ડિજિટલ ગુજરાત : રાજ્યમાં 11.93 લાખ વિદ્યાર્થીઓને 147.86 કરોડની શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય ડી.બી.ટી. દ્વારા જમા કરાવાઇ

ગાંધીનગર: આદિજાતિ મંત્રી ગણપત વસાવા અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે કહ્યું છે કે, ડિજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાતે અનેકવિધ નવા આયામો હાથ ધરીને દેશને નવો રાહ ચિંધ્યો છે. ત્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિ, બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ અને શિષ્યવૃત્તિ સહાય સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

આજે (મંગળવારે) આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા અને આદિજાતિ રાજ્ય મંત્રી રમણ પાટકરની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના ૧૧.૯૩ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૧૪૭.૮૬ કરોડની શિષ્યવૃત્તિ સહાય તેમના બેન્ક ખાતામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડી.બી.ટી.)થી જમા કરાવવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતાં મંત્રીઓએ કહ્યું કે, પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા અને સંવેદશનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જરૂરિયમાતમંદોને લાભો સીધા જ પ્રાપ્ત થાય તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. તેના પરિણામે રાજ્યમાં વચેટીયા પ્રથા સદંતર બંધ થઇ છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિ, બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in મારફત ઓનલાઇન દરખાસ્તો મંગાવી શિષ્યવૃતિ મંજુર કરવાની કામગીરી વર્ષ ૨૦૧૮-૧૯માં હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજયની શાળાઓમાં અભ્યાસ કરતાં આ વિદ્યાર્થીઓને ધોરણ-૧ થી ૧૦માં શિષ્યવૃત્તિ અને ધોરણ-૧ થી ૮માં ગણવેશ સહાય આપવાની યોજનાઓ અમલમાં છે.

મંત્રીઓએ કહ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં ધો ૧ થી ૮ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં વાર્ષિક રૂ. ૩૦૦/- નો વધારો કરેલ હોવાથી હવે વાર્ષિક રૂ.૬૦૦/- ગણવેશ સહાય ચૂકવવામાં આવતી હોય ચાલુ વર્ષે પ્રિમેટ્રીક શિષ્યવૃતિ અને ગણવેશ સહાય યોજનામાં અંદાજે રૂ. ૭૫૦.૦૦ કરોડ જેવી માતબર રકમ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે. આમ શિષ્યવૃતિ અને ગણવેશ સહાય સત્વરે ચૂકવવા પુરેપુરૂ
આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.

તેઓએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં SC/ST/OBC તમામ કેટેગરીના કુલ ૪૩.૯૪ લાખ વિદ્યાર્થીઓની રૂ. ૫૪૦.૮૧ કરોડ શિષ્યવૃતિ અને ગણવેશ સહાય મંજુર કરવામાં આવી છે જે પૈકી તા: ૨૨/૧૦/૨૦૧૮ સુધી રાજ્યમાં કુલ ૨૭.૮૮ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૩૩૦.૫૧ કરોડ તેઓના બેંક ખાતામાં DBT મારફત જમા કરાવવામાં આવી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રિમેટ્રીક શિષ્યવૃતિ અને ગણવેશ સહાય યોજનાઓમાં ૬૦.૦૦ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૬૦૦.૦૦ કરોડ અને ધોરણ ૧૧- ૧૨ થી કોલેજ કક્ષામાં અભ્યાસ કરતા ૭.૦૦ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજનાઓમાં રૂ. ૫૯૫.૦૦ કરોડની શિષ્યવૃતિ મળીને કુલ રૂ. ૧૧૯૫.૦૦ કરોડ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર DBT થી ચૂકવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિષ્યવૃતિ અને ગણવેશ સહાય યોજનામાં સરકાર દ્વારા લાભાન્વિત વિદ્યાર્થીઓને આચાર્યએ કરેલ દરખાસ્તમાં વિદ્યાર્થી કે તેના પિતા/વાલીના બેંક ખાતામાં સીધી જ સહાયની રકમ જાય તે માટેની પારદર્શિ પદ્ધતિ અપનાવી ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(DBT) હેઠળ સહાયની રકમ જમા કરવામાં આવેલ છે. આ જમા થયેલ રકમ શાળાના આચાર્ય પણ ઓનલાઇન ચકાસી શકે છે. રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિ, બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સતત ચિંતિત રહીને પૂરતી સંવેદના સાથે રાજ્યના તમામ વર્ગોના વિદ્યાર્થીઓને પ્રિ-એસ.એસ.સી. શિષ્યવૃતિ અને ગણવેશ સહાય સમયસર ચૂકવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!