સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા, ગુજરાતમાં ખેતી અને પીવાના પાણીની જરૂરિયાત છ વર્ષ સુધી પૂરી કરી શકાશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમના જન્મદિવસ એટલે કે રવિવારે તા.૧૭મી સપ્ટેમ્બરે ગુજરાતની નવી ભાગ્યરેખા કંડારનારા સરદાર સરોવર પ્રોજેક્ટના રાષ્ટ્રાર્પણ માટે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે પધારી રહ્યા છે, ત્યારે આવો જાણીએ આ પ્રોજેક્ટ કઇ રીતે સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહેશે.

ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે સને ૧૯૪૬ માં સેવેલુ સ્વપ્ન જ્યારે આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટ ખાસ કરીને પશ્ચિમ ભારતની હરીયાળી ક્રાંતિ માટે નવુ સીમાચીન્હ સાબિત થશે.

પૂણ્યસલિલા મા નર્મદા નદીમાંથી વધારાનું વહી જતી જળરાશીનો પ્રજાકલ્યાણ અર્થે ઉપયોગ કરવાની દિશામાં ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થનારા આ પ્રોજેક્ટને કારણે સરદાર સરોવરમાં ૩.૭૫ ગણી વધારાની પાણીની સંગ્રહ ક્ષમતા વધશે. જેને કારણે અહીંના જળાશયોમાં ૩.૪૬ મિલિયન એકર ફૂટ વધારાનું જળ સંગ્રહી શકાશે.

પ્રતિવર્ષ ૪,૨૬,૭૮૦ કરોડ લીટર નર્મદા નીર કે જે વ્યર્થ જ દરિયામાં વહી જતુ હતું, તેને નાથીને ગુજરાતના સર્વાંગીણ વિકાસમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. સરદાર સરોવર ડેમની મહત્તમ ઊંચાઇ ૧૩૮.૬૮ મીટરે પૂર્ણ થતાં હવે અહીં કુલ ૪.૭૩ મિલિયન એકર ફૂટ જળરાશી સંગ્રહી શકાશે. જેને કારણે અહીં ૧૪૫૦ મેગાવોટ વીજળીનું પણ ઉત્પાદન થશે.

ગુજરાતના ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભૂતકાળમાં પીવાના પાણીની કારમી તંગી સર્જાતી હતી. ભયાનક ભૂતકાળ તરફ નજર કરીએ તો સને ૨૦૦૦ની સાલમાં પીવાના પાણીની એક સ્પેશ્યલ ટ્રેન પણ રાજકોટ સુધી દોડાવવી પડી  હતી. તો સને ૧૯૯૯ થી ૨૦૦૩ ના ચાર વર્ષો દરમિયાન સૌથી વધુ ૨૪૫૩ જેટલા પાણીના ટેન્કરો પણ દોડાવાયા હતા.

આ ભયાવહ  પરિસ્થિતિમાંથી સરદાર સરોવર પ્રોજેક્ટ સાકાર થતા, કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના ૮૨૨૧ ગામો, ૧૫૯ શહેરો, અને ૮ મહાનગરોના પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડી શકાશે.

સરદાર સરોવર પ્રોજેક્ટના સુગ્રથિત માળખાને કારણે ગુજરાતની સુકી નદીઓ અને તળાવોને પણ પુનઃજીવીત કરીને તેની આસપાસની માનવ વસાહતો, માનવ સભ્યતા, સંસ્કૃતિને નવપલ્લવિત કરવાનો આયામ હાથ ધરાયો છે.

સરદાર સરોવર પ્રોજેક્ટને કારણે રાજ્યના ૧૭ જિલ્લાઓના ૭૯ તાલુકાઓના ૩,૧૨૫ ગામોના ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે. જેનો લાભ આ વિસ્તારના ૧૦ લાખથી વધુ ખેડૂતોને થશે.

આ ઉપરાંત ૩૦ હજાર હેક્ટર  વિસ્તારને પૂર નિયંત્રણનો પણ લાભ મળશે. જયારે દસ લાખ ઉપરાંત લોકોને સીધી કે આડકતરી રોજગારી પણ ઉપલબ્ધ થશે.

નર્મદાના નીર થકી ગુજરાતના કિસાનોની આવકમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ નોંધાઇ છે. સને ર૦૦૧ માં ગુજરાતનું કૃષિ ઉત્પાદન ૯ હજાર કરોડ હતું. જે નર્મદા નીરને કારણે વધીને ૧ લાખ કરોડે પહોંચી ચુક્યું છે.

વર્ષે એક જ પાક લેતા અહીંના ધરતીપુત્રો બે-ત્રણ પાક લેતા થયા છે. જેના કારણે ખેડૂતોની સમૃદ્ધિ વધી છે.

રાજ્યમાં નર્મદા સિવાયના નાના મોટા જળાશયોની પાણીની સંગ્રહશક્તિ ૧૫૦૦૦ મિલિયન ઘન મીટર છે. જેની સામે સરદાર સરોવરની જળરાશી સંગ્રહશક્તિ ૪૫૬૦ મિલિયન ઘન મીટર છે. જે ગુજરાતના કુલ જળાશયોની સંગ્રહશક્તિના લગભગ ૨૫ ટકાથી વધુ ક્ષમતા દર્શાવે છે.

રાજ્યમાં ૧૨૫ લાખ હેક્ટર ખેત વિસ્તાર છે. જેમાં ૬૦ લાખ હેક્ટર વિસ્તાર વરસાદી પાણી ઉપર નિર્ભર છે. બીજી સિંચાઇ યોજનાઓ, અને ભૂગર્ભ જળ તથા સરફેસ વોટરથી ૪૦ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. તેની સામે ૧૮ લાખ હેક્ટર જમીનમાં માત્ર નર્મદાના નીરથી ખેતી કરવામાં આવી રહી છે.

ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા બાદ, ગુજરાતમાં ખેતી તથા પીવાના પાણીની જરૂરિયાત છ વર્ષ સુધી પૂરી કરી શકાશે.

વીજ ઉત્પાદનની વાત કરીએ તો નર્મદાના મુખ્ય વીજ મથક ખાતે ૨૦૦ મેગાવોટના ૬ ભૂગર્ભ યુનિટ, જેની કુલ ક્ષમતા ૧૨૦૦ મેગાવોટ, તેમજ નર્મદા કેનાલના મુખ ઉપર ૫૦ મેગાવોટના ૫ યુનિટ દ્વારા ૨૫૦ મેગાવોટની દૈનિક વીજ ઉત્પાદન ક્ષમતા છે. જેમાં હાલ ૧૨૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરી શકાય છે. જેના દ્વારા આજદિન સુધી ૪૫૦૦ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરાયુ છે.

યોજના પૂર્ણ થતાં જળવિદ્યુત મથકો તેની પુરી ક્ષમતા સાથે વીજ ઉત્પાદન કરી દૈનિક ૧૪૫૦ વીજ ઉત્પાદન કરી શકશે. જેનાથી જળવિદ્યુત મથકની ઉત્પાદન ક્ષમતામાં ૩૦ ટકા જેટલો વધારો થશે. આ વીજ ઉત્પાદનનો લાભ ગુજરાત સહિત આસપાસના રાજ્યોને પણ થશે. અંદાજીત ૬૫ હજાર કરોડના ખર્ચવાળા સરદાર સરોવર પ્રોજેક્ટના રાષ્ટ્રાર્પણ સાથે અહીં દેશના કર્મઠ ઇજનેરો, કર્મશીલ શ્રમજીવીઓ,  કર્મયોગીઓના પ્રસ્વેદની પરાકાષ્ઠા પણ આલેખાશે.

સાથે સાથે ગુજરાત સહિત દેશભરમાંથી અહીં આવતા સહેલાણીઓ ગુજરાતની આ ગૌરવગાથાને જોવા, જાણવા અને સમજનો પ્રયાસ કરશે. શિક્ષણવિદો, બુદ્ધિજીવીઓ અને સુજ્ઞજનો માટે ગુજરાતની નવી ભાગ્યરેખા કંડારતો આ પ્રોજેક્ટના અભ્યાસનું પણ કારણ બની રહેશે.

error: Content is protected !!