સંઘે રોહિંગ્યા ઘુસણખોરીને ગણાવી ‘ગંભીર સમસ્યા’, કહ્યું- નિશ્ચિત સમયે તેઓને દેશ છોડી દેવો જોઈએ

ભોપાલ, દેશગુજરાત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ દેશમાં રોહિંગ્યાની ઘુસણખોરીની સમસ્યાને ગંભીર ગણાવી છે. આરએસએસે શનિવારે કહ્યું કે, ભારતે પોતાની પરંપરા મુજબ હંમેશા શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. પરંતુ એક ચોક્કાસ સમય બાદ રોહિંગ્યા શરણાર્થીઓને અહીં રહેવાનો હક ન હોવો જોઈએ.

સંઘના નેતા સુરેશ ભૈયાજી જોશીએ આરએસએસની ત્રણ દિવસીય અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકના  છેલ્લા દિવસે પત્રકારો સાથેની વાતચીતમાં  મ્યાનમારના રોહિંગ્યા મુસલમાનોની દેશમાં થઇ રહેલી ઘુસણખોરીને ગંભીર સમસ્યા ગણાવી હતી. આરએસએસે ઉમેર્યું હતું કે, ચોક્કસ સમય મર્યાદા પછી રોહિંગ્યા શરણાર્થીઓને પરત મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ.

તેઓએ કહ્યું કે, એ બાબત વિચારવી જોઈએ કે તેઓને મ્યાનમારમાંથી શાથી કાઢવામાં આવ્યા છે. કોઈપણ સરકાર દુનિયાના નકશા પર બિનજરૂરી આ પ્રકારનું કદમ ઉઠાવે નહીં. તેથી, મ્યાનમાર સરકારને અનુભવ થયો કે તેઓના કારણે સમસ્યા ઉભી થઇ રહી છે ત્યારે તેઓને મ્યાનમારમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેઓને બીજે ક્યાંય આશ્રય ન મળ્યો. તેના પાડોશમાં ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશો હતા. પરંતુ તેઓ કોઈપણ દેશમાં ન ગયા અને ભારતની સીમામાં આવી ગયા. ભારતમાં જે રોહિંગ્યા આવ્યા છે તેઓ ક્યાં વસ્યા છે, તે અંગે પણ વિચાર કરવો જોઈએ. તેઓ મોટા પ્રમાણમાં જમ્મુ અને હૈદરાબાદમાં વસવાટ કરે છે. કોઈપણ દેશનિકાલ આવે તો, ભારતની પરંપરા રહી છે કે તેઓને આશ્રય આપે. પરંતુ આવનારા તત્વો કેવા પ્રકારના છે તે સમજ્યા વગર તેને આશ્રય આપવામાં આવે તો જોખમ ઉભું થઇ શકે છે.

તેઓએ વધુમાં કહ્યું કે, આવનારા લોકોના આધાર કાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ બની ગયા છે. એટલે તેનો અર્થ છે કે તેઓ અહીં આશ્રય લેવા માટે નથી આવ્યા પરંતુ કોઈ પૂર્વ આયોજન, ષડ્યંત્રને કારણે ભારતમાં વસવાટ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

કમનસીબી છે કે વ્યવસ્થામાં એ પ્રકારની કોઈ યોજના નથી જેના દ્વારા તેઓને પકડી પાડવામાં આવે. જોશીએ વધુમાં કહ્યું કે, દેશમાં જે લોકો રોહિંગ્યાનું સમર્થન કરી રહ્યા છે તેઓની પૃષ્ઠભૂમિની પણ ચકાસણી કરવી જરૂરી છે.

error: Content is protected !!