શર્મિષ્ઠા તળાવ વડનગરનો આત્મા છે, તેના ઉપર હેગીંગ બ્રીજનું નિર્માણ કરાશે : મોદી

વડનગર: નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા પછી સૌ પ્રથમવાર માદરે વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા. વડનગરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરીને તેમણે કહ્યું હતું કે, વડનગરવાસીઓએ મને અપાર પ્રેમ આપ્યો છે. હું માથું ઝુકાવીને તમને અને વડનગરની ધરતીને હ્રદયપૂર્વક નમન કરૂ છું. વતનની નવી ઉર્જા લઇને હું પહેલાં કરતાં પણ વધુ મહેનત-વધુ પુરૂષાર્થ કરીને દેશના વિકાસ માટે કોઇ કમી રાખીશ નહી.

પુરાતત્વીય ઐતિહાસિક નગરી-વડનગર અનેક વિરાસત ધરાવે છે, ૨૫૦૦ વર્ષ પહેલાં આ નગરીનું નામ આનંદપુર હતું. વડનગરને વિકસાવી પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બનાવાશે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ વડનગરના આત્મા સમાન શર્મિષ્ઠા તળાવ ઉપર હેંગીગ બ્રીજનું નિર્માણ કરવાની નેમ વ્યકત કરી હતી.

અટલ બિહારી બાજપેયીની સરકાર બાદ ૧૫ વર્ષ પછી કેન્દ્ર સરકારે હેલ્થ પોલીસી બનાવી છે. આ પોલીસીને બળ આપવા વર્તમાન
સરકારે સમગ્ર દેશમાં ચાર લોકસભા બેઠક વિસ્તાર વચ્ચે એક મેડિકલ કોલેજ સ્થાપવાનો નિર્ધાર કર્યો છે, વડાપ્રધાન મોદીએ રવિવારે
વડનગરમાં મેડિકલ કોલેજના લોકાર્પણ પ્રસંગે આ જાહેરાત કરી હતી.

મેડિકલ કોલેજમાં ઉત્તમ ડૉક્ટરો તૈયાર કરવા ઉત્તમ પ્રોફેસરોની જરૂર પડે છે. મેડિકલ કોલેજમાં શ્રેષ્ઠ પ્રોફેસરો ઉપલબ્ધ થાય તે હેતુથી
કેન્દ્ર સરકારે આ વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) બેઠકોમાં ૬૦૦૦ નો વધારો કરીને દેશની મેડિકલ કોલેજોને શ્રેષ્ઠ પ્રોફેસરો આપવાનો પ્રયાસ કર્યો છે, તેમ પણ વડાપ્રધાને ઉમેર્યું હતું.

મોદીએ રૂ.૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ મેડીકલ કોલેજ તથા હિંમતનગર હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું હતું કે, આરોગ્યની ગેંરંટી માટે સ્વચ્છતા અનિવાર્ય છે. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતે જનઆંદોલન દ્વારા ખુલ્લામાં શૌચમૂક્તિના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા છે. ૧૯૮૫થી રસીકરણના અગત્યના કાર્યક્રમો માત્ર સરકારી ઢબે ચાલતા હતા, ૧૫ વર્ષ પછી કેન્દ્ર સરકારે હેલ્થ પોલીસી બનાવીને રસીકરણથી વંચિત બાળકોનના રસીકરણ માટે અભિયાન આરંભ્યું છે ત્યારે લોકો આ આરોગ્ય અભિયાનને પોતાના કાર્યક્રમ તરીકે સ્વીકારીને એક જનઆંદોલન બનાવશે તો બાળકોની તબીબી સુરક્ષાની સેવા કર્યાનો સંતોષ થશે, એમ કહીને મોદીએ કહ્યું કે, દેશના તબીબોએ આ આહવાન સ્વીકારીને દર માસની ૯મી તારીખે ગરીબ પ્રસુતા માતાઓને ફ્રી સેવા આપીને ૮૫ લાખ મહિલાઓને મફત દવા અને તબીબી સારવાર આપી છે. છેલ્લા ત્રણ વર્ષમાં માતા અને બાળકોના મૃત્યુદરમાં ઝડપી ઘટાડો થયો છે.

વડાપ્રધાન મોદીના હસ્તે બાળકને રસીકરણનો ડોઝ પીવડાવીને મિશન ઇન્દ્રધનુષ સઘન રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત મહિલા કર્મચારીઓને ઇ-ટેબ્લેટ વિતરણ તથા આરોગ્યલક્ષી પોસ્ટર અને માહિતી પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત માદરે વતન આવતાં તેમને આવકારવા ગુંજા ગામથી વડનગર સુધીના માર્ગો પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાને વડનગરમાં આવેલી પોતાની શાળાની મુલાકાત લીધી હતી તેમજ વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા હતા.

મોદીના હસ્તે વડનગર ખાતે રૂ.૬૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ તથા હિંમતનગર ખાતે રૂ.૬૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલ, રૂ.૯૨.૮૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વડનગર સેવા સદન તથા રૂ.૫.૪૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટાઉનહોલ અને બેન્કવેટહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત રૂ.૨૮ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ.૨૩ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર સાયન્સ કોલેજ, રૂ.૩.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઋષિ આરાનું પણ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. વડનગરમાં રૂ.૧૦.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસ ટર્મિનલનું લોકાર્પણ પણ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડનગરની ધરતી પર આવીને ભાવ વિભોર બનેલા કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ કહ્યું હતું કે,  વડનગરમાં નિર્માણ પામેલ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ થકી નગરની રોનક બદલાઇ જશે.આસપાસના ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ ઝડપથી મળી રહેશે. વડનગરના આંગણેથી આરંભાયેલ મિશન ઇન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમની વિગતો આપતાં મંત્રી
નડ્ડાએ કહ્યું હતું કે, આજથી દેશના ૧૮ જિલ્લા અને શહેરી વિસ્તારો અને પર ઉત્તર પૂર્વીય રાજ્યોના ૫૨ જિલ્લાઓમાં સઘન મિશન ઇન્દ્રધનુષ રસીકરણ કાયર્ક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને ભાવનગર જિલ્લામાં પણ મિશન ઇન્દ્રધનુષ રસીકરણના કાર્યક્રમનો આરંભ થયો છે. આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના ૧૩ લાખ બાળકો અને ૧૪ લાખ સગર્ભા સ્ત્રીઓને રસીકરણ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, વડનગરમાં નવી સરકારી મેડીકલ કોલેજ શરૂ થતાં ગુજરાતની આ કુલ આઠમી સરકારી કોલેજની શરૂઆતથી ઉત્તર ગુજરાતની ગ્રામીણ પ્રજાને આરોગ્ય અને શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસના પ્રવાસ દરમિયાન રૂ.૧૨ હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. મોદીએ વિકાસની રાજનીતિ કરીને વિરોધપક્ષોના મૂળીયા ઉખેડી નાખ્યા છે. મુખ્યમંત્રીએ વડનગરમાં ટૂંક સમયમાં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના તમામ પ્રાણપ્રશ્નોનો નિકાલ થયો છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત સઘન રસીકરણ કાર્યક્રમના શુભારંભ થતાં દેશનું એક પણ બાળક રસીકરણથી વંચિત રહેશે નહી. બાળકો અને સ્ત્રીઓ માટે આરોગ્ય સેવાઓ દેશના ગામડા અને અંતરિયાળ વિસ્તારમાં ખૂણે ખુણે પહોંચશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન થયા બાદ નરેન્દ્રભાઇ મોદી સાડા ત્રણ વર્ષ જેટલા સમય બાદ માદરે વતન આવ્યા છે. તે ઉત્તર ગુજરાત અને વડનગરવાસીઓ માટે ગૌરવની વાત છે. તેઓ રાજ્યમાં ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રીપદે હતા ત્યારે તેમણે રાજ્યનો સર્વાંગી વિકાસ કર્યો છે. આરોગ્ય લક્ષી સેવાઓ અને શિક્ષણને તેમણે હમેશાં પ્રાધાન્ય આપ્યું છે. માદરે વતન આવતાં દેશના વડાપ્રધાનને આવકારવા માટે વડનગર સહિત આસપાસના ગ્રામજનો હિલોડે ચઢ્યા છે, તેવું જણાવી ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી  શંકરભાઇ ચૌધરીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. હવે ગુજરાતને પડતી અન્યાયની થપ્પડો બંધ થઇ છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે
આજે નવા યુગનો આરંભ થયો છે. હાલમાં રાજ્યમાં મેડીકલ, ડેન્ટલ, ફીઝીયોથેરાપી, આયુર્વેદ કોલેજો અને બેઠકોમાં અનેકગણો વધારો થયો છે. આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ આપતી વિવિધ સંસ્થાઓની બેઠકો વધતાં ગુજરાતના યુવાનોને બહારના રાજ્યમાં અભ્યાસ કરવા જવાની જરૂર પડતી નથી. વડાપ્રધાનનું વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, સાંસદ જયશ્રીબહેન પટેલ, ધારાસભ્ય નારાયણભાઇ પટેલ, રજનીભાઇ પટેલ, ઋષિકેશભાઇ પટેલ, સંસદીય સચિવ ભરતસિહ ડાભી અને પુર્ણશ મોદી સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

વડનગરમાં વડાપ્રધાન  મોદીના કાર્યક્રમના મુખ્ય અંશો

–  વડાપ્રધાન મોદી હેલીકોપ્ટરથી વિસનગર તાલુકાના ગુંજા ગામે સવારે ૯-૪૫ કલાકે આવી પહોંચતા ગુંજાથી વડનગર ખાતેના ભવ્ય રોડ શોમાં માનવમેદની ઉમટી પડી હતી.
–  વડાપ્રધાન મોદીના રોડ શો વખતે પ્રજાએ ગુલાબો અને ગુલાલ ઉડાડી અભિવાદન કર્યું હતું
– વડાપ્રધાન મોદીએ વડનગર ખાતે ગાડીમાંથી નીચે ઉતરી તમામ પ્રોટોકોલ તોડીને પગે ચાલીને પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું.
– માદરે વતન વડનગરની ધરતી પર પગ મુકતાંની સાથે જ વડાપ્રધાન મોદીએ વડનગરની ધરતીને નમન કર્યા હતા.

–  વડનગરના હાટકેશ્વર મંદિરમાં મહાદેવજીની પૂજા અર્ચના કરી વડાપ્રધાન મોદીએ આરતી ઉતારી હતી.

–   વડનગર મેડીકલ કોલેજનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ વિવિધ વિભાગોમાં ફરીને વિદ્યાર્થીઓની સુવિધા નિહાળીને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

–  વડાપ્રધાન મોદી વડનગરના સભા સ્થળે ૧૧-૨૫ કલાકે આવી પહોંચતાં વિશાળ જનમેદનીએ ‘મોદી- મોદી’ ના નારાઓ બોલી સ્વાગત કર્યું હતું.

–  સભા સ્થળે વિશાળ જનમેદનીએ ‘વેલકમ નમો’ ની પ્રતિકૃતિનું સર્જન કર્યું હતું.

–  વડાપ્રધાન મોદી પોતાની શાળા બી.એન.હાઇસ્કુલ ખાતે ગયા હતા અને શાળાને નમન કરીને બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા.

–  વડાપ્રધાન મોદીએ વિશાળ જનમેદનીને નમન કરીને આવકારી હતી ત્યારે ધાર્મિક શ્લોક સાથે અભિવાદન કરાયું હતું.

error: Content is protected !!