સુરતમાંથી એસઓજીએ રૂ. 40.73 લાખ કિંમતની 2000ની નકલી નોટો સાથે ત્રણને ઝડપી પાડ્યા

સુરત, દેશગુજરાત: નોટબંધી પછી 500 અને 2000ની નવી નોટો બહાર પાડવામાં આવી ત્યારે સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો હતો કે, નવી નોટની નકલ કરવી સરળ નથી. જોકે,  સ્પેશયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ 2000ના દરની 40.73 લાખની નકલી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે.

એસઓજીને બાતમી મળી હતી કે, સુરતના મજૂરાગેટ વિસ્તારમાં નકલી નોટો બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે. આ બાતમીને આધારે એસઓજીએ કારખાના પર દરોડો પાડ્યો અને રૂ.2000 ના દરની નકલી નોટો બનાવવાની સામગ્રી ઝડપી પાડી હતી. આ સાથે જ રૂ. 2000ના દરની 40.73 લાખની નકલી નોટો પણ મળી કારખાનામાંથી જપ્ત કરવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં નકલી નોટો બનેલી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે, નોટબંધી પછી જ્યારે 500 અને 2000ના દરની નવી નોટો બહાર પડાઈ ત્યારે તેમાં એડવાન્સ્ડ સિક્યુરિટી ફીચર્સ હોવાનો અને તેની નકલ શક્ય ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સુરતમાંથી પકડાયેલી લાખો રૂપિયાની નકલી નોટોએ સરકારનો આ દાવો પોકળ સાબિત કરવાની સાથે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે ઝડપેલા આ શખ્સોએ અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો છાપી છે અને કેટલી નકલી નોટો બજારમાં સર્ક્યુલેટ કરી છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!