સાવલી અને ડેસર તાલુકાના ખેડૂતોને આરોગ્યને હાનિકારક તમાકુની ખેતી છોડવા અને વૈકલ્પીક પાકોનું માર્ગદર્શન આપવામાં આવ્યુ

વડોદરા : ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (આર.કે.વી.વાય.) હેઠળ વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર તાલુકાઓમાં તમાકુની ખેતીનો વિસ્તાર ઘટાડીને ખેડૂતોને અન્ય વૈકલ્પિક પાકો તરફ વાળવા અને આરોગ્યને હાનિકારક ખેતીથી આ બંને તાલુકાઓને મુક્ત કરાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા યોજવામાં આવેલા પાકની ફેરબદલી અને વિવિધીકરણ કૃષિ મેળામાં તમાકુના વિકલ્પે બાગાયતી ફળ પાક અને શાકભાજીની ખેતી, સજીવ ખેતી અને સાત્વીક પશુપાલનના વિકલ્પો અને લાભોનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકાના વિવિધ ગામોના અંદાજે ૧૫૦૦થી વધુ ખેડૂતોએ આ કૃષિ મેળાનો લાભ લીધો હતો.

સાંસદ રંજનબહેન ભટ્ટ તથા ધારાસભ્ય કેતન ઇનામદારે તમાકુની ખેતીને તિલાંજલિ માટેના આ કૃષિ મેળાનો, જિલ્લા વિકાસ અધિકારીકિરણ ઝવેરી, આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના તજજ્ઞો અને પ્રગતિશીલ ખેડૂતોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. બંને મહાનુભાવોએ કહ્યું કે, ખેડૂતો સકારાત્મકતા દાખવીને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા રહે અને પરંપરાગત પાકોના લાભદાયક વિકલ્પો અપનાવીને તથા અદ્યતન અને વૈજ્ઞાનિક ખેત પરંપરાઓ અપનાવીને ખેતી કરે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે લેબ ટુ લેન્ડના અભિગમ હેઠળ કૃષિ વિશ્વવિદ્યાલયોના સંશોધનો અને વૈજ્ઞાનિકોના જ્ઞાનનો ખેડૂતોને લાભ મળે એવું સંકલન કર્યું છે. જેનો મહત્તમ લાભ ઉઠાવીને પ્રગતિશીલ ખેતી કરે એ સમયની માંગ છે.

શિનોર તાલુકાના બાવળીયા ગામના વનરાજસિંહ તથા ડેસર તાલુકાના ધરમપુરના  બદ્રીએ શુદ્ધ, સાત્વીક અને સજીવ ખેતી તથા પશુપાલન દ્વારા આવક કેવી રીતે માત્ર બમણી નહીં પણ ચાર ગણી થઇ શકે એની વિગતવાર જાણકારી, પોતાના સફળ પ્રયોગોના આધારે આપી હતી. તેમણે ગાય આધારીત ખેતી, ખેત ઉત્પાદનોનું ગ્રેડીંગ, પ્રોસેસીંગ, ગોબર અને મૂત્રનો પોષક તત્વો અને જંતુનાશકો તરીકે ઉપયોગ, વિશ્વમાં સજીવ ખેતીના ઉત્પાદનોની વધતી જતી માંગ, ઘરઆંગણે સજીવ ખેતીના પાકોનું બજારભાવ કરતાં પણ સારા ભાવે વેચાણ ઇત્યાદીનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાફલ્ય ગાથાઓથી સહુ પ્રભાવિત થયા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ પશુપાલન નિયામકે પશુપાલન અને સાત્વીક દૂધ ઉત્પાદન, બાગાયત અધિકારીએ તમાકુના વિકલ્પે બાગાયતી ફળપાકો, શાકભાજીની ખેતીના લાભદાયક વિકલ્પો, વેલ્યુ એડીશનના લાભોની જાણકારી આપી હતી.

error: Content is protected !!