ય સ્તરના ટેબલેટ્સ વિતરણનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ યોજના માટે વિદ્યાર્થીઓ digitalgujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. 21.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન નોંધણી કરાવી ચુક્યા છે. આજના કાર્યક્રમમાં ૩૦૦૦ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ આપવામાં આવતા ટેબ્લેટમાં 1.3 જીએચ કોર પ્રોસેસર, 1 જીબી રેમ, 8 જીબી ઇન્ટરનલ મેમરી (32 જીબી એક્સટેન્ડેબલ), 3450 એમએએચની બેટરી, 3જી માઇક્રો સિંગલ સિમ વૉઇસ કોલિંગ સુવિધા, 2 એમપી રિયર અને 0.3 એમપી ફ્રન્ટ કેમેરા, 7 ઇંચ એચડી ડિસ્પ્લે અને એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓએસ વર્ઝન છે. ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી એપ્લીકેશન આ ટેબલેટમાં ઉમેરવામાં આવી છે. આ એપ્લીકેશન વિદ્યાર્થીને નોકરી માટે નોંધણી તેમજ પરીક્ષાની વિગતો, શૈક્ષણિક વિડિયોઝ, ઓનલાઈન અભ્યાસક્રમો, ઓપન સોર્સ સોફ્ટવેર્સ, ભાષાકીય લાયબ્રેરી વગેરેની સુવિધા પૂરી પાડે છે. આ યોજના 12 પાસ વિદ્યાર્થીઓ કે જેઓએ વર્ષ 2017-18માં ડીપ્લોમા અથવા ડીગ્રી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય તેના માટે ઉપલબ્ધ છે.

error: Content is protected !!