હમ સાથ સાથ હૈઃ ફિલ્મ ચાલી નહીં પણ કાળિયાર મારવાનો કેસ વીસ વર્ષ ચાલ્યો, સલમાન દોષિત

 જોધપુર, દેશગુજરાત: જોધપુર કોર્ટના ચીફ જુડીશીયલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ આજે (ગુરુવારે) વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં પોતાનો ચુકાદો આપતા ફિલ્મ કલાકાર સલમાન ખાનને દોષિત ઠેરવ્યો છે. સલમાન વાઇલ્ડલાઇફ એક્ટની જે કલમ હેઠળ દોષિત ઠર્યો છે તે અંતર્ગત તેને વધુમાં વધુ છ વર્ષની સજા થઇ શકે છે. કોર્ટ સલમાનને ત્રણ વર્ષથી ઓછી સજા સંભળાવે તો સલમાન ખાનને કોર્ટમાંથી જામીન મળી જશે. પરંતુ જો સજા ત્રણ વર્ષથી વધુ હોય તો તેણે આજે જ જેલમાં જવું પડશે અને બાદમાં જામીનની અપીલ કરી શકશે. બેઉ કિસ્સામાં સલમાન ખાનના વકીલ ઉપરી કોર્ટમાં અપીલ કરશે એ તો નિશ્ચિત છે.

બાવન વર્ષીય સલમાન ખાન સિવાયના અન્ય કલાકારો કે જે સૌ આજે કોર્ટમાં હાજર રહ્યા હતા – સૈફ અલી ખાન પટૌડી, તબત્સુમ ઉર્ફે તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે, કલાકારોની સાથે હતા તેવા દુષ્યંત સિંઘ અને સલમાન ખાનનો સહાયક દિનેશ ગવારે આ કેસમાં પૂરતા પુરાવાના આધારે શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. 1998માં હિંદી ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન આરોપીઓ જોધપુર નજીક ભગોડા કી ધાણી ગામમાં બે કાળિયારનો શિકાર ઓક્ટોબર 1ની રાત્રિએ કરી આવ્યા હતા. ફિલ્મ ચાલી ન હતી પરંતુ તેના શૂંટિગ દરમિયાન થયેલા કાળિયારના શિકારનો કેસ વીસ વર્ષ ચાલ્યો જેના અંતે આજે સજા સંભળાવવામાં આવી છે.

error: Content is protected !!