ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના 16 એમઓયુ પર હસ્તાક્ષર

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રતિનિધિમંડળની છ દિવસીય ઇઝરાયેલ મુલાકાત દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ અને કૃષિમંત્રી યુરી એરિયલ સહિત પપ જેટલી મુલાકાત બેઠકો યોજીને ઇઝરાયેલ ટેકનોલોજીઝની તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ડિસેલીનેશન પ્લાન્ટસ સહિત એગ્રો ફાર્મિંગની પણ નિરીક્ષણ મુલાકાત ગુજરાત ડેલિગેશન સાથે લઇને
ઇઝરાયેલની સફળતા પ્રત્યક્ષ નિહાળી હતી.

મુખ્યમંત્રીના ઇઝરાયેલ પ્રવાસમાં કૃષિ, વોટર મેનેજમેન્ટ-સ્ટાર્ટઅપ ઇનોવેશન-સ્માર્ટ સિટી જેવા વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના ૧૬ જેટલા MoU પણ ગુજરાતે કર્યા છે. મુખ્યમંત્રીની આ ઇઝરાયેલ મુલાકાત દરમિયાન જળવ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે ઇઝરાયેલ સાથે ત્રણ
મહત્વપૂર્ણ MoU કર્યા છે.

આ MoUના અમલ અને ગુજરાતમાં નક્કર કાર્યઆયોજન માટે હાઇપાવર કમિટીની રચના કરવામાં આવી છે. આ હાઇલેવલ કમિટીમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પાણી પુરવઠા રાજ્ય મંત્રી પરબત પટેલ, કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ મુખ્યસચિવ જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવઓ એમ. એસ. ડાગુર, અરવિંદ અગ્રવાલ, સંજય પ્રસાદ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, અગ્રસચિવ મનોજકુમાર દાસ, પાણી પુરવઠા અગ્રસચિવ જે. પી. ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર તેમજ ગૃહ સચિવ મનોજ અગ્રવાલ અને પશુપાલન સચિવ મહમદ શાહિદ, કૃષિ નિયામક ભરત મોદી, બાગાયત નિયામક વઘાસીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જળ વ્યવસ્થાપન ક્ષેત્ર માટે આ પ્રક્રિયાના ફોલોઅપ-મોનિટરીંગ માટે પાણી પુરવઠા અગ્રસચિવ જે.પી.ગુપ્તાના અધ્યક્ષતામાં એક સબ ગૃપ કાર્યરત થશે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતમાં વોટર મેનેજમેન્ટની ઓનલાઇન સિસ્ટમ હેતુ ઇઝરાયેલની મેકોરોટ સાથે કોલોબેરેશન કરીને રાજ્યમાં જળ વિતરણ-જળ વ્યવસ્થાપન સુદ્રઢ બનાવવા અંગે MoU થયા છે. મેકોરોટ ઇઝરાયેલ સરકારની જળ વ્‍યવસ્‍થાપન માટેની રાષ્‍ટ્રીય કંપની છે.

આ કંપની વિશ્વની વોટર મેનેજમેન્ટ ક્ષેત્રની ૧૦ અગ્રેસર કંપનીઓ પૈકીની એક છે. મેકોરોટની ઓનલાઇન વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, ગ્રીડ મેનેજમેન્ટ વોટર સપ્લાયના ડેટા એકવીઝેશન અને સુપરવાઇઝરી કંટ્રોલ ક્ષેત્રની તજજ્ઞતાનો ગુજરાતમાં વોટરગ્રીડ માટે પણ ઉપયોગ કરવાની દિશામાં આ મુલાકાત ફળદાયી બની છે. મુખ્યમંત્રીએ ઇઝરાયેલની વિશ્વકક્ષાએ આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડતી IDE ગૃપની પણ મુલાકાત લઇને ગુજરાતમાં ડીસેલીનેશન અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટસમાં આ ગૃપના સહયોગ માટે તેમને નિમંત્રણ પાઠવ્યું હતું.

આ ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન તહલ ગૃપ સાથે પણ ચર્ચા કરી વિનિવેશ માટે આમંત્રિત કરવામાં આવેલ હતા. આ કંપનીઓ વોટર મેનેજમેન્ટ ચેલેન્જીસના સોલ્યુશન્સ ગુજરાતમાં સ્થાનિક સત્તાતંત્રો અને રાજ્ય સરકાર સાથે મળીને પૂરા પાડી શકે તેવી તેમની ઇઝરાયેલ તજજ્ઞતાનો રાજ્યમાં લાભ લેવા અંગેના MoU પણ થયા છે. મુખ્યમંત્રીએ તેમના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇઝરાયેલમાં વિશ્વના સૌથી મોટા ડિસેલીનેશન પ્લાન્ટ સોરેકની ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે નિરીક્ષણ મૂલાકાત લીધી હતી. સોરેકનો આ ડિસેલીનેશન પ્લાન્ટ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવથી ૧પ કિ.મી. દૂર ર૦૧૩થી ૪૦૦ મિલીયન યુ.એસ. ડોલરના રોકાણ સાથે કાર્યરત છે. આ પ્લાન્ટ દૈનિક ૬૬૦ એમ.એલ.ડી. સમૂદ્રના ખારા પાણીને ડિસેલીનેશન કરીને મીઠું પીવાલાયક બનાવે છે.

મુખ્યમંત્રીએ આ પ્લાન્ટની અદ્યતન ટેકનોલોજીનું નિરીક્ષણ કરતાં કહ્યું કે, ઓછા પાણી સંશાધનો અને વિપરીત ભૌગોલિક પરિસ્થિતી વચ્ચે પણ ઇઝરાયેલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલીનેશન વોટરથી પાણીની જરૂરિયાતો સંતોષી છે. તેના આ અનુભવ જ્ઞાન અને ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે ડિસેલીનેશન પ્લાન્ટની ટેકનોલોજીની સહભાગીતા વિકસાવીને ગુજરાતમાં ર૦પ૦ સુધી કોઇ જળ સમસ્યા ન ઉદભવે તેવા કાર્યઆયોજન માટે આ ટેકનોલોજીનો વિનિયોગ કરવા તત્પરતા દર્શાવી હતી.

મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમૂદ્ર કિનારાના વિસ્તારોમાં જળસંકટના કાયમી નિવારણ માટે ૧૦ જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસ સ્થાપવાના અભિગમના સંદર્ભમાં સોરેક ડિસેલીનેશન પ્લાન્ટની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યમાં કરવાની દિશામાં પણ અભ્યાસ કર્યો છે.

રૂપાણીએ ઇઝરાયેલના સૌથી મોટા શેફડેન રિજીયનના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લઇ ઇઝરાયેલની નેચરલ વોટરની મર્યાદિત રિર્સોસીસ છતાં વેસ્ટ વોટર ટ્રીટ કરીને પાણીની જરૂરિયાત સંતોષી છે તેની વિસ્તૃત વિગતો મેળવી હતી. ઇઝરાયલ ૮પ% વેસ્‍ટ પાણીનો ઉપયોગ કરતો થયો છે, જેથી તેમની ટેકનોલોજીના વ્‍યવસ્‍થાપનથી ગુજરાત ઘણુ મેળવી શકે તેમ છે.

મુખ્યમંત્રીએ જળ વ્યસ્થાપન-ડિસેલીનેશન ક્ષેત્રે કાર્યરત ઇઝરાયલની કંપનીઓને ગુજરાતમાં સ્થપાનારા ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટસ અને ઇન્ડસ્ટ્રીયલ રિજીયનમાં શરૂ થનારા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રોજેકટસમાં સહભાગીતા માટે ઇંજન પાઠવ્યું હતું.

રૂપાણીએ ડિસેલીનેશન પ્લાન્ટની સ્થાપનામાં વીજળીનો મહત્તમ વપરાશ થાય છે ત્યારે સૌર ઊર્જા-સોલાર એનર્જી માટે સોલાર પાર્ક પણ ડિસેલીનેશન પ્લાન્ટ સાથે શરૂ કરવાના હેતુસર ઇઝરાયેલની કંપનીઓને સંયુકત પ્રોજેકટ માટે ઇનવાઇટ કરી છે. આવા સંયુકત પ્રોજેકટમાં સોલાર પાર્કની જે સૌર ઊર્જા મળે તેનો ડિસેલીનેશન પ્લાન્ટમાં ઉપયોગ કરીને વીજળી ખર્ચમાં બચત થઇ શકે તે દિશામાં પણ આ મુલકાત દરમિયાન વિમર્શ થયો હતો.

Related Stories

error: Content is protected !!