સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે ડૂબ્યો, સરિસૃપો આવી ચડયા, પાણી જવા દેવા વાસણા બેરેજના તમામ દરવાજા ખોલાયા

અમદાવાદ, દેશગુજરાત: ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ એકથી દોઢ લાખ કયુસેક પાણી આજે બપોરે બાર વાગ્યાની આસપાસ અમદાવાદના સુભાષબ્રીજ ખાતે આવી પહોંચતા સાબરમતી રિવરફ્રન્ટનો બંને બાજુનો વોકવે નદીના વહેતા પાણીના પ્રવાહમાં ગરકાવ થઇ ગયો હતો. વોકવે પર નદી કિનારે બેઠકનો ટેકો દેવા માટે બનાવેલી આખી રેલીંગ પાણીમાં ડૂબી ગઇ હતી.

રિવરફ્રન્ટના વોકવે પર નદીના પાણી ફરી વળતા રિવરફ્રન્ટની ઉપર તરફ આવેલા પાર્કને જાહેરજનતા માટે બંધ કરવામાં આવ્યો છે. સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટના નીચલા ભાગ એટલે કે વોકવેને સોમવારે સાંજે જ જાહેરજનતા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

ચંદ્રભાગા પુલની ઝૂંપડપટ્ટી જે વાડજ ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાય છે તેને ખાલી કરવામાં આવી છે. આ ઝૂંપડપટ્ટી સાબરમતી નદીની ઉપરી સપાટીથી નીચેના ભાગમાં આવેલી છે. ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે ધરોઈ ડેમમાંથી એકથી દોઢ લાખ ક્યુસેક કે તેથી વધુ પાણી છોડવામાં આવ્યું ત્યારે આ ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.

Sabarmati-Riverfront-Ahmedabad 2

મહાનગરપાલિકાના કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે, નદીની સપાટીમાં 8 ફૂટનો વધારો થયો છે અને સપાટીમાં વધુ 8 ફૂટનો વધારો થવાની શક્યતા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીમાંથી પાણી છોડવા માટે સોમવારથી જ વાસણા બંધના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

મંગળવાર સાંજ સુધીમાં ફરી એક વખત નદીની સપાટી પૂર્વવત થાય તેવી શક્યતા છે. જોકે તેનો આધાર ઉપરવાસમાં પડતા વરસાદ પર રહેશે.

એક વખત પાણી ફરી જૂની સપાટીએ આવી જાય ત્યાર પછી પણ જો કે સાબરમતી રિવરફ્રન્ટ જાહેરજનતા માટે એકાદ બે દિવસ સુધી કે વધુ સમય માટે બંધ રહી શકે છે કારણ કે નદીના પાણી ઓસરી ગયા પછી વોકવે પર પુષ્કળ સફાઈ કામગીરી કરવાની થશે જે પછી જ તેને ખુલ્લો મુકી શકાશે.

દરમિયાન રિવર ફ્રન્ટ પર પાણીના પ્રવાહ સાથે સાપ પણ તણાઇ આવ્યા હતા અને તે વોકવે પર અને કચરાપેટી પર આશરો લેતા જોવા મળ્યા હતા.

Sabarmati-Riverfront-Ahmedabad 3

Sabarmati-Riverfront-Ahmedabad 4

error: Content is protected !!