‘‘બંગાળ બચાવો – લોકતંત્ર બચાવો’’

ગાંધીનગર:પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યાનુંસાર, આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાળના કોલકત્તામાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના રોડ-શો ઉપર મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા થયેલા હિચકારા હુમલાના વિરોધમાં અમદાવાદ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો.

આ ધરણા કાર્યક્રમમાં મીડિયા સાથેના સંવાદમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહાનગર પ્રભારીશ્રી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, લોકસભા – ૨૦૧૯ ચુંટણીપર્વ ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રજાનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ ભાજપાને મળી રહ્યો છે તે જોઈને તમામ વિરોધપક્ષો હાર ભાળી ગયા છે. આવા જ સમયે પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના રોડ-શો ઉપર મમતા બેનરજીના ઈશારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ હિચકારો હુમલો કરીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું છે. આ હિચકારા હુમલાના વિરોધમાં ‘‘પશ્ચિમ બંગાળ બચાવો – લોકશાહી બચાવો’’ અને ‘‘દેશ બચાવો’’ ના નારા સાથે વિશાળ સંખ્યામાં ભાજપાના કાર્યકરોએ ઉપસ્થિત રહી લોકશાહીની આ કલંકરૂપ ઘટનાના વિરોધમાં ધરણા કર્યા હતા.
વધુમાં શ્રી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય ઈતિહાસના ધરોહર એવા કેળવણીકાર અને સમાજસુધારક શ્રી ઈશ્વરચંદ વિદ્યાસાગર કે જેમણે મહિલાઓના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. આવા મહાપુરુષના પૂતળાને તોડીને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ પર વજ્રાઘાત કર્યો છે. જેને પશ્ચિમ બંગાળની જનતા કદાપી માફ કરશે નહિ.

પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા શ્રી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોના આવા હીન કૃત્યથી દેશના ઈતિહાસમાં કાળો અધ્યાય લખાયો છે. જેને દેશની જનતા કદી માફ કરશે નહિ. આવનારી ૨૩ મે, ૨૦૧૯ લોકસભાની પરિણામોમાં પ્રજા તેમને તેનું સ્થાન બતાવી દેશે.

આ ધરણા કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ પંચાલ, મેયર શ્રીમતી બીજલબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અમુલભાઈ ભટ્ટ સહિત શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, બોર્ડ/નિગમના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!