અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરતમાં 6 રીજીયોનલ કમિશનર કચેરીઓ ઉભી કરાઇ

ગાંધીનગર: રાજ્યના નાગરિકોને માળખાગત સવલતો પુરી પાડવા તથા તેનો વ્યાપ વધે તેમજ નાગરિકોની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે નગરપાલિકા વહીવટ કમિશનરની નવી જગ્યાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરત ખાતે નવી છ રીજીયોનલ કમિશનર કચેરીઓ ઉભી કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. તે અંગેના વટહુકમને બહાલી આપતું બીલ ગૃહમાં રજુ કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે.

આજે (બુધવારે) વિધાનસભા ખાતે ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક-૨૦૧૮ રજુ કરતાં નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યની નગરપાલિકાને લગતાં કામકાજના વહીવટ અને સંચાલન માટે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ અધિનિયમીત છે. તેમાં સુધારો કરાયો છે કેમ કે, તે સમયે ૫૨ નગરપાલિકાઓ હતી અને આજે ૧૬૨ નગરપાલિકાઓ અસ્તિત્વમાં છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ નવીનીકરણ અને શહેરી રૂપાંતર માટેના સરળ મિશન, વાજબી આવામન, સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જેવા વિવિધ પ્રોજેક્ટના લાભો નાગરિકોને ઝડપથી મળતા થાય તથા સરકારી યોજનાના લાભો વધુ ઝડપથી મલે તે માટે આ નિર્ણય કરાયો છે.

પટેલે કહ્યું કે, નગરપાલિકાઓના ઝડપી વહીવટ અને સંચાલન માટે નગરપાલિકાઓના નિયામકની જગ્યાએ નગરપાલિકા વહીવટ કમિશનરની નવી જગ્યા ઉભી કરાઇ છે. સાથે-સાથે મ્યુનિસિપલ કમિશનરની કચેરીની કામગીરીને સરળ બનાવવા તથા કમિશનરને મદદરૂપ થવા અધિક કમિશનરની નવી જગ્યા ઉભી કરાઇ છે, તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરત એમ ૬ નવી રીઝીયોનલ કચેરીઓ કમિશનર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કચેરી હેઠળ કામ કરશે, સાથે-સાથે GMFB, GUDC, GUDM, સ્વચ્છ ભારત મિશન, NULM કચેરીઓ પણ કમિશનર મ્યુનિસિપાલિટી હેઠળ કામ કરશે. એ જ રીતે મ્યુનિસિપાલિટી કમિશનર કચેરીમાં કમિશનર નીચે એક નાયબ મ્યુનિસિપાલિટી કમિશનર (પ્રોજેક્ટ) અને નાયબ મ્યુનિસિપાલિટી કમિશનર (વહીવટ) એમ બે અધિકારી ફરજ બજાવશે. આ વહીવટી ફેરફારો થવાથી મ્યુનિસિપાલિટી તંત્ર વધુને વધુ લોકાભિમુખ તેમજ કાર્યક્ષમ બનશે. અને તંત્ર પર મોનીટરીંગ કરી શકાશે. જેના લીધે સ્થાનિક કક્ષાએ ઝડપી નિર્ણય થતાં નાગરિકોમાં કામો વધુ સરળ અને ઝડપી બનશે, તેમ તેમણે ઉમેર્યુ હતું. આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયુ હતું.

error: Content is protected !!