નોટબંધી બાદ માઓવાદીઓ અને આતંકવાદીઓ નાણા ભીડમાં : અરુણ જેટલી

મુંબઈ, દેશગુજરાત: કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે નોટબંધીને કારણે દેશના અનેક ભાગોમાં માઓવાદીઓ તેમ જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ `નાણાંની ભારે તંગી’ વેઠી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે નોટબંધીથી આતંકવાદગ્રસ્ત રાજ્યમાં પથ્થરમારો કરતા દેખાવકારોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. ડીમોનિટાઈઝેશન પહેલાં કાશ્મીરની શેરીઓમાં હજારો પથ્થરબાજો એકઠા થયા હતા, પરંતુ ગત 8 નવેમ્બરે થયેલી નોટબંધી બાદ 25 લોકો પણ પથ્થરમારો કરવા જોડાતા નથી.

નોટબંધી બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં માઓવાદીઓને નાણાંની ભારે અછત પડી રહી છે, એમ જેટલીએ જણાવ્યું હતું. મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે યોજેલા કાર્યક્રમમાં જેટલી બોલી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે લશ્કરી દળોએ લીધેલા મક્કમ પગલાંથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર પ્રભુત્વ જમાવી લીધું છે અને કેન્દ્ર સરકાર તો કૃતનિશ્ચય છે કે ત્યાં સશસ્ત્ર બળવાખોરીનો અંત આવે.

કાશ્મીરની પરિસ્થિતિ અંગે વધુમાં સંરક્ષણ પ્રધાન તરીકે જેટલીએ કહ્યું હતું કે અગાઉની સરકારોએ આ પ્રશ્ન ગુંચવેલો છે અને હવે મોદી સરકાર પર વિપક્ષોને કંઇ બોલવાનો જ અધિકાર નથી. અગાઉની સરકારોની નબળી નેતાગીરીના કારણે કાશ્મીરમાં શાંતિ માટે કોઇ મક્કમ નીતિ કે પગલાં જ નથી ભરાયા, માત્ર બહાનાબાજી સિવાય કોઇ કામ નથી થયું. હવે મોદી સરકારે કાશ્મીરમાં શાંતિ અને વિકાસ માટે અનેક પગલાં લીધાં છે અને આતંકવાદને નાથવામાં મોટી સફળતા મળી છે.

આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં જેટલીએ ભાજપ સરકારની ન્યૂ ઇન્ડિયા વિઝનની રૂપરેખા આપતાં કહ્યું હતું કે સરકાર સંરક્ષણ, ગ્રામ્ય વિકાસ અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે વધુને વધુ ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. સરકારના આ કાર્યક્રમ અંતર્ગત આપણે વિશ્વસ્તરીય માળખાગત સંગઠીત વ્યવસ્થાતંત્ર વિકસાવીશું જેથી ઉત્તર પ્રદેશના ગોરખપુરની હૉસ્પિટલમાં બાળકોનાં મૃત્યુ જેવી કમનસીબ ઘટનાઓ ભવિષ્યમાં ન બને.

error: Content is protected !!