કેટલાક સમાચારપત્રોએ ગુજરાતમાં મારા નિવેદનને તોડીમરોડીને રજુ કર્યું: રામ વિલાસ પાસવાન

(વિડિયોમાં: શનિવારે  અમદાવાદમાં રામવિલાસ પાસવાનની પત્રકાર પરિષદ)

નવી દિલ્હી, દેશગુજરાત: કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાને રવિવારે ટ્વીટ્સની શ્રેણીમાં કહ્યું હતું કે,  અમદાવાદમાં શનિવારે પત્રકાર પરિષદમાં તેમણે  આપેલા નિવેદનને કેટલાક સમાચારપત્રોએ તોડીમરોડીને રજુ કર્યું છે.

પાસવાને કહ્યું,

11 નવેમ્બરે અમદાવાદમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કેટલાક સમચારપત્રોએ મારા નિવેદનોને તોડીમરોડીને રજુ કર્યું છે.

મેં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ઉનામાં અથવા દેશના કોઈ પણ ભાગમાં દલિત વિરુદ્ધની ઘટના અત્યંત નિંદાત્મક છે. રાજ્ય સરકારે આવા ઘોર ગુનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

ગુજરાત સરકારે ઉનામાં દલિતો પરના અત્યાચાર સામે ખાસ અદાલતની રચના કરી હતી અને 30 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર પોલીસ અધિકારીઓ અટકાયતમાં હતા અને 46 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

છેલ્લાં સાડા ત્રણ વર્ષોમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલિતો અને બાબા સાહેબ આંબેડકરના કલ્યાણ માટે ઘણા પગલાં ભર્યાં છે, જે પોતે જ રેકોર્ડ છે.

હું જ્યારે 1989 માં કલ્યાણ મંત્રી હતો ત્યારે સંસદ દ્વારા એસસી / એસટીની અત્યાચાર નિવારણ અધિનિયમ(એક્ટ) પસાર કરવામાં આવ્યો હતો અને 2016માં નરેન્દ્ર મોદીની સરકારે તેમાં સુધારા કર્યા હતા અને કડક જોગવાઈ કરી હતી.

કેટલાક લોકો તેમના અંતર્ગત રાજકીય સ્વાર્થ માટે દલિત સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. દલિતોને આવા વ્યક્તિઓથી સાવધ રહેવાની જરૂર છે.

error: Content is protected !!