રક્ષાબંધનના દિવસે ગ્રહણને કારણે રાત્રે બે વાગ્યા સુધી સતત ૨૨ કલાક ખુલ્લુ રહેશે શ્રી સોમનાથ મંદિર

સોમનાથ, દેશગુજરાતઃ આવતી કાલે તા.૦૭.૦૮.૨૦૧૭ ને શ્રાવણ વદ પુનમને સોમવારે ૨૬ વર્ષ બાદ ગ્રહણ યોગ યોજાશે. આ ગ્રહણ આધાત્મિક રીતે પાળવાનુ રહેશે. ગ્રહણ આધ્યાત્મિક રીતે પણ ખુબજ મહત્વ ધરાવતુ હોવાથી પાઠ-પૂજન-દાન-જપ-તપ-ધ્યાન વિગેરે વિશેષ મહત્વ ધરાવતુ હોવાથી આધિ દૈવિક, આધિ ભૌતિક, તથા આધ્યાત્મિક દોષોમાંથી મુક્તિ અપાવનારૂ છે.આ ગ્રહણ શ્રવણ નક્ષત્ર મકરરાષીમાં અને શ્રાવણમાસમાં હોવાથી વિશેષ પુણ્યકારી માનવામાં આવે છે.

सरस्वती समुद्रश्र्च सोमेसोम ग्रहणस्तथा।

दर्शनम् सोमनाथस्य सकारा पंचदुर्लभा ।।

સ્કંદપુરાણના ઉપરોક્ત શ્લોક પ્રમાણે પ્રથમ પ્રભાસ ક્ષેત્ર, ક્રમશઃ સરસ્વતી નદી, સમુદ્ર (ત્રિવેણી સંગમ સ્નાન), સોમવાર, ચંદ્રગ્રહણ અને સોમનાથ મહાદેવના દર્શન થી સંપુર્ણ પંચ સકારયોગ રચાય છે. આ દુર્લભ યોગમાં ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થઇ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરના નિત્યક્રમમાં ફેરફાર કરાયો છે, જેમાં પ્રાતઃ ૪-૦૦ વાગ્યે મંદિર ખુલશે, મધ્યાન્હ આરતી સુધી નિત્યક્રમ યથાવત રહેશે. બાદ ગ્રહણનો વેધસ્પર્ષ થતો હોવાથી પૂજાવિધિ ગ્રહણ મોક્ષ રાત્રીના ૧-૦૦ સુધી બંધ રાખવામાં આવશે, ૦૧ વાગ્યા બાદ મહાપૂજા અને મહાઆરતી બાદ મંદિર રાત્રે ૨-૦૦ વાગ્યે બંધ કરવામાં આવશે. આ યોગ વર્ષો બાદ આવતો હોવાથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી પંચસકાર યોગના દર્શનથી આધિ-વ્યાધિ-ઉપાધી માંથી મુક્તિ મેળવી ઉત્તમ ફળની પ્રાપ્ત કરી શકે તેવા શુભઆશય થી મંદિર સતત ૨૨’ કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવશે જેમાં ઉપસ્થીત રહેવા સૌ ધર્મપ્રેમી ભક્તોને જાહેર નિમંત્રણ શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજીત શ્રાવણોત્સવ-૨૦૧૭ માં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણમાસ અંતર્ગત સોમનાથ મંદિરની સામેના ભાગે પથીકાશ્રમમાં બનાવેલ વિશાળ વોટરપ્રુફ ડોમ ખાતે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા હરીફાઇ, નૃત્ય સ્પર્ધા, ભરત નાટ્યમ કથ્થક નૃત્ય વિગેરેનુ આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી તથા જાહેર જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવે છે.

તા.૧૩.૦૮.૧૭ ના રોજ રાજ્ય નૃત્ય હરીફાઇનું આયોજન અલગ અલગ સૌજન્ય દ્વારા થનાર છે. તા.૧૪.૦૮.૧૭ ના રોજ બેંગલોરના સુષ્માબેન ઉપાધ્યાય તથા તેમના સાથી કલાકારો દ્વારા નૃત્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તા.૧૯.૦૮.૨૦૧૭ ના અલગ અલગ સૌજન્ય દ્વારા દાંડીયારાસ તથા તાલીરાસ ની હરીફાઇનું આયોજન રાખવામાં આવેલ છે. તા.૨૦.૦૮.૧૭ના રોજ પ્રસિધ્ધ કલાકાર શ્રી પ્રહર વોરા તથા તેના ગૃપ દ્વારા ભજન લોકગીતો સુફી વિગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય. સંગીતપ્રેમી જનતા તથા ધર્માનુરાગીઓએ તેમજ કલાપ્રેમી જનતાએ ઉપસ્થીત રહેવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ છે.

આ તમામ કાર્યક્રમો નિયત તારીખે રાત્રે કલાકે ૮-૦૦ વાગ્યે શરૂ કરવામાં આવશે.

error: Content is protected !!